Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ચંપકનગરના તુલસીભાઇ માળીનો બિમારીથી કંટાળી ઝેર પી આપઘાત

ગાંધીગ્રામના પ્રજાપતિ ધનજીભાઇ કુકડીયાનું બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૨૪: સામા કાંઠે સંત કબીર રોડ પર ચંપકનગરમાં રહેતાં તુલસીભાઇ નામેરીભાઇ સોલંકી (ઉ.૫૦) નામના માળી પ્રોૈઢે ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે ઘર નજીક બ્રાહ્મણીયા પરામાં પોતાના પુત્ર નિકુંજની દૂકાન પાસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું. લાંબા સમયથી તેમને પેરેલિસીસ હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલાળા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. આપઘાત કરનાર તુલસીભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે સતત બિમાર રહેતાં હોઇ નિવૃત જીવન ગાળતાં હતાં.  તેમના મોતથી સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બીજા બનાવમાં ગાંધીગ્રામ જીવંતિકાનગર મેઇન રોડ પર રહેતાં ધનજીભાઇ રામજીભાઇ કુકડીયા (સોરઠીયા પ્રજાપતિ) (ઉ.૫૫)ને ઘરે બાથરૂમમાં હતાં ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક મુળ માધવપુર ઘેડના વતની હતાં અને મિસ્ત્રી કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:32 am IST)