Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આરોગ્ય વિભાગના રેસ્ટોરન્ટો પર દરોડા : ૭ના રસોડામાંથી'નો-એન્ટ્રી'ના બોર્ડ દૂર

રાજય સરકારના ગ્રાહકોને હોટલના રસોડાનું ચેકીંગ કરવાનો હકક આપવાના હુકમ બાદ :રર પેરેલેલ,, પટેલ ડાઇનીંગ હોલ, મસાલા ડાયરીઝ, ટોમેટો, લોર્ડઝ બેંકવેટ, ધ ગ્રાન્ડ ઠાકર, રીયલ પેપરીકાના રસોડા પર લાગેલા નો-એન્ટ્રીના બોર્ડ દૂર કરાવાયા : ૪૧ રેસ્ટોરન્ટોમાં ચેકીંગ કરતા કોર્પોરેશનના ફુડ ઇન્સ્પેકટરો : ફુડ સેફટીને લગત ગ્રાહકોને અસંતોષ હોય તો ફુડ સેફટી ડીપાર્ટમેન્ટના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ર૩૩ પપ૦૦ પર ફરીયાદ કરો

રેસ્ટોરન્ટના રસોડામાં હવે એન્ટ્રી : રાજય સરકારના આદેશ અન્વયે આજે કોર્પોરેશનના ફુડ ઇન્સ્પેકટરોએ શહેરની વિવિધ રેસ્ટોરન્ટોના રસોડા પર લાગેલા 'નો-એન્ટ્રી'ના બોર્ડ દૂર કર્યા હતાં તે વખતની તસ્વીર. 

રાજકોટ તા. ૧૧ : રાજય સરકારે હોટલ - રેસ્ટોરન્ટનાં રસોડા પર લાગેલા નો-એન્ટ્રીનાં બોર્ડ દુર કરીને ગ્રાહકોને રસોડુ ચેક કરવાનો અધિકાર આપવાનો વટહુકમ બહાર પાડતાં. તે અનુસંધાને આજે મ્યુ. કોર્પોરેશનનાં ફુડ વિભાગે શહેરની કુલ ૪૧ રેસ્ટોરન્ટોમાં ચેકીંગ કરીને ૭ રેસ્ટોરન્ટોનાં  રસોડાઓ પરથી નો-એન્ટ્રીનાં બોર્ડ દુર કરાવેલ અને ૪ રેસ્ટોરન્ટોના રસોડાઓમાં પાદર્શક કાચ મૂકવા સુચનાઓ આપી હતી.

આ અંગે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ ગુજરાત રાજયના ફુડ સેફટી વિભાગની વડી કચેરી, ગાંધીનગર દ્વારા બહાર પડાયેલ યાદીથી, રાજયના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટોના ચિનની બહાર 'નો-એડમિશન વીધાઉટ પરમીશન' અથવા 'એડમિશન ઓનલી વીથ પરમીશન' જેવા બોર્ડ લગાવેલ હોય, તે તાત્કાલીક હટાવી લેવા તેમજ કચીન સ્વચ્છ રહે તેમ રાખવું અને ગ્રાહકો કીચનની અંદરનો ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મૂકવા અંગે સુચના આપતી યાદી બહાર પાડેલ.

ઉપરોકત સુચનાની અમલવારી કરાવવા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી રાજકોટ શહેરમાં આવેલ કુલ ૪૧ સ્થળોએ ઉકત બાબતે ચકાસણી હાથ ધરેલ. જેમાં કીચનની બહાર આ પ્રકારના બોર્ડ લગાવેલ છે કે કેમ ? કીચનની સ્વચ્છતા જોઇ શકાય તેવી વ્યવસ્થા છે કે કેમ ? તેમજ કીચનની હાઇજીનિક કંડીશનની જાળવણી બાબતે ચકાસણી હાથ ધરી ચકાસણી સમયે જોવા મળેલ 'નો એન્ટ્રી' જેવા બોર્ડ સ્થળ પર રૂબરૂમાં દૂર કરાવેલ. તેમજ જોવા મળેલ ક્ષતિઓ દૂર કરવા જવાબદારોએ લેખિત જાણ કરેલ. તદ્ઉપરાંત ચકાસણી સમયે જોવા મળેલ નો-એન્ટ્રી જેવા બોર્ડ સ્થળ પર રૂબરૂમાં દૂર કરાવેલ.

જે રેસ્ટોરન્ટોનાં રસોડાઓ ઉપરથી 'નો-એન્ટ્રી'નાં બોર્ડ દુર કરાયેલ તેમાં રર પેરેલેલ (આકાશવાણી ચોક), પટેલ ડાઇનીંગ હોલ (જયોતિનગર), મસાલા ડાયરીઝ (નિર્મલા રોડ), ટોમેટો રેસ્ટોરન્ટ (યાજ્ઞિક રોડ), લોર્ડઝ બેંકવેટ (કસ્તુરબા રોડ), રીયલ પેપરીકા (કાલાવડ રોડ), વગેરે રેસ્ટોરન્ટોનો સમાવેશ થાય છે.

જયારે અપટાઉન કાફે (કાલાવડ રોડ), સેલિબ્રેશન (આકાશવાણી ચોક), રસીયા રેસ્ટોરન્ટ (જયોતિનગર), પટેલ ડાઇનીંગ હોલ (જયોતિનગર) આ ચારેય રેસ્ટોરન્ટનાં રસોડાનાં દરવાજાના કાચ બદલાવી પારદર્શક મુકવાની સુચનાઓ અપાઇ હતી.

(3:29 pm IST)