Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

બાળ રોગના નિષ્ણાંત તબિબોનો વર્કશોપ યોજાયોઃ બાળ આરોગ્યને સ્પર્શતા વિવિધ મુદ્દાઓનું માર્ગદર્શન અપાયું

આંતરરાષ્ટ્રીય બાળ આરોગ્ય સંસ્થા યુનિસેફ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના સહયોગથી

રાજકોટઃ ગુજરાત રાજયના બાળ આરોગ્ય નિષ્ણાત ડોકટરોના એસોસિએશન એકેડેમી ઓફ પેડિયાટ્રીક, ગુજરાત અને રાજકોટ શહેરના બાળ આરોગ્ય નિષ્ણાત ડોકટરોના એસોસિએશન એકેડેમી ઓફ પેડિયાટ્રીક, રાજકોટ દ્વારા ગત ૧૪મીએ  ફર્ન રેસીડેન્સી હોટેલ, રાજકોટ ખાતે 'પરવાહ' – PARVAH – “Prevention And Response to Violence, Abuse and HIV in Children” પ્રોજેકટના વર્કશોપનું આયોજન આંતર રાષ્ટ્રીય બાળ આરોગ્ય સંસ્થા યુનિસેફ અને ગુજરાત રાજયની સ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ વર્કશોપ માટે ગુજરાત રાજયના બાળ આરોગ્ય નિષ્ણાત ડોકટરોના એસોસિએશનના પ્રતિનિધિ તરીકે અમદાવાદથી તજજ્ઞો સર્વેશ્રી ડો. ઉન્મેષ ઉપાધ્યાય અને બી. જે. મેડિકલ કોલેજ ના પેડિયાટ્રીક વિભાગના ડો. આરીફ વોરા હાજર રહ્યા હતાં.  તેમજ જામનગર મેડિકલ કોલેજ ના પેડિયાટ્રીક વિભાગના ડો. મૌલિક શાહ, સિનિયર પેડિયાટ્રીશીયન ડો. હર્ષદ તકવાણી, રાજકોટ શહેરના બાળ આરોગ્ય નિષ્ણાત ડોકટરોના એસોસિએશન ના હોદ્દેદારો- પ્રેસિડન્ટ શ્રી, ડો. દિનેશ શ્રીમાંન્કર, સેક્રેટરીશ્રી, ડો. કુણાલ આહ્યા, મા શારદા હોસ્પિટલના એડોલેશન્ટ કન્સલ્ટન્ટ ડો. નીમા સીતાપરા, સીનીયર બાળ આરોગ્ય નિષ્ણાત ડો. અતુલ રાઠોડ, ડો. નારણ ભાઇ સંખારવા, ડો. અનિલ ત્રાંબડિયા, ડો. અમિત સીતાપરા, ડો. કિર્તી પટેલ, ડો. તૃપ્તિ વૈષ્નાની, ડો. જયેશ સોનવાણી, નેશનલ પેડિયાટ્રીક એસોશિએશનના પ્રતિનિધિ તરીકે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. યોગેશ પરીખ, અને રેસિડેન્ટ ડોકટરો વગેરે ૩૦ જેટલા બાળ આરોગ્યના ડોકટરો હાજર રહેલા હતા. જેમાં સામાન્ય બાળ આરોગ્યને સ્પર્શતા મુદ્દાઓ જેવા કે, જાતીય શોષણ અટકાવવા અંગે, જાતીય શોષણ ની લાંબાગાળાની અસરો, ખરાબ સ્પર્શ, સારો સ્પર્શ, વગેરે ના કાઉન્સેલિંગ, પોકસો એકટ, તેમજ એચઆઇવીના જોખમો અને નિયંત્રણ વિશે, શાળાઓમાં શિક્ષકો તેમજ વાલીઓને જાગૃત કરવા અને સાચી સમજણ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજકોટ શહેરના બાળ આરોગ્ય નિષ્ણાતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(3:27 pm IST)