Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કાળીપાટની કોળી નવોઢા દિયા પતિ અને સાસુના ત્રાસથી મરી જવા મજબૂર થઇ'તીઃ ગુનો નોંધાયો

એક મહિના પહેલા દિયાએ એસિડ પી આપઘાત કર્યો'તોઃ ચોટીલાના ગુંદા ગામે રહેતાં તેના પિતા દેહાભાઇ મકવાણાની ફરિયાદ પરથી જમાઇ વિશાલ ગોવાણી અને વેવાણ હેમીબેન સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૫: કાળીપાટ ગામે રહેતી દિયા વિશાલ ગોવાણી (ઉ.૨૨) નામની કોળી નવોઢાએ એક મહિના પહેલા  એસિડ પી આપઘાત કરી લીધો હતો. જે તે વખતે કારણ બહાર આવ્યું નહોતું. દરમિયાન દિયા પતિ અને સાસુના ત્રાસને કારણે મરી જવા મજબૂર થયાની ફરિયાદ તેના પિતાએ આજીડેમ પોલીસમાં નોંધાવી છે.

પોલીસે ચોટીલાના ગુંદા ગામે રહેતાં દેહાભાઇ લાખાભાઇ મકવાણા (કોળી) (ઉ.૫૦)ની ફરિયાદ પરથી જમાઇ વિશાલ ભીમભાઇ ગોવાણી અને વેવાણ હેમીબેન ભીમભાઇ ગોવાણી (રહે. કાળીપાટ) સામે આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

દેહાભાઇએ જણાવ્યું છે કે હું ખેતી કરી ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. જેમાં સોૈથી નાની દિયાના લગ્ન ચાર મહિના પહેલા જ વિશાલ ગોવાણી સાથે ચાર મહિના પહેલા જ થયા હતાં. ૨૨/૫ના સવારે હું રાજકોટ યાર્ડમાં મારી રિક્ષા લઇ શાકભાજી ભરવા આવ્યો હતો ત્યારે મારા ભત્રીજાએ મને જાણ કરી હતી કે દિયાએ એસિડ પી લીધું છે અને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરી છે. જેથી હું તુરત જ ત્યાં ગયો હતો.

હોસ્પિટલે દિયાના સસરા ભીમભાઇ ગોવાણીને મળતાં તેણે દિયા આઇસીયુમાં દાખલ હોવાની વાત કરી હતી. મેં મારી દિકરીનું મોઢુ જોવાની વાત કરતાં વેવાઇએ ત્યાં કોઇને જવા દેતા નથી તેમ કહ્યું હતું. એ પછી હું દિકરીની સારવાર કરતાં ડોકટરને મળતાં તેણે તમારી દિકરી દિયા મૃત્યુ પામી છે તેમ વાત કરી હતી. એકાદ મહિના પહેલા વેવાઇ ભીમભાઇએ મારા કોૈટુંબીક ભત્રીજાને ફોન કરી દિયાને તેડી જાવ તેમ કહેતાં અમે દિયાને તેડી આવ્યા હતાં. ત્યારે દિયાએ વાત કરી હતી કે સાસુ અને પતિ નાની-નાની વાતે ખુબ ઝઘડા કરે છે. મારકુટ કરી લે છે. દસેક દિવસ દિયા અમારા ઘરે રોકાઇ હતી. પછી તેને સમાધાન કરી તેડી જવાઇ હતી.

૧૭/૫ના રોજ હું મારી પત્નિ કનુબેન, ભત્રીજો અરવિંદ એમ બધા કાળીપાટ દિકરીના ઘરે ગયા હતાં ત્યારે પણ તેણીએ પતિ વિશાલ અને સાસુ ત્રાસ આપતા હોવાની અને સંયુકત કુટુંબમાં ઘર ચાલે તેમ ન હોવાનું કહ્યું હતું. આથી અમે જમાઇ વિશાલને અલગ થઇ જવા સમજાવ્યો હતો. પરંતુ તેણે ના પાડી હતી. અમે દિકરી-જમાઇ બંનેને સમજાવી ત્યાંથી નીકળી ગયા હતાં. ૧૯મીએ દિયા અમારા ઘરે રોટલો ખાવા આવીહતી. એ વખતે પણ તેણે પતિ અબોલો રાખતો હોવાની અને સાસુએ પણ ઝઘડા ચાલુ રાખ્યાની વાત કરી હતી. છેલ્લે ૨૨મીએ તેણીએ આ બંનેના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. દેહાભાઇએ એફઆઇઆરમાં ઉપરોકત વિગતો જણાવતાં આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલા, પીેઅસઆઇ આર. બી.વાઘેલા, કાળુભાઇ, વિરેન્દ્રસિંહ ઝાલા, સ્મીતભાઇ સહિતની ટીમે તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)