Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પ્રશ્ન નહિ ઉકેલાય તો એસટી કર્મચારીઓની બેમુદતી હડતાલ

૪૦ હજારથી વધુ કર્મચારીઓએ તા. ર૧ થી સીએલ એવો રજા રીપોર્ટ આપતા ખળભળાટઃ હાઇલેવલ અધિકારીઓમાં દોડધામઃ આજે કે કાલે ગમે ત્યારે જાહેરાતઃ જો કાલ સાંજ સુધીમાં નિવેડો નહી આવે તો ગમે ત્યારે ધડાકો

રાજકોટ તા. ર૦ :.. આજ મધરાતથી કાલે મધરાત સુધી એસ.ટી.ના ૪૩ હજાર કર્મચારીઓ-ડ્રાઇવરો-કંડકટરો-કલાર્ક - પટાવાળા-મિકેનીક વિગેરે સાતમા પગાર પંચ લાગુ કરવાના મુખ્ય પ્રશ્ન સહિતના પ્રશ્ને હડતાલ ઉપર જઇ રહ્યા છે, હજુ સુધી સરકારે મંત્રણા માટે યુનિયન અગ્રણીઓને બોલાવ્યા નથી.

દરમિયાન ટોચ લેવલના એસટીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જો કર્મચારીઓની માંગણી નહી સંતોષાય અને પ્રશ્ન નહિ ઉકેલાય તો એસ.ટી. સંભવત ર૧ મી કે રર મીથી બેમુદતી હડતાલ ઉપર જઇ શકે છે, તો ગુજરાતમાં હજારો પ્રવાસીઓ ખાનગી ટ્રાવેલ્સોને સહારે આવી જશે, અંધાધૂંધીનો ભય ફેલાયો છે.

આ બાબતે આજે કે કાલે ગમે ત્યારે જાહેરાત થઇ જશે, યુનિયન અગ્રણીઓએ ઉમેર્યું હતું કે જો કાલ સાંજ સુધીમાં અમને નહિ બોલાવે કે નિવેડો નહી આવે તો ગમે ત્યારે બેમુદતી હડતાલનો ધડાકો થઇ શકે છે. દરમિયાન ગાંધીનગર જઇ રહેલા અને બાવળા પહોંચેલા યુનિયન અગ્રણી શ્રી ઇંદૂભાએ 'અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં ઉમેર્યુ હતું કે, હજુ સુધી અમને મંત્રણા માટે બોલાવ્યા નથી, બેમુદતી હડતાલ અંગે તેમણે ઉમેર્યુ હતું કે તમામ ૪૦ હજારથી વધુ કર્મચારીઓએ તા. ર૧ થી સીએલ એવો જ રજા રીપોર્ટ આપ્યો છે, તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે, અને સંભવતઃ પ્રશ્ન ન ઉકેલાય તો બેમુદતી હડતાલના એંધાણ દેખાઇ રહ્યા છે. તમામ કર્મચારીઓના આવા રજા રીપોર્ટથી એસટી.ના તમામ હાઇલેવલ અધિકારીઓમાં હાલ ભારે દોડધામ મચી ગઇ છે. (પ-૩ર)

 

(4:01 pm IST)