Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આમ્રપાલી ફાટકે અંડરબ્રીજનુ કામ શરૃઃ એરપોર્ટ ફાટકે ચક્કાજામઃ અફડાતફડી

ફાટક પહોળુ કરવા, વન-વે કરવા અથવા આ સ્થળે કાયમી ટ્રાફિક પોલીસ મુકવા લોકમાંગ :કિશાનપરા ચોકથી આમ્રપાલી સુધીનો રસ્તો ૧II થી ર વર્ષ સુધી રસ્તો બંધઃ એરપોર્ટ ફાટકે ડાયવર્ઝન અપાતાં રૈયા, ગાંધીગ્રામ, મવડી, સુભાષનગર, વૈશાલીનગર સહિતનાં હજારો વાહન ચાલકો ફસાયાઃ પોલીસે તાબડતોબ સ્થળ પર પહોંચી વ્યવસ્થા કરવી પડી

કામ ચાલુ-રસ્તો બંધ : આમ્રપાલી ફાટકે આજે સવારથી અંડર બ્રીજનું કામ શરૂ થતાં આમ્રપાલીથી કિશાનપરા ચોકનો રોડ ૧II થી ર વર્ષ માટે બંધ કરી અને એરપોર્ટ ફાટકે ડાઇવર્ઝન અપાતાં એરપોર્ટ ફાટકે ચક્કા જામની સ્થીતી સર્જાયેલ તે વખતની તસ્વીરોમાં અંડરબ્રીજનું ખોદકામ શરૂ થયુ તે નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં એરપોર્ટ ફાટકે સર્જાયેલ ટ્રાફિક જામની મહાસમસ્યા સર્જાઇ હતી તે નજરે પડે છે. આ સ્થળે સેંકડો લોકો - અર્ધા કલાક સુધી ફસાયા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ : શહેરના હાર્દસમા વિસ્તાર આમ્રપાલી ફાટક આજથી અંડરબ્રીજનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે. આ માટે સવારથી રસ્તો બંધ કરી દઇ અને એરપોર્ટ ફાટકે ડાઇવર્ઝન  અપાયો છે. પરંતુ આ ફાટક સાંકડુ હોઇ રૈયા તથા ગાંધીગ્રામ, હનુમાનમઢી, સુભાષનગર, બ્રહ્મસમાજ સોસાયટી, વૈશાલીનગર સહિતના વિસ્તારના હજારો વાહન ચાલકોને સવારે ૧૦થી ૧રના પીક અવર્સમાં એકે સાથે શહેર તરફ આવવા-જવા માટે નિકળતા એરપોર્ટ ફાટકે વાહનોના ચક્કાજામની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. અંદાજે ૧ કલાક સુધી આ સ્થિતિનો સામનો લોકોએ કરવો પડયો હતો.

દરમિયાન પોલીસે તાબડતોબ સ્થળ પર પહોંચીને ટ્રાફીક જામ કલીયર કરવાની વ્યવસ્થા કરવી પડી હતી.

નોંધનીય છે કે આજે ડાઇવર્ઝનનો પ્રથમ દિવસ હોઇ લોકો આ રસ્તાથી અજાણ હોવાથી આ સ્થિતિ સર્જાઇ હતી અને આ ટ્રાફીક જામની અસર છેક રેસકોર્ષ રીંગ રોડ, સદર બજાર,સહિતના રાજ માર્ગો ઉપર જોવા મળી હતી.

આમ એરપોર્ટ ફાટકે આજ ડાઇવર્ઝનના પ્રથમ દિવસે જ સર્જાયેલી આ સ્થિતિને પહોંચી વળવા તંત્રએ ફાટક પહોળુ કરવાનો કે પછી વન-વે ટ્રાફીક કરવાના વિકલ્પ વિચારણા કરવી પડે અથવા આ સ્થળે કામ ચાલુ રહે ત્યાં સુધી ટ્રાફીક પોલીસની વ્યવસ્થા કરવી પડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આમ્રપાલી ફાટક અંડરબ્રીજ ટેકનીકલ વિગતો

શહેરની ટ્રાફિક સ્મસ્યા હળવી થાય અને વાહન ચાલકોનો સમય વ્યય ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા અન્ડર-ઓવરબીજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અન્ડરબ્રીજ બનાવવા રેલ્વે તંત્રને રૂ. રર.૬૧ કરોડ ચુકવી દેવાયા છે. ત્યારે હવે તેના ખાતુમુહૂર્તની તૈયારીઓ ધમધમાટ શરૂ થયાનું જાણવા મળ્યું છે. આ બ્રીજ બનવાથી દૈનિક હજાર લોકોની યાતનાનો અંત આવશે.

વિગતો મુજબ શહેરના રૈયા રોડ આમ્રપાલી ફાટકે કિશાનપરા ચોક (કેન્સર હોસ્પિટલ સાઇડ તરફ)ની આમ્રપાલી પાર્ટી પ્લોટ સુધી ૩૩૦ મીટરની લંબાઇનો અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. આ બ્રીજ બનવામાં કોઇ ખાનગી મીલ્કત કપાતમાં આવશે નહીં.

આ બ્રીજની કાર્યવાહી રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવશે. આ કામ માટે રેલ તંત્રને રૂ.રપ કરોડની

ડીપોઝીટ ચુકવી દેવાઇ છે.

આ બ્રીજની ટેકનીકલ માહિતી મુજબ આ બ્રીજ કુલ ૩૩૦ મીટરની લંબાઇનો બ્રીજ બનશે. કિશાનપરા ચોકની આમ્રપાલી ફાટક સુધી ૧પ૦.૭પ સાઇઝનો બ્રીજ બનશે. બન્ને સાઇડ ૬.૬ મીટર લંબાઇ અને ૪.પ મીટર પહોળાઇના બોગદા બનાવાશે. તેમજ આજુબાજુના વિસ્તારવાસીઓને આવન-જાવન માટે ૪-પ-૪-પ મીટરના સર્વિસ રોડ બનાવાશે.

આ બ્રીજથી કોઇ ખાનગી મીલ્કત કપાત થશે નહીં. જિલ્લા લાયબ્રેરીની ૬.રર મીટર દિવાલ તથા રેસકોર્ષનો પ૬૩ સ્કે. ફૂટ ભાગ કપાત થશે. હાલમાં આમ્રપાલી ફાટક દિવસમાં ૧૮ થી ર૦ વખત ખોલ-બંધ થાય છે. દૈનિક હજારો લોકોની યાતનાનો અંત આવશે. હવે શનિવારે મુખ્યમંત્રીશ્રી રૂપાણના હસ્તે આ બ્રીજનું ખાતમુહુર્ત કરાયું હતું.

(3:06 pm IST)