Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શહેરમાં વધુ પાંચ બ્રિજ બનશેઃ વિજયભાઇ

મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે બ્રિજ ઉપરાંત નિર્માણ પામનાર આવાસોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રીજનુ ખાતમુહૂર્ત ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ા મંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનાર EWS-૧ અને EWS-૨ના  કુલ ૪૯૬ આવાસોનું ખાતમુહૂર્ત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સૌપ્રથમ સૌને નવા વર્ષની શુભકામના પાઠવતા વધુમાં કહ્યું હતું કે, આજરોજ આશરે રૂ.૩૦૦ કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. અત્યારે રાજય સરકાર આગળનો સમય ધ્યાનમાં રાખી કામ કરી રહી છે. વિશેષમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે, આપણે નાના હતા ત્યારે અને આજે મોટા થયા ત્યાં સુધી શહેરમાં એક જ રેસકોર્ષ હતું પરંતુ હવે શહેરને બીજું રેસકોર્ષ મળશે. આ ઉપરાંત ૧૦૦ વર્ષ પહેલા રાંદરડા લાલપરી તળાવ બનેલા અને હવે અટલ સરોવરના નવા તળાવનું નિર્માણ થયું. આમ્રપાલી ફાટક દિવસમાં ૧૮ વખત ટ્રેન નીકળે છે. ફાટક બંધ થાય ત્યારે દ્યણી વખત ટ્રાફિકમાં ૧૦૮ કે એમ્બ્યુલન્સ ફસાતી હોય છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજ તેમજ ટ્રાફિક નિવારણ માટે હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ બ્રીજ બનાવવાનુ ખાતમુહૂર્ત કરેલ છે. હજુ આગામી સમયમાં નવા પાંચ ઓવરબ્રીજ બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. પૈસાના વાંકે કોઈ કામ રાજય સરકાર અટકવા દેશે નહિ. આ અવસરે કાર્યકારી મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયાએ જણાવેલ કે, રંગીલું રાજકોટ એક અનોખું શહેર છે. આજે દેશ વિદેશમાં પોતાનું ગૌરવ વધારી રહયું છે    આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ શાબ્દિક સ્વાગતમાં જણાવેલ કે, મુખ્યમંત્રીએ શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધેલ છે તે જ રીતે શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે બ્રિજના ખાતમુહૂર્ત કર્યા છે.   આ પ્રસંગે, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જીલ્લા કલેકટર રૈમ્યા મોહન, ડીવીઝનલ મેનેજર પશ્યિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરશ્રીઓ, ભાજપના અગ્રણીશ્રીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત તેમજ કાર્યક્રમના અંતે આભારવિધિ કરેલ.

(3:22 pm IST)