Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

શાપરમાં પ્રેમિકાના સગાએ ધમકાવતાં વિનોદ ચૌહાણે ઉંઘની ટીકડીઓ પીધી

ગોંડલના નાગડકાના દિનેશ વણકરની પત્નિ રિસામણે જતાં સસરા-સાળાએ ધમકી દીધીઃ ગભરાઇને ઝેર પી ગયોઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૪: શાપર વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતો વિનોદ વશરામભાઇ ચૌહાણ (ઉ.૨૮) નામનો વણકર યુવાન શાપરના પુલ નીચે ઉંઘની વધુ પડતી ગોળીઓ પી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

વિનોદ ત્રણ ભાઇમાં બીજો અને કુંવારો છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતાના કહેવા મુજબ વિનોદને એક છોકરી સાથે પ્રેમસંબંધ હોઇ તેની જાણ તેણીના પરિવારજનોને થઇ જતાં ગઇકાલે એ લોકોએ વિનોદને ધમકાવ્યો હતો. આ કારણે ગભરાઇ જઇ તેણે આ પગલું ભર્યુ હતું.

બીજા બનાવમાં ગોંડલના નાગડકા ગામે રહેતાં દિનેશ ભીખાભાઇ જોગેલ (ઉ.૩૭) નામના વણકર યુવાને ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. દિનેશ છુટક મજૂરી કરી છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તેના કહેવા મુજબ પત્નિ સાધના ગઇકાલે ઝઘડો કરી તેના માવતરે ચરખડી ગામે જતી રહ્યા બાદ સસરા અને સાળાઓએ પોતાને ધમકી આપતાં ગભરાઇને ઝેર પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(4:24 pm IST)