Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પ રાજયોનું વાવાઝોડુ જસદણમાં કેમ રોકવું? નવી રણનીતિ વિચારતો ભાજપ

આ વખતે ઇવીએમ ઉંધુ સેટ થઇ ગયું, રામ રામ કરવાનું હતુ અને રામ બોલો ભાઇ રામ કરી નાખ્‍યું ! સોશ્‍યલ મીડીયામાં ધૂમ : વધુ તાકાત કામે લગાડવાની ભાજપની તૈયારીઃ બે દિ'માં ૭ કાર્યાલયો ખોલશેઃ કોંગ્રેસ ગેલમાં

રાજકોટ, તા., ૧રઃ ગઇકાલે પ રાજયોનું પરીણામ જાહેર થતા ભાજપના વળતા પાણી થઇ ગયાનો સ્‍પષ્‍ટ સંદેશ મળે છે.ગઇકાલના પરીણામ પછી આવતા શુક્રવારે જસદણ વિધાનસભાની પેટાચુંટણી છે. તેના પર આ પરીણામની અસર પડવાની પ્રબળ સંભાવના છે. જો પાંચ રાજયો પ્રમાણે જસદણમાં પ્રવાહ ચાલે તો ભાજપની આબરૂનું ધોવાણ થઇ જાય તેમ છે. આવી પરિસ્‍થિતિ નિવારવા ભાજપ દ્વારા જસદણ માટે નવી રણનીતી ઘડવાની વિચારણા થઇ રહી છે. વધુ પ્રમાણમાં કાર્યકરોને કામે લગાડવામાં આવશે.

પાંચ રાજયોના પરીણામમાં ભાજપ સામેનો ખેડુતો સહિતના વિવિધ વર્ગનો આક્રોશ સામે આવી ગયો છે. આ પરીણામની  જસદણ મતક્ષેત્રમાં કોઇ અસર નહિ પડે તેવો ભાજપના આગેવાનોનો સતાવાર દાવો છે. પરંતુ અંદરખાનેની ચિંતા છુપી રહેતી નથી. પાંચ રાજયો કરતા જસદણના જનમાનસને જુદી દિશામાં કઇ રીતે વાળવું? તે ભાજપ માટે પડકાર છે.

ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાનો પક્ષપલ્‍ટો, મો઼ંઘવારીખેડુતોના પ્રશ્નો, અછત વગેરે પડકારો ભાજપ સામે હતા તેમાં પાંચ રાજયોના પરીણામનો ઉમેરો થયો છે.દરેક રાજયમાં રાજકીય સ્‍થિતિ અલગ-અલગ હોય છે એટલે બધે એકસરખું પરીણામ આવે તેવું માનવાનું કોઇ કારણ નથી છતાં ગઇકાલનું પરીણામ આવ્‍યું તેની અસર જસદણ પર ન જ પડે તેવું પણ માની શકાય તેમ નથી.

કોંગ્રેસના કાર્યકરો પરીણામથી ગેલમાં આવી ગયા છે અન્‍ય રાજયમાં કોંગ્રેસની જીત જસદણમાં જીતની ખાતરી આપતી નથી છતા કાર્યકરોનો ઉત્‍સાહ ચોક્કસ વધ્‍યો છે.

(12:09 pm IST)