Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દુર્ઘટના ટળી...

જયુબેલી બાગમાં કલોરીન ગેસ લીકેજઃ તંત્રની સાવચેતીથી સબ સલામત

સવારે ૧૦.૩૦ વાગ્યે પમ્પીંગ સ્ટેશનમાં કલોરીન ગેસ સીલીન્ડરની નટમાં લીકેજ થયું: કેમીસ્ટ મેસવાણિયાને લીકેજની જાણ થતાં જ ફાયર બ્રિગેડ - વોટર વર્કસની ટુકડીઓ ઓકસીજન સાથે સ્થળ પર પહોંચી ગઇઃ બગીચામાં પ્રવેશબંધી ફરમાવી, લીકેજ સીલીન્ડરને રિબડા પાસે ખુલ્લી જગ્યામાં લઇ જવાયો

જ્યુબેલી બાગના પાણીના ટાંકામાં સવારે કલોરીન - ગેસનો સીલીન્ડર લીકેજ થયો તે વખતની તસ્વીરના ફાયરબ્રિગેડ તથા વોટર વર્કસના ઇજનેરો દ્વારા ઓકસીજન ગેસ માસ્ક પહેરી યુધ્ધના ધોરણે ગેસ લીકેજ બંધ કર્યું હતું તે દર્શાય છે. ઇન્સેટ તસ્વીરમાં સીટી ઇજનેર વસંતભાઇ રાજ્યગુરૂએ ઘટના સ્થળે પહોંચી લીકેજ સીલીન્ડરના નિકાલની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપેલ તે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૨૪ : શહેરની મધ્યે આવેલ જયુબેલી બગીચાના પાણી વિતરણના પમ્પીંગ સ્ટેશનમાં સવારે કલોરીન ગેસ લીકેજ થયેલ પરંતુ અધિકારીઓની સમયચૂકતાની યુધ્ધના ધોરણે ગેસ લીકેજ બંધ કરવામાં આવતા મોટી દુર્ઘટનાં ટળી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જયુબેલી બાગમાં આવેલ. પાણી વિતરણના પમ્પીંગ સ્ટેશનના કલોરીન યુનિટમાં સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ કલોરીન ગેસ સીલીન્ડર લીકેજ હોવાનું કેમીસ્ટ શ્રી મેસવાણિયાના ધ્યાન ઉપર આવતા તેઓએ યુધ્ધનાં ધોરણે ફાયરબ્રિગેડ તથા સીટી ઇજનેર સહિતના અધિકારીઓને જાણ કરતા ગણતરીની મીનીટોમાં ચીફફાયર ઓફિસર શ્રી ઠેબા સહિતના સ્ટાફે ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ, ૧૦૮ સહિતના કાફલો પહોંચી ગયેલ અને ફાયરબ્રિગેડ જવાનો તથા વોટરવર્કસ ઇજનેરોએ ઓકસીજન સીલીન્ડર યુનિટ અને માસ્ક સાથે સીલીન્ડર પાસે પહોંચી ગેસ સીલીન્ડર ફીટીંગ કરવાના વાલ્વની નટ પાસેનું લીકેજ બંધ કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.

કેમકે જો કલોરીન ગેસ લીકેજ વધુ સમય સુધી ચાલુ રહ્યું હોત તો આસપાસ બજાર વિસ્તાર અને બગીચા વિસ્તારમાં આંખોમાં બળતરા, શરીરમાં ખંજવાળ સહિતની સમસ્યાઓ સર્જાવાની ભીતી હતી.

દરમિયાન મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટલ ઝોનમાં સ્થિત જયુબેલી પમ્પીંગ સ્ટેશન પર પાણીને જંતુમુકત કરવા માટે કલોરીનેશન કરવું જરૂરી બની રહેતું હોય છે અને આ માટે કલોરીન ટનર બેસાડવામાં આવેલ હોય છે. આ ટનરનો મેઈન વાલ્વ ખરાબ થવાથી આજે સવારે કલોરીન ગેસ ગળતર થયું હતું. જોકે આ ઘટનાની જાણ થતા જ ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટનો કાફલો અને વોટર વર્કસ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જયુબેલી પમ્પીંગ સ્ટેશન પહોંચી ગયા હતાં અને સમગ્ર મામલો જાહેર જનતા કે સ્ટાફને કોઇપણ પ્રકારની સમસ્યા પૂર્વે જ કાબૂમાં લઇ લીધો હતો, તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

કમિશનરશ્રી આ અંગે વિશેષ વાત કરતા એમ કહ્યું હતું કે, અધિકારીઓએ સાવચેતી તથા સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારો તેમજ બગીચામાં રહેલ જાહેર જનતાને બનાવના સ્થળેથી દુર ખસેડી લીધા હતાં. ગેસ ગળતરથી એકપણ વ્યકિતને કોઇપણ પ્રકારની હાની કે આડઅસર થયેલ નથી.

કાર્યપાલક ઈજનેર  વી.સી.રાજયગુરૂના માર્ગદર્શન હેઠળ કેમિસ્ટ શ્રી નાગપરા, શ્રી મેસ્વાણી, નાયબ કાર્યપાલક ઈજનેર  અશોક પરમાર, કે.પી. દેથરીયા, વોટર વર્કસ (હેડ વર્કસ) નાં સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ત્વરિત જહેમત ઉઠાવીને ત્વરિત રીપેરીંગ હાથ ધરીને કલોરીન ગેસ ગળતર બંધ કરવામાં આવેલ, જે લીકેજ થયેલ સિલિન્ડરને રાજકોટ શહેરની બહાર દુર શીફટ કરવામાં આવેલ છે.

આ સમગ્ર બાબતની જાણ કલોરીન સીલીન્ડર તેમજ ટનર સપ્લાય કરતી સંસ્થા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લી. વડોદરા (ગુજરાત સરકાર) ને કરવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતા વોટર વર્કસ ચેરમેન દલસુખભાઈ જાગાણી પણ ત્વરિત સ્થળ પર આવી પહોંચેલ હતાં.(૨૧.૩૨)

૯૦૦ કીલો કલોરીનનું સીલીન્ડર લીકેજ થયેલ જે ૭૫ કરોડ લી. પાણી કલોરીનેશનની ક્ષમતા ધરાવે છે

રાજકોટ : જ્યુબેલી પમ્પીંગ સ્ટેશનમાં જે કલોરીન ગેસ સીલીન્ડર લીકેજ થયેલ તે ૯૦૦ કિલો કલોરીન ગેસની ક્ષમતાનો હતો અને ૨જી એપ્રિલે ચાલુ કરાયેલ. લીકેજ વખતે તેમાં તેની ક્ષમતાનો ૧/૩ જેટલો ગેસ બાકી હતો. ઇજનેરોના જણાવ્યા મુજબ આ ગેસ સીલીન્ડરમાંથી ૧ મહિનામાં ૭૫ કરોડ લીટર પાણીનું કલોરીનેશન થઇ શકે.(૨૧.૩૨)

(4:38 pm IST)