Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જીયાણાની જમીન મામલે હત્યાનો પ્રયાસ કરનારા છ શખ્સોનું સરઘસ...પોલીસ સામે 'પાંગળા' બની ગયા

સુત્રધાર ભાવેશ લોખીલ હજુ ફરારઃ તેના સાગ્રીતોની હવા નીકળી ગઇ-હાથ જોડી માફી માંગીઃ ફોર્ચ્યુનર કાર, ધોકા, કપડા કબ્જેઃ છએય શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટઃ સામા કાંઠે સંત કબીર રોડ પર નંદુબાગમાં રહેતાં શૈલેષભાઇ રવજીભાઇ રૈયાણી (ઉ.૪૪) (લેઉવા પટેલ) તથા તેમના બે ભાઇઓ દિલીપભાઇ, પ્રવિણભાઇ અને ભાભી હીરાબેન પર શનિવારે રાત્રે આમ્રપાલી ફાટક પાસે ચુડાસમા પ્લોટમાં  જીયાણાની જમીનના ડખ્ખામાં ભાવેશ લોખીલ અને તેની સાથેના અગીયાર જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઇપ, ગુપ્તી જેવા હથીયારોથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી બેફામ ગૂંડાગીરી આચરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિષ, રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ભાવેશ લોખીલ સહિતનાએ જીયાણાની સર્વે નં. ૧૯૭ની જમીનના કાગળો માંગી  હુમલો કર્યો હતો. આ જમીન મામલે આઠેક વર્ષથી શૈલેષભાઇ અને ભાવેશ લોખીલને ડખ્ખો ચાલે છે. ગાંધીગ્રામ પોલીસે આ ગુનામાં ભાવેશના સાગ્રીતો સાબાન ગફારભાઇ માડમ (ઉ.૩૩-રહે. આરટીઓ પાછળ), ભરત જીવરાજભાઇ લીંબાસીયા (ઉ.૩૫-રહે. ભવનાથ સોસાયટી), રઝાક ઉર્ફ રાજુ જુમાભાઇ માલાણી (ઉ.૩૧-રહે. જંગલેશ્વર), પશુભા રૂપસિંગ રાઠોડ (ઉ.૩૮-રહે. સરિતા સોસાયટી), ભાવેશ કેશવજી અણદાણી (ઉ.૩૪-રહે. ખોડિયાર પાર્ક) તથા લાલજી ઉર્ફ લાલો હસુભાઇ પરેશા (ઉ.૩૦-રહે. શકિત સોસાયટી)ને પકડી લીધા હતાં. ગત સાંજે આ છએય શખ્સોને તેણે જ્યાં હુમલો કર્યો હતો એ સ્થળે લઇ જઇ 'સરઘસ' કાઢી વિશીષ્ટ ઢબની પુછતાછ શરૂ કરતાં જ 'ભુલ થઇ ગઇ...હવે નહિ કરીએ...ઓ માડી...ઓય મા...એ સાહેબ મુકી દ્દયો...' જેવા અવાજો શરૂ થઇ ગયા હતાં. શનિવારે બેફામ ગુંડાગીરી આચરનારા આ તમામ ગત સાંજે પોલીસની કાર્યવાહી સામે પાંગળા બની ગયા હતાં. ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસની ટીમે છએય શખ્સોની ખો ભુલાવી દીધી હતી. પી.આઇ. એચ. આર. ભાટુ, ભાનુભાઇ, રશ્મીનભાઇ અને ડી. સ્ટાફની ટીમ વધુ તપાસ કરે છે. છએયના રિમાન્ડ મેળવવા અને ઓખળ પરેડ કરાવવા તજવીજ થઇ રહી છે. પોલીસે ફોર્ચ્યુનર કાર, ધોકા અને આરોપીઓના કપડા કબ્જે લીધા છે. તસ્વીરમાં હાથ જોડી માફી માંગી રહેલા છએય શખ્સો અને પોલીસ કાફલો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:18 pm IST)