Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્ને સરકાર પ્રતિસાદ ન આપે તો સોમવારથી ગાંધીનગરમાં ધામા

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી મંડળનો તિવ્ર આક્રોશ

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના અગ્રણીઓ જાવેદ આર. પઠાણ, નારણભાઈ સોલંકી, અશોક જોશી, વિપુલગીરી ગૌસ્વામી, સંજય ચુડાસમા, મનિષ ઉનાગર, સંદીપ મકવાણા વગેરેએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઈ હડતાલ સંબંધી ચર્ચા કરી હતી તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૭)

રાજકોટ, તા. ૨૦ :. પંચાયતોના આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ સબબ હડતાલ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી છે. સરકાર પ્રશ્નોના ઉકેલ માટે કોઈ હકારાત્મક પ્રતિસાદ ન આપે તો રાજ્યભરના હજારો કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડી સચિવાલયમાં ધરણા કરશે તેવી ચીમકી આપી છે.

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના અગ્રણીઓ જાવેદ આર. પઠાણ, નારણભાઈ સોલંકી, અશોક જોશી, વિપુલગીરી ગૌસ્વામી, સંજય ચુડાસમા, મનિષ ઉનાગર, સંદીપ મકવાણા વગેરેએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઈ જણાવેલ કે, આજે હડતાલનો છઠ્ઠો દિવસ છે છતા સરકાર તરફથી અપેક્ષિત કોઈ પ્રતિસાદ નથી. ગુજરાતમાં સગર્ભા બહેનો અને બાળકોને મળતી તમામ આરોગ્ય સેવા (ગ્રામિણ ક્ષેત્ર) ઠપ્પ જેવી થઈ ગઈ છે. રાજકોટ જિલ્લાના ૫૯૬ ગામડાઓમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે. સ્વાઇન ફલુ, મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનીયા વગેરે રોગચાળાનો સમય હોવા છતા સરકાર આ ગંભીર બાબતને સમજતી નથી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા શહિદને શ્રધ્ધાંજલી રૂપે ૧.૫૧ લાખનો સ્વૈચ્છીક ફાળો એકત્ર કરી સંબંધીત પરિવારોને અપાશે. અગાઉ રકતદાન શિબિર રાખવામાં આવી હતી. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મંત્રણા કરવામાં આવતી નથી. ગ્રામિણ કક્ષાએ રોગચાળો વધવાની દહેશત છે. જો સરકાર પ્રતિસાદ નહિ આપે તો સોમવારથી રાજયભરના પંચાયતના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ શરૂ કરશે.

હડતાલ સંદર્ભે જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. ડઢાણીયાની આગેવાનીમાં કર્મચારીઓ કાર્યરત છે.(૨-૧૭)

 

(3:36 pm IST)