Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટ રાત્રે જળબંબાકાર-સવારે કોરૂકટઃ તંત્રને હાશકારો

૮II થી ૨ સુધી પડેલા એકધારા વરસાદથી ૧૫૦ ફુટ રીંગરોડ, રૈયા ચોકડી, રેસકોર્ષ રીંગરોડ, મહિલા કોલેજ અંડરબ્રીજ, પોપટપરા નાલુ :સહિતના વિસ્તારોમાં નદીઓ વહી :કંટ્રોલરૂમમાં પાણી ભરાવાથી ૧૩ જેટલી ફરિયાદોઃ આફ્રિકા કોલોની, ભવાનીનગર, હંસરાજનગર, રૈયાધારના રહેણાક વિસ્તારોમાં પાણી ઘુસી જતા રાત્રે લોકો મુશ્કેલીમાં: મેયર બીનાબેન આચાર્યએ રાત્રે કંટ્રોલ રૂમમાં બેસી શહેરની સ્થિતિ પર નજર રાખી

રાજકોટ, તા. ૧૭ :. શહેરમાં ગઈરાત્રે ૮.૩૦ વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદ સતત ૨.૩૦ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો આથી શહેરમાં આ દરમિયાન એકી સાથે ૭ ઈંચ જેટલુ પાણી પડતા રાજમાર્ગો નદીમાં ફેરવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેણાકોમાં પાણી ભરાતા રાત્રે લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જો કે સવારે ૮ વાગ્યે શહેરના તમામ વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ જતા તંત્ર વાહકોને હાશકારો થયો હતો.

મ્યુ. કોર્પોરેશનના વરસાદના ખાસ કંટ્રોલ રૂમમાં ગઈરાત્રીના વરસાદ દરમિયાન ૧૩ સ્થળોએ પાણી ભરાવાની ફરીયાદો નોંધાઈ હતી.  જેમાં વોર્ડ નં. ૧-૨માં ભવાનીનગર, વોર્ડ નં. ૯ માં માધવ પાર્કમાં, વોર્ડ નં. ૩ માં હંસરાજનગર મેઈન રોડ તથા વોર્ડ નં. ૧૦માં આફ્રીકા કોલોની, વોર્ડ નં. ૨ માં ગાયત્રીધામ સોસાયટી, વોર્ડ નં. ૧ માં રૈયાધાર તથા સદભાવના વૃદ્ધાશ્રમ અને વોર્ડ નં. ૬મા અંબીકા સોસાયટી વગેરે રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ફરીયાદો નોંધાઈ હતી. જ્યારે નંદનપાર્ક શેરી નં. ૧ માં ઝાડ પડવાની ફરીયાદ નોંધાઈ હતી.આ ઉપરાંત શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી, રૈયા ચોકડી, રેસકોર્ષ રીંગ રોડ, મહિલા કોલેજ અંડરબ્રીજ, પોપટપરા નાલુ વગેરે સ્થળોએ ગોઠણડુબ પાણી ભરાતા રાજમાર્ગો નદીમાં ફેરવાયા હતા અને સેંકડો વાહનચાલકોને રાત્રે ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી.જો કે રાત્રે જ ફાયર બ્રિગેડ દોડધામમાં પડી ગયુ હતુ પરંતુ સવારે તમામ સ્થળોએ પાણી ઓસરી જતા તંત્રવાહકોએ હાશકારો અનુભવ્યો હતો.

રાજકોટનો આજનો ઝોન વાઇસ વરસાદ

ઝોન            ગઈકાલ સવારના ૭ થી   મોસમ

                 આજ સવારના ૭ સુધી

સેન્ટ્રલ  ૧૬૪   મી.મી           ૩૧૫ મી.મી

વેસ્ટ             ૧૭૬   મી.મી           ૩૪૫ મી.મી

ઇસ્ટ             ૧૪૧   મી.મી           ૨૫૭ મી.મી

(3:51 pm IST)