Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ફરી સસ્તા અનાજના દુકાનદારોએ ધોકો પછાડયોઃ ર દિ'ની હડતાલમાં નિવેડો નહી આવતા કાલે ગાંધીનગરમાં ધરણા-હડતાલ

કાલથી ર દિ' લાખો કાર્ડ હોલ્ડરોને પુરવઠો નહી મળેઃ દેકારો મચી ગયોઃ પુરવઠાને રજુઆતઃ દરેક તાલુકા-જિલ્લામાંથી બસો ભરી દુકાનદારો ર દિ' તા.૨૧-રર પાટનગરમાં ધરણા કરશેઃ કમીશનમાં ૨૩ પૈસાનો વધારો માન્ય નથી

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ ફરી ધોકો પછાડયો છે, તાજેતરમાં ર દિ'ની હડતાલ દરમિયાન સરકારે કોઇ ખાત્રી નહી આપતા અને ગઇકાલે રાજ્યના બજેટમાં દુકાનદારોના કમીશનમાં ૨૩ પૈસાનો વધારો એ મામુલી હોય, દુકાનદારોએ માન્ય નહી રાખી એલાને જંગ કર્યું છે.

દુકાનદારોના ઉમેર્યા પ્રમાણે ગઇકાલે જ આગેવાનોની મીટીંગ મળી હતી, અને તેમાં સરકારે કોઇ નિવેડો નહી લાવતા કાલે ૨૧-૨૨ બે દિ' ગાંધીનગરમાં ધરણા અને ર દિ દુકાન બંધ રાખી હડતાલનું એલાન અપાયું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજકોટ સહિત રાજ્યભરમાંથી તાલુકા-જિલ્લા કક્ષાએથી બસો ભરી દુકાનદારો ગાંધીનગરમાં ઉમટી પડશે અને કાલથી બે દિ' ધરણા કરી હડતાલ પાડશે.

રાજકોટથી આગેવાનો નરેન્દ્રભાઇ ડવ, માવજીભાઇ રાખશીયા, મહેશભાઇ નીમભાઇ સહિતના જોડાશે.

દુકાનદારોએ સરકારની ૨૩ પૈસા કમીશન વધારાની માંગ ફગાવી દિધી છે, દુકાનદારોના ધરણા-હડતાલને કારણે લાખો કાર્ડ હોલ્ડરોને પુરવઠો નહી મળે, ભારે દેકારો મચી ગયો છે, ડીએસઓ-કલેકટર સુધી રજુઆતો થઇ છે, દુકાનદારો હડતાલ-ધરણા માટે મક્કમ છે. દુકાનદારોએ ઉમેર્યુ હતું કે સરકારે ૧૦૦ કિલોએ ર૩ રૂ.નું કમીશન વધાર્યુ એમાં કાંઇનો વળે, અગાઉ એપીએલમાં ઘઉં-ચોખા કાઢી નાખ્યા, કેરોસીન પણ બંધ કરી દીધુ, પરિણામે કમીશનનો મોટો માર પડ્યો છે. (૯.૧૦)

બજરંગ વાડીના સસ્તા અનાજના દુકાનદારો સામે કાર્ડ હોલ્ડરોની રાવઃ કલેકટરને ફરિયાદ

રાજકોટ તા.૨૦: બજરંગવાડી વિસ્તારના રહેવાસીઓએ કલેકટરને ફરિયાદ-આવેદન આપી સસ્તા અનાજના દુકાનદાર સમીર અલ્લારખાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધે લેવા તથા બજરંગવાડીના સસ્તા અનાજના દુકાનદારો સુરેશ કાનજીભાઇ પરમાર સામેપગલા ભરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનદાર સામે ફરિયાદની વિગત આ મુજબ છે. જેમાં દુકાનદાર ગ્રાહકો સાથે બેહુદુ વર્તન કરે છે અને સસ્તા અનાજની દુકાનમાં મળતો માલ પુરતા પ્રમાણમાં આપતા નથી.

ઘણી વખત સસ્તા અનાજની દુકાનમાંથી જે કોઇ કાર્ડ હોલ્ડર ન હોય તેઓને સસ્તા અનાજનો માલ વેચે છે અને તે સમયે સસ્તા અનાજના કાર્ડ ધારકો વિરોધ કરેે તો જવાબ દેતા નથી.

પુરવઠા શાખા તરફથી કાર્ડ હોલ્ડરોના ઘરે-ઘરે તપાસ કરવામાં આવે તો ઘણી ફરિયાદો મળશે જે લોકોએ આ ફરિયાદમાં સહીઓ કરી છે અને ઘણાએ ફરિયાદમાં સહીઓ કરાવાઇ નથી.(૧.૨૨)

(4:16 pm IST)