Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જૈન ધર્મગુરુ શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનું વિશ્વવ્યાપી ઓનલાઇન આયોજન

પર્વના 8 દિવસ દરમ્યાન દેશ-વિદેશના 100થી પણ વધારે સંઘના હજારો ભાવિકો માટે સવારના ૭ થી રાત્રિના ૯ સુધી અનેક કાર્યક્રમો:૧.૧૧ લાખ ભાવિકો સંવત્સરી પ્રતિક્રમણ કરશે

રાજકોટ: દિલમાં જો ધર્મપ્રેમના દીપક ઝળહળતાં હોય, રોમરોમમાં જો શાસન પ્રભાવના પ્રત્યે જોમ અને જુસ્સો સમાયો હોય તો કોરોના મહામારીના ભયાનક કાળમાં પણ હજારો હ્રદયમાં ધર્મપ્રેમની જ્યોત જાગૃત કરી શકાય છે એની પ્રત્યક્ષ સાબિતી આપી રહ્યાં છે ગરવા ગઢ ગિરનારની ગોદમાં ચાતુર્માસ બિરાજિત જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ જેમના સાંનિધ્યે આગામી દિવસોમાં આવી રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં અનેકવિધ કાર્યક્રમોનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે.

તા: 15 થી 22 આઠ દિવસ સુધી પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે સવારથી લઈને રાત્રિ સુધી ગિરનારથી લાઈવ પ્રસારણના માધ્યમે અનેકવિધ કાર્યક્રમોના આયોજન સાથે દેશ-વિદેશના હજારો ભાવિકોને વિવિધ સાધના-આરાધના કરાવવામાં આવશે.

પર્વાધિરાજ પર્વના કાર્યક્રમની રૂપરેખા અનુસાર દરરોજ સવારે 7 થી 8 કલાક દરમ્યાન આત્મશુધ્ધિના અનોખા પ્રયોગ સ્વરૂપ ઇનર ક્લિનિંગ કોર્ષ ધ્યાનસાધના, 8:15 થી 8:30 સુધી વિશ્વ શાંતિ - સમાધિના પ્રસારણ હેતુ મંત્ર જપ સાધના, 8:30 થી 9 સુધી પૂજ્ય શ્રી પરમ મહાસતીજીના શ્રીમુખેથી પ્રવચનમાળા, 9 થી 11 કલાક દરમ્યાન પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ પ્રવચન તેમજ પચ્ચક્ખાણ વિધિ કરાવવામાં આવશે. 11 થી 11:15 સુધી શ્રી ગિરનાર તિર્થના લાઈવ દર્શન સાથે પ્રભુ નેમ ભાવ સ્મરણ ભક્તિ - સ્તવના વિખ્યાત સંગીતકાર હાર્દિકભાઈ શાહના મધુર કંઠેથી કરાવવામાં આવશે. ત્યારબાદ 11:15 થી 11:30 દરમ્યાન આત્મા ચિંતન કરાવતી ભાવયાત્રા પરમ ગુરૂદેવશ્રીની ભાવવાહી શૈલીમાં કરાવવામાં આવશે.

દરરોજ બપોરના 4 થી 5 કલાક દરમ્યાન બાળકો માટે વિશેષ પ્રકારે બાલ પર્યુષણ આરાધના મહોત્સવ ઉજવવામાં આવશે. એ સાથે જ, સાંજના 7 થી 8:15 સુધી પાપ વિશુધ્ધિની આરાધના સ્વરૂપ પ્રતિક્રમણ કરાવવામાં આવશે અને રાત્રિના 8:15 થી 10:15 કલાક દરમિયાન રાત્રિ પ્રવચનમાળા તેમજ ભક્તિ સ્તવના કરાવવામાં આવશે.

દરરોજના આ કાર્યક્રમોની સાથે વિશેષરૂપે તા: 19 ના દિવસે ભગવાન મહાવીર જન્મોત્સવની ભક્તિભીની ઉજ્વણીના આયોજન સાથે પર્વના અંતિમ દિવસે તા:22ના બપોરના 3 થી 5 દરમ્યાન જનમ જનમના પાપ-દોષોની વિશુધ્ધિ સ્વરૂપ આલોચનાની આરાધના કરાવવામાં આવશે અને સાંજના 6:30 થી 8:30 દરમ્યાન "One Jain" ના નેજા હેઠળ એકસાથે 1,11,000 ભાવિકોને લાઈવના માધ્યમે સામુહિક પ્રતિક્રમણની આરાધના કરાવવામાં આવશે.

પર્વાધિરાજ પર્વના આઠ દિવસના, આ વિશ્વસ્તરીય આયોજનમાં લાઈવના માધ્યમે સમગ્ર ભારતના ભાવિકો સાથે વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, જર્મની, ફ્રાન્સ, મલેશિયા, દુબાઈ, સુદાન, સિંગાપોર, અબુધાબી આદિ અનેક અનેક દેશોના ૧૦૦થી પણ વધારે સંઘો, હજારો હજારો ભાવિકો જોડાઈને ધન્ય બનશે.

કોરોના મહામારીના સમયમાં દર વર્ષની જેમ ધર્મ ક્ષેત્રમાં જઈને પર્વાધિરાજ પર્વની આરાધના કરવી અશક્ય છે ત્યારે લાઈવના માધ્યમથી સાધના-આરાધના કરવાના આ આત્માહિતકારી આયોજનામાં જોડાવા દરેક દરેક ભાવિકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે.

(7:00 pm IST)