Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ભારતનગરમાં ઓરડીમાં ભોંયરૂ બનાવી ઇમરાને ૯૬ હજારનો દારૂ છૂપાવ્યો'તોઃ ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યો

હેડકોન્સ. સમીરભાઇ શેખ, કોન્સ. હરદેવસિંહ રાણા અને રામભાઇની બાતમી પરથી દરોડોઃ ઇમરાન અગાઉ દારૂ અને હત્યાના ગુનામાં સંડોવાઇ ચુકયો છે

રાજકોટ તા. ૨૪: શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. વધુ એક દરોડામાં આજીડેમ પાસે ભારતનગરમાં ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી પરથી એક ઓરડીમાં દરોડો પાડી અંદર ભોંયરામાં છૂપાવાયેલો રૂ. ૯૬ હજારનો દારૂ જપ્ત કર્યો હતો. ઓરડીમાં રહેતો મુસ્લિમ શખ્સ હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, અનિલભાઇ સોનારા, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, અજીતસિંહ પરમાર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સમીરભાઇ શેખ, હરદેવસિંહ અને રામભાઇને બાતમી મળી હતી કે ૮૦ ફુટ ચોકડી પાસે ભારતનગર-૩માં રહેતાં ઇમરાન જુસબભાઇ કાયાણીએ ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે.

આ માહિતી પરથી ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. પણ ઇમરાન હાજર નહોતો. ઘરમાં દારૂ પણ દેખાયો નહોતો. બાદમાં તપાસ કરતાં લોખંડનું મોટુ ઢાંકણું દેખાતા તે ઉંચકાવતાં નીચે મોટુ ભોંયરૂ જોવા મળ્યું હતું. જેમાંથી ૨૪૦ બોટલ દારૂ ૯૬ હજારનો મળતાં કબ્જે કર્યો હતો. પોલીસના કહેવા મુજબ ઇમરાન અગાઉ પણ દારૂ સાથે પકડાયો હતો. તેમજ એક હત્યાના ગુનામાં પણ સંડોવાઇ ચુકયો છે. તેને ઝડપી લેવા તજવીજ થઇ રહી છે. તસ્વીરમાં ઇમરાનની ઓરડીમાં દારૂ છુપાવવાનું ભોંયરૂ, જપ્ત થયેલો દારૂ અને પીએસઆઇ સોનારા તથા ટીમ જોઇ શકાય છે.

(12:34 pm IST)