Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટમાં સાતમની રાતે જૂગારધામો પુરબહારમાં ખીલ્યાઃ ૧૩ દરોડામાં ૭૭ પકડાયાઃ રૂ. ૩,૨૫,૩૫૦ની રોકડ કબ્જે

રાજકોટઃ શહેરમાં કોરોનાને કારણે લોકોને ઘરમાં જ રહેવાનું હોઇ ઠેકઠેકાણે જૂગારધામ શરૂ થઇ ગયા હતાં. સાતમની રાતે અલગ-અલગ પોલીસ સ્ટેશનની ટીમો, ક્રાઇમ બ્રાંચે ૧૩ સ્થળે દરોડા પાડી મહિલાઓ સહિત ૭૭ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૩,૨૫,૩૫૦ની રોકડ કબ્જે કરી હતી.

ડીસીબીએ સદર બજારમાં હોટેલના રૂમમાં દરોડો પાડી છ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૮૦ હજાર કબ્જે કર્યા છે. રૂમ ભાડે રાખી આ શખ્સો જૂગાર રમવા બેસી ગયાની બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અંસારી સહિતની ટીમે કાર્યવાહી કરી હતી. અન્ય દરોડામાં ક્રાઇમ બ્રાંચના હિરેન્દ્રસિંહ પરમાર સહિતે કેવડાવાડી-૪/૨૨માં દરોડો પાડી ૮ શખ્સોને પકડી લઇ રૂ. ૨૨૨૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.  તાલુકા પીએસઆઇ એન. ડી. ડામોર સહિતે પુનિતનગર કર્મચરી સોસાયટીમાં દરોડો પાડી ચાર શખ્સોને રૂ. ૧૫૧૮૦ની રોકડ કબ્જે કરી હતી.

આ ઉપરાંત તાલુકા પોલીસે કાલાવડ રોડ સાંજા ચુલ્હા પાછળ સહયોગ પાર્કમાં દરોડો પાડી મહિલાઓ સહિત ૧૧ને પકડી લઇ રૂ. ૨૧૪૦૦ની રોકડ કબ્જે લીધી હતી.  ગાંધીગ્રામ પોલીસે  લાખના બંગલાવાળા રોડ પર દરોડો પાડી ચાર શખ્સને રૂ. ૫૫૧૦ની રોકડ સાથે પકડ્યા હતાં. આ ઉપરાંત અન્ય દરોડામાં યશ કોમ્પલેક્ષ પાછળ અજય ટેનામેન્ટમાં દરોડો પાડી ચાર શખ્સોને પકડી રૂ. ૧૦૨૭૦ની રોકડ કબ્જે કરાઇ હતી. ત્રીજા દરોડામાં અક્ષરનગર-૧ હરભોલે મકાન સામે દરોડો પાડી પાંચ શખ્સોને રૂ. ૧૦૩૫૦ સાથે પકડી લેવાયા હતા. પ્ર.નગર પોલીસે પરસાણાનગર-૨ પાસે મહિલાના ઘરમાં દરોડો પાડી ચાર મહિલાને જૂગાર રમતાં પકડી રૂ. ૨૧૫૦ કબ્જે લીધા હતાં.

માલવીયાનગર પોલીસે અમરનગર-૧માં દરોડો પાડી પાંચને રૂ. ૨૫૩૮૦ સાથે અને આર.કે. પ્રાઇમ્સ પાસે દરોડો પાડી રૂ. ૧૦૪૫૦ની રોકડ સાથે પકડ્યા હતાં. આ ઉપરાંત લક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી છ શખ્સોને પકડી રૂ. ૬૧૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી. આજીડેમ પોલીસે મારૂતિનગર ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં જાહેરમાં પત્તા રમતાં છ શખ્સોને રૂ. ૧૩૨૪૦ સાથે તથા કોઠારીયા સોલવન્ટમાં મકાનમાં દરોડો પાડી મહિલાઓ સહિત ૯ને પકડી રૂ. ૧૦૯૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

કુવાડવા પોલીસે ખેરડી ગામમાં દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચતા પાંચ શખ્સોને પકડી રૂ. ૧૫૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી. જ્યારે બી-ીડવીઝન પોલીસે સૈયદના દવાખાના પાસે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમી રહેલા ત્રણ શખ્સોને પકડી રૂ. ૩૬૫૮૦ની રોકડ સાથે પકડ્યા હતાં.

(12:05 pm IST)