Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટમાં રાત્રીના ૭.૫ ઈંચ ખાબકયોઃ આજે પણ આગાહી

મોનસુન ટ્રફ દક્ષિણ દિશામાં હોય સૌરાષ્ટ્રને વધુ અસર કરે તેવો અનુમાનઃ બે થી ત્રણ સિસ્ટમ્સ સક્રિય : સૌરાષ્ટ્રમાં આજે- કાલે ભારે વરસાદ પડશે, દરિયાઈ- પટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવનાઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૭: અંતે રાજકોટ શહેરમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઝરમર ચાલુ રહ્યા બાદ ગઈકાલે જમાવટ કરી હતી. માત્ર ચાર કલાકમાં ૭.૫ ઈંચ પાણી પડી ગયું હતું. શહેરના જાહેર માર્ગોથી માંડીને શેરી- ગલીઓમાં નદીઓ વહેતી થઈ ગઈ હતી. દરમિયાન આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ૧૯ જુલાઈ સુધી દરરોજ કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડવાનું ચાલુ રહેશે.

સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. બે ચાર જગ્યાએ ભારેથી અતિભારે અને અન્ય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સંભાવના છે.

ગુજરાત ઉપર સાયકલોનીક સરકયુલેશન છવાયું છે. મોનસુન ટ્રફ પણ દક્ષિણ દિશામાં છે. જેની અસરથી સારો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં લો- પ્રેસર ઓરીસ્સા ઉપર છે. જે પશ્ચિમ- ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ તમામ સમીકરણોની અસરથી સૌરાષ્ટ્ર- ગુજરાતમાં વરસાદ વરસવાનું ચાલુ રહેશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે દિવસ દરમ્યાન ઝરમર ચાલુ રહ્યો હતો. સાંજના સમયે એક જોરદાર રેળો પડી ગયો હતો. ત્યારબાદ પણ ઝરમર ચાલુ હતો. બાદ રાત્રીના સાડાઆઠની આસપાસ મેઘરાજાએ જોર પકડયું હતું. થોડીવારમાં તો એકરસ બની ગયો હતો. જોતજોતામાં તો રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. રાત્રીના ૯ થી ૧૨:૩૦ દરમ્યાન એટલે કે સાડા ત્રણ કલાકમાં ૬ ઈંચ પાણી પડી ગયું હતું. ગઈકાલથી આજે સવાર સુધીમાં ૭.૫ ઈંચ વરસાદ પડી ગયો હતો. મોસમનો કુલ ૧૩.૫ ઈંચ થઈ ગયો છે. આખી રાત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે લગભગ ૬:૩૦ સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો.

૧ વાગ્યે ધીમો પડી ગયા બાદ રાત્રીના બે વાગ્યાથી ફરી વરસાદે જોર પકડયું 'તુ

મોડીરાત્રીના વરસાદનું જોર ઓછું થઈ ગયુ હતું પણ ધીમીધારે ચાલુ જ હતોઃ તંત્ર દ્વારા સતત મોનિટરીંગ હાથ ધરાયુ

(11:33 am IST)