Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સરકારે ખાતરી આપતા ખેડૂતોનું આંદોલન મોકુફઃ પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માંગણી

પાકવીમો પણ તાત્કાલીક ધોરણે ચુકવોઃ ભારતીય કિસાન સંઘ

રાજકોટ,તા.૨૦: ભારતીય કિસાન સંઘની માંગ હતી કે મગફળીનો ઉતારાની ટકાવારી તેમજ અન્ય મુદ્દાઓનું ખેડૂતોને સંતોષકારક પરિણામ નહિ મળે તો, ભારતીય કિસાન સંઘ દરેક ખેડૂત તેમજ ખેડૂત સંગઠનોને સાથે લઈ હડતાલ તેમજ આશ્ચર્યજનકી કાર્યક્રમો આદોલનના સ્વરૂપમાં આજથી શરૂ કરવાની જાહેરાત કરેલ હતી. તે આંદોલનની વાતને ધ્યાનમાં રાખી સરકારશ્રી તરફથી તેના પ્રતિનિધિ શ્રી માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી ડી.કે.સખીયા દ્વારા ભારતીય કિસાન સંઘની રાજકોટ જીલ્લા કમિટી સાથે મળીને, વાત કરી કે સરકારશ્રી જેમ તમારી માંગ પ્રમાણે જે બારદાનમાં ૩૫ કિલોની ભરતીની જગ્યા ૩૦ કિલો ભરતી કરાવી છે. તે પ્રમાણે ૮ દિવસ અંદર ઉતારાની ટકાવારીમાં પણ ઘટાડો કરવામાં આવશે. એવો વિશ્વાસ આપવામાં આવેલ તેને ધ્યાનમાં રાખીને આ આંદોલન હાલતુર્ત મુલતવી રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ ભારતીય કિસાન સંઘના પ્રદેશપ્રમુખ શ્રી વિઠલભાઈ દુધાત્રાની ટેલીફોનીક વાતચીતમાં ખેડૂતોના ઉતારા બાબતનો પ્રશ્નોનો નિકાલ ટુંક સમય મા જ લાવવામાં આવશે તેવો વિશ્વાસ આપવામાં આવશે.

ગયા વર્ષે સરકારશ્રી ટેકાના ભાવની ખરીદીના નમુના લેતા હતા પણ તેનો ઉતારો કાઢતા ન હતા પણ જે બારદાનમાં ૩૫ કિલોની ભરતી સમાતી તે ઉતારો માન્ય ગણી અને ખરીદી કરવામાં આવતી હતી, પણ આ વર્ષે સરકારશ્રીએ દરેક ખેડૂતોની મગફળીના નમૂનાનો ઉતારો કાઢવાનું ફરજીયાત કરેલ હોવાથી મગફળીની બારદાનમાં કોઈપણ પ્રકારની ભરતી કરે તો ખેડૂતોને કોઈ ફરકનો પડે. પણ ઉતારો જ મહત્વનો હોય તો ઉતારાની ટકાવારીમાં ઘટાડો ન કરીને, પણ ભરતીમાં ૩૫ કિલોની જગ્યાએ ૩૦ કિલો ભરતી ઘટાડવાની જાહેરાત કરીને, પણ ભરતી મુજબ નમુનો પાસ ન થાય તો આમ ખેડૂતોને કોઈપણ પ્રકારનો ફાયદો નથી. આના કારણે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે બિનજરૂરી સંઘર્ષો થાય, સરકારશ્રીએ આવી બાબતને ગંભીરતાથી લઈને જલ્દીથી નિકાલ કરવો જાઈએ, તે એની મોટામાં મોટી ભૂલ છે.

 ખેડૂત આગેવાનોએ વધુમાં જણાવેલ કે ખેડૂતોની મગફળીમાં ઉતારામા જે ઘટાડો કરવો જરૂરી છે તેમજ ભેજમાં પણ થોડાક ટકાનો વધારો કરવો પડે એમ છે, કારણ કે જે મગફળીનો નમુનો સવારમાં લેવામાં આવે તો નમુનાની અંદર ભેજની ટકાવારીમાં જો થોડા ફેરફાર કરે તો નુકસાનીથી બચે. ખેડૂતો છેલ્લે કંટાળી તેમજ વધારાના ખર્ચથી બચવા માટે માર્કેટિંગ યાર્ડની અંદર મજબુરીથી પોતાનો માલ લઈને માર્કેટિંગ યાર્ડની અંદર ૬૦૦ થી ૮૦૦ના ભાવમા જ ખેડૂતો લુંટાય જાય છે. સરકારશ્રીએ પુરા ગુજરાતમાં જે રીતે ખરીદી કરે છે. જો આજ પધ્ધતિમાં ધીમું કામ ચાલશે તો આ કામ એક વર્ષે પણ પૂર્ણ નહિ થાય.

ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવથી ખરીદી તેમજ ઘણા અન્ય પ્રશ્નને ને લઈને કલેટકર તેમજ મામલતદારશ્રીને મારફતે પાક વીમો, ઘાસચારો, સૌની યોજનાથી ડેમ, અછતગ્રસ્ત તાલુકા, ખેડૂતોની દેવા માફી, ચેકડેમ ઉંડા કરવા, કૃષિ સાધનમાંથી જીએસટી દૂર કરવા જેવા મુદ્દાઓ અંગે આવેદનપત્ર આપેલ છે. આ દરેક મુદ્દાઓને પણ સરકારશ્રીએ જલ્દીથી નિકાલ કરવા અનુરોધ કર્યો હતો. મગફળીનો ઉતારો મુદ્દાનો ખેડૂતોનો સંતોષકારક પરિણામ નહિ મળે તો, ભારતીય કિસાન સંઘ દરેક ખેડૂત તેમજ ખેડૂત સંગઠનોને સાથે લઈ હડતાલ તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમો અંદોલનના સ્વરૂપમાં થોડા દિવસમાં શરૂ કરશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

તસ્વીરમાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મંત્રીશ્રી ઘનશ્યામભાઈ કોટડીયા, ભરતભાઈ પીપળીયા, મનોજભાઈ ડોબરિયા, કમલેશ વસોયા, પ્રશાંત સિંધવ, રાજુભાઈ લીંબાસીયા, અશોકભાઈ મોલીયા, ઠાકરશીભાઈ પીપળીયા, જિતુભાઈ સંતોકિ, મહેન્દ્રભાઈ કાલરિયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:03 pm IST)