Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કોઠારીયા રોડ અંકુર સોસાયટીના ૧૪ વર્ષના ઈમરાનનું મોતઃ ડેંગ્યુની અસર

૯મા ધોરણના છાત્રને બે-ત્રણ દિવસ તાવ આવ્યા બાદ શનિવારે દમ તોડી દીધોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૧: રોગચાળાના ભરડા વચ્ચે કોઠારીયા રોડ ભવાની ચોક અંકુર સોસાયટીમાં રહેતાં ૧૪ વર્ષના ઇમરાન અમીનભાઇ મુગલનું મોત નિપજ્યું છે. તેને ડેંગ્યુની અસર હોવાનો રિપોર્ટ આવ્યો હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ અંકુર સોસાયટીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અમીનભાઇ મુગલના દિકરા ઇમરાન (ઉ.વ.૧૪)ને શનિવારે બપોર બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું મોત નિપજ્યું હતું. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં એડી નોંધી કાર્યવાહી કરીવામાં આવી હતી.દરમિયાન મૃત્યુ પામનાર ઇમરાનને ડેંગ્યુની અસર હોવાનું તેના પરિવારજનોએ  કહ્યું હતું. મૃત્યુ પામનાર ઇમરાન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને વિરાણી હાઇસ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.ડેંગ્યુની અસર હોવાનું મૃતકના ભાઇ ઇસ્તિયાક મુગલે જણાવ્યું હતું. જો કે મ્યુ. કોર્પોરેશન આરોગ્ય તંત્રને આ અંગે આજ બપોર સુધી જાણ નહોતી. એ પછી માહિતી મળતાં ટુકડીએ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવા અને વિસ્તારમાં તપાસ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. (૧૪.૧૪)

(3:20 pm IST)