Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શેર બ્રોકરે બેંક કર્મચારી સહિત બે શખ્સો સાથે મળી એડવોકેટના પત્નિના નામે ૫૮ લાખની ઠગાઇ કરી

જયશ્રીબેન બાબુલાલ માવાણી (ઉ.૬૭)ના નામે બેંકમાં અને કંપનીમાં ખોટા એકાઉન્ટ ખોલાવી ૨૦૧૦-૧૧માં શેર ખરીદી લીધાઃ આઇટી તરફથી નોટીસ આવતાં ગોલમાલ થયાનું સામે આવ્યું!: કમલેશ લાલ, હિતેષ રૂપારેલીયા અને બેંક કર્મચારી મયુર વેકરીયાને શોધતી એ-ડિવીઝન પોલીસ

રાજકોટ તા. ૨૦: શેર સ્ટોકનું સબ બ્રોકર તરીકે કામ કરતાં શખ્સે બેંક કર્મચારી સહિત બે જણા સાથે મળી સિનિયર વકિલના ધર્મપત્નિના નામે ખોટી સહીઓ કરી બેંકમાં ખાતુ ખોલી તેમજ સુરતની કંપનીમાં ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી એસવીસી રિસોર્સિસ લિ.ના રૂ. ૫૭,૬૦,૧૭૮ના શેરો વર્ષ ૨૦૧૦-૧૧માં ખરીદી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં ફરિયાદ થઇ છે. આઇટી તંત્ર તરફથી આ શેરોની ખરીદી બાબતે નોટીસ મળતાં ગોલમાલ થયાની ખબર પડી હતી.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે એસ્ટ્રોન સોસાયટી પાસે જયમલ પરમાર માર્ગ પર ભરતવન સોસાયટી પ્લોટ નં. ૧૩માં રહેતાં જયશ્રીબેન બાબુલાલ માવાણી (પટેલ) (ઉ.૬૭)ની ફરિયાદ પરથી કમલેશ લાલ, હિતેષ રૂપારેલીયા અને મયુર ડી. વેકરીયા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦-બી મુજબ પૂર્વયોજીત કાવત્રુ ઘડી ખોટા ખાતા ખોલાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂ. ૫૭,૬૦,૧૭૮ના શેર ખરીદી છેતરપીંડી કરવા સબબ ગુનો નોંધ્યો છે. જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને નિવૃત જીવન ગાળુ છું. મારા પતિ બાબુલાલ મજુર કાયદાના નિષ્ણાંત સિનીયર વકિલ છે અને મારો પુત્ર હર્ષિતભાઇ (ઉ.૪૨) શેરબજારમાં સ્ટોક માર્કેટનું કામ કરે છે.

અમારા પરિવારના તમામ સભ્યો દ્વારા રેગ્યુલર આઇટી રિટર્ન કરવામાં આવે છે. આમ છતાં તા. ૧૫-૧૦-૧૮ના રોજ ઇન્કમટેકસ વિભાગમાંથી રિએસસમેેન્ટ નોટીસ મળી હતી કે અમારા વર્ષ ૨૦૧૦-૧૧ના સાલના એકાઉન્ટ અને જરૂરી બેંક તથા મિેટ એકાઉન્ટના સ્ટેટમેન્ટ તથા ડોકયુમેનટ પુરા પાડવા. આ નોટિસ આવતાં મારો દિકરો હર્ષિત અમારા સબ બ્રોકર અને શેર બજારના ડિમેટ એકાઉન્ટનું કામ સંભાળતા શિવસંગમ સોસાયટીના કમલેશ લાલની ઓફિસે ડિમેટ એકાઉન્ટના સ્ટેટમેન્ટ લેવા ગયેલ. ત્યાં હાજર નિર્ભય દવેએ એસવીસીના શેરો ખરીદ કર્યા હોઇ તેવા લોકોને નોટીસો મળી છે તેમ કહ્યું હતું. આથી કલમેશ લાલે નિર્ભયને હર્ષિતભાઇના પરિવારના સભ્યોના નામે કોઇએ શેર ખરીદ કર્યા છે? તેમ પુછતાં તેણે મારા પુત્રને જણાવેલ કે વર્ષ ૨૦૧૦-૧૧માં જયશ્રીબેન (એટલે કે હું ફરિયાદી)ના એકાઉન્ટમાં હિતેષ રૂપારેલીયાએ વ્યવહારો કર્યા છે. જેથી મારા પુત્રએ હિતેષ રૂપારેલીયાના સ્ટેટમેન્ટ કાઢી આપવા કહ્યું હતું અને તેના સીએ તરીકે કામ કરતાં ધર્મેશભાઇ મકવાણાનો મારા પુત્રએ ફોન પર સંપર્ક કરતાં તેણે એસવીસીના શેરોના વહિવટ થયા હોઇ તેનો ઇ-મેઇલ મારા પુત્રને કર્યો હતો.જેથી અમને જાણ થઇ હતી કે મારા (જયશ્રીબેનના) નામનું એકાઉન્ટ ધી-કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટની પંચનાથ પ્લોટ બ્રાંચમાં કોઇએ ખોલાવી તેના મારફત એસ.વી.સી.ના શેરો રૂ. ૫૪,૪૪,૩૮૧ના ખરીદ કર્યા છે. જો કે હકિકતે અમે કે અમારા ઘરના કોઇ સભ્યોએ આવા શેર ખરીદ કર્યા નહોતાં. આમ છતાં આઇટી વિભાગ તરફથી અમને નોટીસ મળી હતી. અમે વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે બેંક એકાઉન્ટ ખોલવા માટે જે ફોર્મમાં સહી થઇ છે તે ખોટી છે.

આ બેંક એકાઉન્ટ ખોલવા માટે મયુર ડી. વેકરીયા કે જે બેંકમાં જ કામ કરે છે તેણે ઓળખ પુરી પાડી હતી. અમે ખરેખર મયુરને ઓળતના પણ નથી. છતાં અમારા નામનું ખોટુ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. મારા દિકરા હિર્ષતભાઇએ અમારા પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ તથા ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા સબ બ્રોકર કમલેશ લાલને જરૂરી ડોકયુમેન્ટ આપ્યા હતાં. તેનો ઉપયોગ કરી કમલેશ, હિતેષ રૂપારેલીયા અને ધી કો-ઓપરેટીવ બેંકના એકાઉન્ટ હોલ્ડર મયુર વેકરીયાએ કાવત્રુ રચી ખોટી સહીઓથી ખાતુ ખોલી શેરો ખરીદી તેમજ સુરતની કંપનીમાં પણ અમારા નામનું ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી કુલ રૂ. ૫૭,૬૦,૧૭૮ના શેરો ખરીદી છેતરપીંડી કર્યાની ખબર પડી હતી.

પી.આઇ. એન. કે. જાડેજા અને ટીમના  રણજીતસિંહ ઝાલા, ભાવેશભાઇ, વિજયસિંહ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

(4:19 pm IST)