Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પાસપોર્ટ માટે ખોટી જન્મ તારીખ દર્શાવવા અંગે મહિલા આરોપીને ત્રણ વર્ષની સજા

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટમાં પાસપોર્ટ કઢાવવા માટે પોલીસ કમિશનર કચેરીમાં આપેલી અરજી બાદ લિવીંગ સર્ટીફીકેટમાં જન્મની તારીખમા ફેરફાર કરી સાચા તરીકે ઉપયોગ કરવાના કેસમાં કોર્ટે ભાવનાબેન ભરતભાઈ વસોયા (રહે. મધુરમ પાર્ક, આનંદનગર મેઈન રોડ)ને તકસીરવાન ઠરાવી ૩ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, મધુરમ પાર્ક-૨માં રહેતા ભાવનાબેને પાસપોર્ટ મેળવવા માટે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જેમા તેના જન્મ તારીખના આધાર તરીકે બાયસાબા સ્કૂલનું લિવીંગ સર્ટીફીકેટ રજુ કર્યુ હતું. જેમા પોતાની જન્મ તારીખ ૨૭-૮-૭૧ના બદલે ૨૭-૮-૭૫ કરી ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ફાઈલ ભકિતનગર પોલીસમાં વેરીફીકેશન માટે જતા લિવીંગ સર્ટીફીકેટમાં આંકડા અને શબ્દોમાં ફેરફાર થયાનું ધ્યાન આવતા સ્કૂલને પત્ર લખી ખરાઈ કરાવતા શાળાના રેકર્ડ મુજબ મહિલાની ઉંમર ૨૭-૮-૭૧ હોવાનું રેકર્ડ પરથી જાણવા મળતા આ અંગે પોલીસ ગુન્હો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતુ. આ કેસ ચાલી જતા ૭ મા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ રવિકુમાર મહેતાએ મહિલાને તકસીરવાન ઠરાવી ૩ વર્ષની કેદનો હુકમ કર્યો હતો. આ કેસમા એપીપી દેવેન્દ્ર ત્રિવેદી રોકાયા હતા.(૨-૭)

(4:30 pm IST)