Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સોમવારે વિશ્વ માલધારી દિનઃ બાઈક રેલી

શિક્ષણને પ્રાધાન્ય આપવા યુવાનો લાકડી મુકી બોલપેન પકડવાનો નિર્ધાર કરે : સ્વયંશિસ્તના પાલન સાથે રાણીમા રૂડી મા ના મંદિરેથી રેલીનો પ્રારંભઃ મચ્છુ માતાજી મંદિરે સંપન્ન

રાજકોટઃ ૨૬ નવેમ્બરને વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરના માલધારીઓ દ્વારા આ દિવસે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેના ભાગરૂપે રાજકોટ માલધારી સમાજ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ નવેમ્બરે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં માલધારી યુવાનો ટુ વ્હીલર સાથે જોડાશે. આ રેલી નકલંક મંદિર, બેડીનાકાથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો, વિસ્તોરોમાં ફરી દિવાનપરામાં મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થશે.

આ બાઈક રેલી દ્વારા સમગ્ર સમાજને લાકડી મૂકી પેન પકડવાનો તેમજ, શિક્ષણને પ્રાધાન્ય આપી કુરીવાજો અને વ્યસનને તીલાંજલી આપવાનો સંદેશ આપવામાં આવશે.

આ રેલીમાં ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન થાય અને રેલીમાં જોડાનાર તમામ યુવાનો સ્વયં શિસ્તમાં વાહન ચલાવે તેની કાળજી રાખવામાં આવશે. કોઈપણ પ્રકારની આછકલાઈ ચલાવી લેવામાં નહિ આવે. આ રેલી ૨૬ નવેમ્બર નકલંક મંદિર, બેડીનાકાથી પ્રારંભ થશે. રેલી બેડીનાકા, કેસરીપુલ, હોસ્પિટલ ચોક, જયુબેલી ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત, કિશાનપરા, રૈયા રોડ, હનુમાન મઢી, રૈયા ચોકડી, કે.કે.વી. સર્કલ, કલાવડ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ અંડરબ્રીજ,એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ, સર લાખાજી રોડ, સાંગણવા ચોક, રાજશ્રી ટોકિઝ, દિવાનપરા પોલીસ ચોકી પાસે થઈ દિવાનપરામાં મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થશે.

આ રેલીનું ધરમ ટોકિઝ, જીલ્લા પંચાયત, બ્રહ્મસમાજ ચોક સહિતના સ્થળોએ સ્વાગત કરવામાં આવશે.  રેલીને સફળ બનાવવા ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવા, ભરતભાઈ ધોળકીયા, કરણ ગમારા, જીજ્ઞેશભાઈ સભાડ, ગોપાલભાઈ સરસીયા, ગેલાભાઈ સભાડ, કવાભાઈ ગોલતર, જાદવભાઈ ધોળકીયા, બીજલભાઈ ચાવડીયા, નિલેશભાઈ સોહીયા, વિજયભાઈ સામળકા, રમેશ જુંજા, લાખાભાઈ સાટીયા, હેમતભાઈ મુંધવા, હિરેનભાઈ ફાંગલીયા, ગોપાલભાઈ ગોલતર, ધીરજભાઈ મુંધવા, નારણભાઈ વકાતર, જીજ્ઞેશભાઈ કિહલા, મુનાભાઈ ધોળકીયા, બીજલભાઈ સાટીયા, મીઠાભાઈ જોગરાણા, લાલાભાઈ બોળીયા, અલ્પેશ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:03 pm IST)