Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

વચનામૃતને આદરપૂર્વક રાખી તેનું વાંચન કરવું : પૂ.મહંત સ્‍વામી

સાંજે પૂ.મહંત સ્‍વામીની ઉપસ્‍થિતિમાં બીએપીએસના સંગીતજ્ઞ સંતો દ્વારા કિર્તન આરાધના

રાજકોટ : વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજનો ૯૮મો જન્‍મજયંતી મહોત્‍સવ અંતર્ગત આજે ત્રીજા અને અંતિમ દિવસે  સ્‍વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞના  દિવસે પાંચ હજાર યજમાનોએ વિશ્વશાંતિ અને જનકલ્‍યાણની ભાવના સાથે યજ્ઞદેવતાને આહુતિ અર્પણ કરી હતી. પૂ.મહંતસ્‍વામી મહારાજે સમ્‍મિલિત થઇ યજ્ઞના ફળરૂપ આશીર્વચન આપ્‍યા હતા.

દરમિયાન ગઈસાંજે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ભગવાન સ્‍વામિનારાયણ ઉદ્‍બોધિત ધર્મગ્રંથ વચનામૃતને ૨૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમિત્તે વચનામૃત દ્વિશતાબ્‍દી મહોત્‍સવનો ઉદ્દઘોષ સમારોહ યોજાયો હતો. આ મહોત્‍સવની ઉજવણી આગમી સમગ્ર વર્ષ દરમ્‍યાન કરવામાં આવશે. આ ઉદ્દઘોષ સમારોહમાં પૂ. મહંતસ્‍વામી મહારાજે ઉપસ્‍થિત રહી વચનામૃતનું મહાત્‍મ્‍ય અને મહિમા દૃઢ કરાવતાં કૃપા-આશિષ પાઠવ્‍યાં હતા કે, વચનામૃત મહારાજનું સ્‍વરૂપ છે. વચનામૃતને આદરપૂર્વક રાખી તેનું વાંચન કરવું. આપણા જીવમાં જે અંધકાર છે તેને વચનામૃત દુર કરી દેશે. એક વાર બે વાર પાંચ વાર નિત્‍યે અભ્‍યાસ કરશો તો કામ થઈ જશે.

સ્‍વામિનારાયણ નગરમાં છેલ્લા છ દિવસથી બ્‍લડ ડોનેશન કેમ્‍પ ચાલી રહ્યો છે. જેમાં  ૧૩૩૭થી વધુ પુરૂષ-મહિલા ભક્‍તો-ભાવિકોએ, ૬૦થી અધિક સંતો દ્વારા ૫,૬૧,૫૭૩સીસી રક્‍તનું દાન  કર્યુ હતું. ૧,૩૩૭ થી વધુ પુરુષ-મહિલા હરિભક્‍તોએ કર્યું રક્‍તદાન. ૬૦ થી વધુ સંતો દ્વારા રક્‍તદાન. છ દિવસમાં કુલ ૫,૬૧,૫૭૩સીસી રક્‍ત એકત્ર. ૧૫ થી વધુ ડોકટરોની ટીમ સેવારત છે. તા.૧૪ સુધી રક્‍તદાન યજ્ઞ કાર્યરત ચાલુ રહેશે.

કીર્તન-ભક્‍તિને નવધા ભક્‍તિમાંની એક ભક્‍તિ ગણવામાં આવે છે અને તેમાં પણ કાઠિયાવાડની ભૂમિ હંમેશા સંગીત પ્રિય રહી છે. આજે મહોત્‍સવના આઠમાં દિને સાયંકાળે ૭:૩૦ થી ૧૦:૩૦ દરમ્‍યાન પ્રમુખસ્‍વામી મંડપમમાં બી.એ.પી.એસ. સંસ્‍થાના સંગીતજ્ઞ સંતોના મુખેથી ઉપસ્‍થિત ભાવિક-ભક્‍તોને કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે. તેમજ પૂ.મહંતસ્‍વામી મહારાજ પણ આ કીર્તન આરાધના ઉપસ્‍થિત રહી દર્શનનો લાભ આપશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)