Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દંડનો ડામઃ ત્રણ દિ'માં ૧ા કરોડના ઇ-ચલણ

સીસીટીવી કેમેરાની સિસ્ટમ અપડેટ થયા બાદ ઇ-ચલણોનો ઘાણવો નીકળ્યોઃ ૨૦૧૭ થી આજ સુધીમાં ૧૫ કરોડના ઇ-ચલણ ઇશ્યુ થયાઃ ૫૪ ટકાની વસુલાત :મોટા ભાગના ચલણ હેલ્મેટના કાયદાના અને રોંગ સાઇડના નિયમોના ભંગ સબબ અપાયાઃ હજુ અનેક ચલણો ઇશ્યુ કરવાના બાકીઃ આગામી દિવસોમાં ટ્રાફિક નિયમન અને દંડની ઝુંબેશ વધુ કડક બનવાની શકયતા : ચાલુ વર્ષમાં ૨,૮૬,૧૫૨ કેસ થયા : કુલ ૭ કરોડ ૨ લાખથી વધુની રકમના દંડની વસુલાત

રાજકોટ તા. ૧૧: નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત શહેર પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધાને ઘણા દિવસો થઇ ગયા છે. રોજ બરોજ વાહન ચાલકો ખાસ કરીને હેલ્મેટને કારણે દંડાય છે. આ ઉપરાંત રોંગ સાઇડ તેમજ અન્ય નિયમોના ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. શહેરી વિસ્તારમાંથી હેલ્મેટના કાયદાને હાંકી કાઢવાની માંગણી મોટા ભાગના વાહન ચાલકોની છે. પરંતુ આ નિયમ યથાવત રહ્યો છે અને વધુ ને વધુ દંડ વસુલવામાં આવી રહ્યો છે. આ કારણે વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. સીસીટીવી કેમેરાથી વાહનોના ફોટા પાડી ઇ-ચલણ મોકલવાની કામગીરી અઢારેક દિવસથી બંધ હતી. હવે ત્રણ દિવસ પહેલા આ સિસ્ટમ ચાલુ થઇ ગઇ છે. તે સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં અધધધ ૧ કરોડ ૨૦ લાખના ૧૩ હજાર ઇ-ચલણ ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. હજુ અનેક ચલણ ઇશ્યુ કરવાના બાકી છે.

આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ૧૮/૧૦થી ઇ-ચલણની કામગીરી બંધ હતી. સીસીટીવી સિસ્ટમ અપડેટ થઇ જતાં ત્રણ દિવસથી આ કામગીરી ફરી શરૂ થઇ ગઇ છે. અગાઉ ટ્રાફિક નિયમના ભંગ બદલ જુદા-જુદા પોલીસ સ્ટેશનોની ટીમો અને ટ્રાફિક બ્રાંચ દ્વારા સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેની પાસે રોકડા ન હોય તેના વાહનના ફોટા પાડી લેવામાં આવ્યા હતાં. પરંતુ સીસીટીવી કેમેરાની સિસ્ટમ બંધ હોવાથી ઇ-ચલણો ઇશ્યુ થઇ શકયા નહોતાં. કેમેરા ચાલુ થઇ જતાં જ ધડાધડ ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ત્રણ દિવસમાં જ ૧૩૦૦૦ ચલણ રવાના કરવામાં આવ્યા છે. તેના દંડની રકમ ૧ કરોડ ૨૦ લાખે પહોંચી છે. હજુ ઘણ ઇ-ચલણ ઇશ્યુ કરવાના બાકી છે.

જે ચલણો મોકલાયા છે તેમાં મોટા ભાગે હેલ્મેટ ન પહેરાનારા વાહન ચાલકો દંડાયા છે. આ ઉપરાંત રોંગ સાઇડ, ત્રણ સવારી સહિતના નિયમોના ભંગ કરનારા સામેલ છે. હેલ્મેટનો દંડ રૂ. ૫૦૦ છે અને રોંગ સાઇડનો દંડ રૂ. ૧૫૦૦ વસુલવામાં આવી રહ્યો છે. આમ ત્રણ દિવસમાં જ ૧ કરોડ ૨૦ લાખના ૧૩ હજાર ઇ-ચલણો ઇશ્યુ થઇ ગયા છે.

વધુ માહિતી મુજબ રાજકોટ શહેરમાં ૧૧/૦૯/૨૦૧૭થી સીસીટીવી કેમેરાથી ફોટા પાડી ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારથી આજ સુધીના એટલે કે બે વર્ષના ગાળામાં કુલ ૧૫ કરોડના ઇ-ચલણો ઇશ્યુ થયા છે. જેની સામે ૫૪ ટકા દંડની રકમની વસુલાત થઇ ગઇ છે. ઇ-ચલણો થકી મોકલાયેલા દંડની સામે વસુલાતમાં રાજકોટ પ્રથમ ક્રમે હોવાનું જણાવાયું છે. ટ્રાફિક નિયમન ભંગ સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ કડક બનવાની શકયતા છે.  બીજી તરફ હેલ્મેટના કાયદામાંથી શહેરી વિસ્તારમાં મુકિત આપવાની માંગ પ્રબળ બની રહે છે. પરંતુ હેલ્મેટમાંથી મુકિત મળે તેવી હાલ તો કોઇ શકયતા જણાતી નથી. 

નોંધનીય છે કે રવિવારે એક દિવસમાં જ પોલીસે ૩૧૯૮ ઇ-ચલણ ઇશ્યુ કર્યા હતાં. જેના દંડની રકમ રૂ. ૨૦,૯૮,૧૦૦ છે. તેમજ ગઇકાલે રૂ. ૨૯૬૦૦નો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. એ જ રીતે આ વર્ષમાં તા.૧૦/૧૧/૧૯ સુધીમાં કુલ રૂ. ૭,૦૨,૮૩,૨૨૭નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ વર્ષમાં કુલ ૨,૮૬,૧૫૨ કેસ કરવામાં આવ્યા છે.

(3:06 pm IST)