Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કાલથી શ્રી વલ્લભાશ્રય હવેલીમાં પાટોત્સવ મહોત્સવ

શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે 'શ્રી વ્રજધામ' ઉભુ કરાશે : નિત્ય લીલા શ્રી કૃષ્ણલીલાનું રસપાન કરાવાશે : તા. ૧૭ સુધી છ દિવસીય ધર્મોત્સવ : દરરોજ વિવિધ મનોરથ અને ધાર્મિક મનોરંજક કાર્યક્રમો : વૈષ્ણવ સૃષ્ટિને પધારવા પાટોત્સવ સમિતિનો અનુરોધ

રાજકોટ તા. ૧૧ : અહીંના ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક બસ સ્ટેન્ડની બાજુમાં દ્વારકાધીશ હાઇટ્સ પાસે નિર્માણ પામેલ નુતનનંદાલય 'શ્રી વલ્લભાશ્રમય હવેલી' ના પ્રારંભ સાથે પાટોત્સવનું મંગલમય આયોજન થયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પાટોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે કાલે તા. ૧૧ થી મહોત્સવનો આરંભ થશે અને તા. ૧૭ ના પૂર્ણાહુતિ થશે.

ઉલ્લેખનિય છે કે નુતનનંદાલય 'શ્રી વલ્લભાશ્રય હવેલી'નું સ્વપ્ન શ્રી કનૈયાલાલજી મહારાજનું હતુ. તેઓ નિત્યધામ પધારતા તેમના સ્વપ્નને તેમના જયેષ્ઠ પુત્ર પૂ.ગો.શ્રી અભિષેકકુમારજી મહારાજે પૂર્ણ કરી ૩ વર્ષમાં આ કલાત્મક હવેલીનું નિર્માણ કર્યુ છે.

રાજકોટના રાજમાર્ગ સમાન ૧૫૦ ફુટ રીંગ રોડ, શીતલ પાર્ક સર્કલ પાસે, પારિજાત પાર્ટી પ્લોટ પાછળના મેદાનમાં નિર્માણ પામેલ આ હવેલી સ્થાપત્યકારો, આર્કીટેકટની મહેનતથી અદ્વીતીય ડીઝાઇનથી તૈયાર કરવામાં આવી છે. આ વલ્લભાશ્રય હવેલી નિર્માણમાં તેમના લઘુભ્રાતા ગો.શ્રી અક્ષયકુમારજીનો પણ એટલો જ સહયોગ રહ્યો છે.

જાણીતા શિલ્પકાર ધ્રુવભાઇ સોમપુરા, આર્કીટેકટ બ્રિજેશભાઇ પટેલ, સ્ટ્રકચરલ એન્જીનીયર બીપીનભાઇ અઢીયાની ત્રણ વર્ષની સઘન મહેનતથી એક દિવ્ય અને અનુપમ કલાકૃતિ સમાન શ્રી વલ્લભાશ્રય હવેલી (નુતન નંદાલય) સાકાર થઇ છે.

ત્યારે કાલે તા. ૧૨ ના મંગળવારની સુપ્રભાતે શ્રી ગુંસાઇજીના સેવ્યનિધિ લગભગ ૫૦૦ વર્ષ પ્રાચીન દિવ્ય સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી યુગલ સ્વરૂપનો પાટોત્સવ ભાવભેર ઉજવવામાં આવી રહ્યો છે.

દેશભરમાંથી પધારનાર શ્રી વલ્લભ આચાર્યશ્રીઓ અને મહાનુભાવોના સાનિધ્યમાં તા. ૧૨ થી ૧૭ સળંગ છ દિવસના આ પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજીક અને મનોરંજક કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

પાટોત્સવને સમાંતર શ્રી વલ્લભાશ્રય હવેલીની બાજુમાં આવેલ વિશાળ પ્રાંગણમાં વિરાટ પંડાલ (ડોમ) માં શ્રી હરીરાય મહાપ્રભુજી વિરચિત 'નિત્યલીલા' કથાચરિત્રનું રસપાન યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રી અભિષેકકુમારજી મહારાજ સ્વયં તા. ૧૨ થી ૧૭ સુધી દરરોજ સાંજે ૩.૩૦ થી ૬.૩૦ દરમિયાન ભાવવાહી શૈલીમાં કરાવશે.

પાટોત્સવ અંતર્ગત નુતન હવેલીમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને શ્રી ગોવર્ધનધરણ પ્રભુને રોજે રોજ વિવિધ મનોરથ દર્શનનું આયોજન છે.

એ અનુસાર તા.૧૨ ના સવારે શ્રી ના બન્ને સ્વરૂપની શોભાયાત્રા સવારે ૭ વાગ્યે શ્રી કૃષ્ણાશ્રયથી નુતન હવેલી શ્રી વલ્લભાશ્રય સુધી વાજતે ગાજતે પધારશે.  જયાં શ્રી ઠાકોરજીને પલના, દર્શન, બપોરે રાજભોગમાં તિલક દર્શન, સાંજે ૭ વાગ્યે જર્દોશીના બંગલામાં રાજદરબારનું દર્શન, રાત્રે વધાઇ કિર્તન અને હાલારી રાસનો લ્હાવો મળશે.

તા. ૧૩ ના બુધવારે સાંજે ૪.૩૦ વાગ્યાથી શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને શ્રી ગોવર્ધનધરણ પ્રભુને 'છપ્પન ભોગ' મનોરથ દર્શન, તા. ૧૪ ના ગુરૂવારે સવારે શ્રી ગિરિરાજ પૂજન તથા માનવ સેવાના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પ સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે. બપોરે ૩.૩૦ થી ૬.૩૦ શ્રી  નિત્ય લીલા કથાનું રસપાન કરાવાશે. જે દરરોજ થશે. સાંજે ૭.૩૦ પ્રભુને લાલ ઘટામાં મનોરથ દર્શન.

તા. ૧૫ ના શુક્રવારે સવારે એકયુપ્રેસર કેમ્પ, બપોરે નિત્ય લીલા કથા અને સાંજે ૭.૩૦ વાગ્યે શ્રી ઠાકરોજીને અમીરસધારા મનોરથ, તા. ૧૬ ના શનિવારે બપોરે કથા રસપાન અને સાંજે શ્રી પ્રભુને દીપદાન મનોરથ, તા. ૧૭ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે પ્રભુને પલના દર્શન, બપોરે કથા રસપાન અને સાંજે ૭.૩૦ વાગ્યે શ્રીજીને ગિરિકંદ્રામાં છાંકનો મનોરથ અને રાત્રે 'હાસ્ય હોજ' હસાયરા સાથે રાત્રીના મહોત્સવનું સમાપન થશે. રોજે રોજ પૂ. પા. આચાર્યશ્રીઓના દિવ્ય વચનામૃતોનું શ્રવણ કરવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે.

આ છ દિવસીય મહોત્સવ માટે યુવા આચાર્યશ્રી અભિષેકકુમારજી મહારાજ અને શ્રી અક્ષયકુમારજી મહારાજ, ચિ. ગો.શ્રી દ્વારકેશલાલજી મહોદય અને ચિ.ગો.શ્રી રમણેશકુમારજી મહોદયના આશીર્વાદ અને આગેવાનીમાં પાટોત્સવ સમિતિના વૈષ્ણવ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટના આંગણે કલાત્મક હવેલીના દર્શન કરવા અને વિવિધ મનોરથ તેમજ નિત્ય લીલા કથાનું શ્રવણપાન કરવા સમગ્ર સૌરાષ્ટ્રની વૈષ્ણવ સૃષ્ટિને પધારવા શ્રી કૃષ્ણાશ્રય હવેલી આચાર્ય ગૃહ અને પાટોત્સવ સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

તસ્વીરમાં સમગ્ર મહોત્સવની 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સુખાભાઇ કોરડીયા, રવજીભાઇ ડઢાણીયા, વિજયભાઇ પાટોળયા, ભુપેન્દરભાઇ છાંટબાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

શ્રી વલ્લભાશ્રય હવેલીની વિશેષતાઓ

રાજકોટ :  પૂ.ગો.શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રી અને એમના પિતૃચરણ પૂ.નિ.લી.ગો.શ્રી કનૈયાલાલજી મહારાજશ્રીના સ્વપ્નનું નંદાલય કે જેમાં શ્રી પ્રભુના સુખ માટેના બધા જ સાધનો સહિત દિવ્યતા અને અલૌકિકતા સાથેનું આયોજન હોય અને એ પણ એક એવા બેનમૂન સ્થાપત્યથી બનેલું હોય જે એક ધામ બની રહેશે. તેની વિશેષતાઓ જોઇએ તો...

.વૈષ્ણવોના પુષ્ટિ સંસ્કાર વર્ધન માટે એકેડમી, .ભવ્ય સત્સંગ હોલ, પુષ્ટિ સાહિત્યની ઝાંખી કરાવતું પુષ્ટિ દર્શન ગેલેરી, .સંપ્રદાયની વિઝયુઅલ સમજણ કરાવતું મીની થિયેટર, .પ્રાચીન-અર્વાચીન સાહિત્ય ગ્રંથાલય, સેલ્ફી પોઈન્ટ, બાલ-ક્રિડાંગણ અને ભવ્ય દર્શન ચોક, .વૈષ્ણવોના મુકામ માટે આવાસ તેમજ ઠાકોરજી પધરાવી શકવાની તમામ વ્યવસ્થા, .શ્રી વલ્લભાશ્રય આર્યુવેદિક કેન્દ્ર સહિત બેઝમેન્ટમાં સુવિધા સજજ વિરાટ હોલ હશે.

(3:34 pm IST)