Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઓસમાણ મીરની જબરી જમાવટઃ ધડ ધીંગાણે જેના...કર ચલે હમ ફીદા...યે દેશ હૈ વીર જવાનો કા...'શૂરાં'જલિ'માં દેશપ્રેમ નિતર્યો

શહીદોની યાદમાં બે મિનીટનું મોૈન પાળ્યા બાદ માતાજીની સ્તુતીથી કાર્યક્રમનો પ્રારંભઃ ગરબા, ગઝલ, કલાસીકલ નોટેશન સાથે છંદ અને દેશપ્રેમ છલકી ઉઠે તેવા ગીતોએ સોૈને ડોલાવી દીધાઃ લોકસાહિત્યકાર ડો. રણજીત વાંકે પણ શ્રોતાઓને કર્યા રસતરબોળઃ પોલીસ કમિશર, રૂરલ એસપી, મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના મોંઘેરા મહેમાનોએ પણ માણ્યો 'શૂરાં'જલિ-કસુંબલ ડાયરો': અંતમાં 'યે દેશ હૈ વીર જવાનો કા, હર કરમ અપના કરેંગે, મેરે દેશ કરી ધરતી, કર ચલે હમ ફીદા જાન ઓ તન સાથીયો'...સહિતના દેશભકિતના ગીતો પર સોૈએ ઉભા થઇ મોબાઇલની ટોર્ચ ચાલુ કરી શહીદોને શ્રધ્ધાંજલિ આપીઃ વીર શહીદોના પરિવારજનોને મદદ કરવા ઓફિશીયલ વેબસાઇટ bharatkeveer.gov.in મારફત ડોનેશન આપવા ન્યુઝ ૧૮ના એડિટર રાજીવ પાઠકનો અનુરોધ

'શૂરાં'જલિ'-કસુંબલ ડાયરામાં દિપ પ્રાગટ્ય કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, રાજકોટ રૂરલ એસપી બલરામ મીના, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલીયા, દંડક દલસુખ જાગાણી તથા ન્યુઝ ૧૮ ગુજરાતીના એડિટર રાજીવ પાઠક તથા તેમની ટીમ પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. બીજી તસ્વીરમાં લોકસાહિત્યકાર ડો. રણજીત વાંક, એન્કર સંધ્યા ધારા અને નીચેની તસ્વીરમાં રાષ્ટ્રીય કક્ષાના પત્રકાર અર્પિત ત્રિવેદી સાથેે 'અકિલા'ની વેબ આવૃતિના એકઝીકયુટીવ એડિટર  નિમીષભાઇ ગણાત્રા અને બાજુમાં ભાજપ આગેવાન મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમને ધનસુખ ભંડેરી તથા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા નીચેની તસ્વીરમાં યાર્ડના ચેરમને ડી. કે. સખીયા, પૂર્વ સાંસદ વલ્લભ કથીરીયા, નવગુજરાત સમયના રાજકોટના તંત્રી ધર્મેશ વૈદ્ય, ઇન્દ્રનીલ રાજ્યુગરૂ સહિતના જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં આગવી શૈલીમાં રચનાઓ રજૂ કરી રહેલા ઓસમાણ મીર દ્રષ્ટીગોચર થાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા-આલેખનઃ ભાવેશ કુકડીયા, વિજય કામાણી)

રાજકોટ તા. ૨૦: 'ન્યુઝ ૧૮ નેટવર્ક', 'ન્યુઝ ૧૮ ગુજરાતી' તથા પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'ના સંગાથે મંગળવારે સાંજે રેસકોર્ષ મેદાનમાં યોજાયેલા 'શૂરાં'જલિ-કસુંબલ ડાયરો' કાર્યક્રમમાં લોકલાડીલા નોખા-અનોખા ગાયક ઓસમાણ મીરે જબરી જમાવટ કરી હતી. જમ્મુ કાશ્મીરના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા બે મિનીટનું મોૈન પાળ્યા બાદ દિપ પ્રાગટ્ય વિધી પછી ઓસમાણ મીરે માતાજીની સ્તુતી  'માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો...'થી કાર્યક્રમનો પ્રારંભ કરતાં જ શ્રોતાઓ રસતરબોળ થઇ ગયા હતાં. શૂરાં'જલિ-કસુંબલ ડાયરામાં ઓસમાણ મીરના ગીતો, ગઝલો, દૂહા-છંદ અને બીજી રજૂઆતોથી દેશપ્રેમ તો નિતર્યો જ હતો સાથોસાથ સોૈ શ્રોતાઓના મનડા મોર બનીને પણ થનગની ઉઠ્યા હતાં. કાર્યક્રમના અંતે ભરપુર જમાવટ થઇ હતી. એક એકથી ચડીયાતા દેશભકિતના ગીતોએ રિતસર સોૈને રાષ્ટ્રવાદના રંગે રંગી નાંખ્યા હતાં. હજ્જારો શ્રોતાઓએ ઉભા થઇ મોબાઇલની ટોર્ચ ચાલુ કરી શહીદોને શ્રધ્ધાંજલી આપતાં સમગ્ર મેદાનમાં જાણે દિવળા ઝળહળી ઉઠ્યા હોય તેવો માહોલ ખડો થયો હતો.

'ન્યુઝ ૧૮ નેટવર્ક', 'ન્યુઝ ૧૮ ગુજરાતી' તથા પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'ના સંગાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના રેસકોર્ષ મેદાન ખાતે શહીદોને વીરરસથી વંદના કરવામાં આવી હતી. ઓસમાણ મીરને સાંભળવા, નિહાળવા મોટી સંખ્યામાં રાજકોટના કલાપ્રેમીજનો ઉમટી પડ્યા હતાં. કાર્યક્રમના પ્રારંભે 'ન્યુઝ ૧૮ ગુજરાતી'ના એડિટર રાજીવ પાઠકે જણાવ્યું હતું કે આ માત્ર સંગીતનો કાર્યક્રમ નથી, જવાનોમાં અને દેશવાસીઓમાં નવું શોૈર્ય જાગે એ માટેનો પ્રયાસ છે. કાશ્મીરની જધન્ય ઘટનામાં ભોગ બનેલા વીરશહીદોને ગીતો દ્વારા શૂરાંજલિ-શ્રધ્ધાંજલિ પાઠવવા આ અયોજન કરાયું છે. શહીદોના પરિવારને ફુલ નહિ તો ફુલની પાંખડી મુજબ સોૈ કોઇએ ઓફિશીયલ વેબસાઇટ મારફત આર્થિક સહાય કરવી જોઇએ. જેણે દેશ માટે, આપણા માટે બલિદાન આપ્યા છે તેઓને શૂરાંજલિ આપવા આ કાર્યક્રમ યોજાયો છે.

એ પછી મહેમાનોની સ્વાગતવિધી થઇ હતી અને બાદમાં દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીના, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે. મેયર શ્રી અશ્વિન મોલીયા, દંડક શ્રી દલસુખ જાગાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભે લોકસાહિત્યકાર ડો. રણજીત વાંકે જણાવ્યું હતું કે કાશ્મીરના પુલવામામાં જે ગોઝારી ઘટના બની અને જે જવાનોએ લીલા માથા દેશ કાજે અર્પણ કરી દીધા તેના માટે હું અને તમે માત્ર પ્રાર્થના કરી શકીએ. પોતાના જીવની પરવા કર્યા વગર મા ભોમ કાજે શરહદે ઉભા રહી જતાં આવા જવાનોને કારણે જ આપણે કહી શકીએ છીએ કે સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા. દેશના જવાનોને જુસ્સો ચડે એવા ગીતો, કવિતાઓ ઓસમાણ મીર રજૂ કરશે.

આ પછી ઓસમાણ મીરએ શૂરાંજલિનો દોર આગળ ધપાવી માતાજીની સ્તુતિ સાથે શરૂઆત કર્યા બાદ એક પછી એક ગીતો, ગઝલો, દુહા-છંદ, દેશ ભકિતના ગીતો રજૂ કરતાં દેશપ્રેમ નિતરી આવ્યો હતો. માડી તારું કંકુ ખર્યુ ને...સ્તુતી પછી ભજન ધૂણી રે ધખાવી બેનીની જમાવટ કરી હતી. તો એ પછી 'ધડ ધીંગાણે જેના માથા મહાણે...' રજૂ કરતાં જ શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતાં. ત્યારબાદ 'જહાં ડાલ ડાલ પર સોને કી ચિડીયા' રજૂ થતાં જ દેશપ્રેમ છલકયો હતો. એ પછી ઓસમાણ મીર લગભગ દરેક ડાયરાઓમાં જે છંદ રજૂ કરે છે તે 'બખાન કયા કરું મૈં' કલાસીકલ નોટેશન સાથે રજૂ કરી સોૈને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ નોટેશન અને છંદ જ્યારે પણ પુ. મોરારીબાપુ સાંભળે છે ત્યારે તેમની આંખોમાં હર્ષના આંસુ છલકી જાય છે. 

એક પછી એક રચનાઓની રજૂઆત સાથે શૂરાંજલિ-કસુંબલ ડાયરામાં વધુને વધુ દેશપ્રેમનો રંગ જામતો ગયો હતો. ડમરૂના તાલે શિવતાંડવ અને ભાળીયાનાથ મહાદેવની સ્તુતિ રજૂ થતાં સોૈ શ્રોતાઓએ બે હાથ ઉંચા કરી મહાદેવ હર...ના નારા ગુંજાવ્યા હતાં. ત્યારબાદ અજબ હૈ તેરી માયા, નગરમેં જોગી આયા રજૂ કરાયું હતું. નાનકડા વિરામ વચ્ચે ડો. રણજીત વાંકએ ફરી ધુરા સંભાળી હતી અને થોડી રમુજી વાતો પણ કરી સોૈને હસાવ્યા હતાં. ત્યારબાદ ફરીથી ઓસમાણ મીરે 'આભમાં ઉગેલ ચાંદલો ને...' છત્રપતિ શિવાજી મહારાજનું હાલરડું રજુ કરતાં જ 'ભાઇ-ભાઇ...વાહ-વાહ...'ના ઉદ્દગારો શ્રોતાઓમાંથી નીકળ્યા હતાં. એ પછી મોગલ માનો ગરબો, શિવતાંડવ, ગઝલ-શાયરી, ઓ રી સખી મંગલ ગાઓ...રજૂ કરી ઓસમાણ મીરે સોૈના મન મોહી લીધા હતાં.

કાર્યક્રમના અંતમાં કચ્છી ગીત ના છડ્ડીયા હથીયાર...હલાલા બેલી તથા ઝવેરચંદ મેઘાણીજીની રચના રકત ટપકતી સો-સો ઝોળી સમરાંગણથી આવે...રજૂ થઇ હતી. ત્યારબાદ 'હર કરમ અપના કરેંગે એ વતન તેરે લીયે, યે દેશ હૈ વીર જવાનો કા, મેરે દેશ કરી ધરતી...હમ તેરે શહેર મેં આયે હૈ મુસાફીર કી તરહ...ચિઠ્ઠી ન કોઇ સંદેશ જાને વો કોૈન સા દેશ...કોટે મોર ટહુકયા વાદળ ચમકી વીજ...મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે...લીલી લેમડી રે...' સહિતના ગીતો રજૂ થયા હતાં.

સોૈથી છેલ્લે 'મારી ઝનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ' તથા 'કર ચલે હમ ફીદા જાન ઓ તન સાથીયો...' રજૂ કરી શૂરાં'જલિ-કસુંબલ ડાયરાને વિરામ અપાયો હતો. ઓસમાણ મીરે આ કાર્યક્રમના આયોજન બદલ 'ન્યુઝ ૧૮ ગુજરાતી'ના શ્રી રાજીવ પાઠક તથા પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'ના  શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી નિમીષભાઇ ગણાત્રા અને અકિલા પરિવારનો આભાર વ્યકત કર્યો હતો. રાત્રીના પોણા વાગ્યા સુધી નગરજનો શૂરાંજલિ-કસુંબલ ડાયરામાં નિતરેલા દેશપ્રેમમાં રસતરબોળ થયા હતાં તો સાથોસાથ ઓસમાણ મીરની અન્ય રચનાઓથી સોૈના મનડા મોર બનીને પણ થનગની ગયા હતાં.

ન્યુઝ ૧૮ ગુજરાતીની સમગ્ર ટીમે આ કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી. તો એન્કરીંગની ધૂરા સંધ્યા ધારાએ સંભાળી હતી. સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા અને વિશાળ અલગ-અલગ સ્ક્રીન પર લાઇવ પ્રસારણ વ્યવસ્થાને પણ નગરજનોએ વખાણી હતી.

બે મિનીટનું મોૈન અને મોબાઇલની ટોર્ચ ચાલુ કરી શહીદોને શ્રધ્ધાંજલિ

.શૂરાં'જલિ-કસુંબલ ડાયરામાં પ્રારંભે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કલારસિક જનતાએ પુલવામાના શહીદોને બે મિનીટનું મોૈન પાળી અને છેલ્લે દેશ ભકિતના ગીતો રજૂ થતાં ઉભા થઇ મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ કરી અનોખી રીતે અંજલી આપી હતી તે ઉપર-નીચેની તસ્વીરોમાં જોઇ શકાય છે.

(4:17 pm IST)