Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

લાલપરી-રાંદરડા તળાવમાં માછલાઓ મરી ગ્યાઃ તંત્ર કહે છે ૮-૧૦ મર્યા-જીવદયા પ્રેમીઓ હજારોનો આક્ષેપ કરે છે

આજી ડેમે હજારો મૂછાળા માછલાઓ મરી ગ્યા બાદ આવી જ વધુ એક ઘટનાથી અરેરાટી

મૃત માછલાઓનું સર્ચ ઓપરેશન :.. લાલપરી-રાંદરડા તળાવમાં મૃત માછલાઓને શોધવા ફાયર બ્રીગેડ અને સોલીડવેસ્ટ વિભાગે સર્ચ ઓપરેશન કરી માત્ર ૮ થી ૧૦ જેટલા માછલાઓનાં મૃતદેહો શોધીને તેનો નિકાલ કર્યો હતો. તે વખતની તસ્વીરમાં ચીફ ફાયર ઓફીસર શ્રી ઠેબા તથા પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :.. શહેરનાં આજી ડેમ જળાશયમાં થોડા દિવસ અગાઉ હજારો કેટફીશ (મૂછાળા માછલા) મરી ગ્યાની ઘટનાં હજૂ તાજી છે ત્યાં જ આજ પ્રકારની વધુ એક ઘટનાં શહેરનાં ઐતિહાસીક -લાલપરી-રાંદરડા તળાવ બનતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

આ અંગેની વિગતો મુજબ શહેરનાં લાલપરી-રાંદરડા તળાવમાં હજારોની સંખ્યામાં માછલાઓ મરી ગ્યાનાં આક્ષેપો જીવદયા પ્રેમીઓ લગાવી આ બાબતે કોર્પોરેશનના તંત્રવાહકોને જાણ કરતાં ફાયર બ્રિગેડ તથા સોલીડ વેસ્ટ વિભાગના સ્ટાફે તળાવ ખાતે પહોંચી સ્થળ તપાસ કરતા માત્ર ૮ થી ૧૦ માછલાઓ મર્યાનું બહાર આવતા હજારો માછલાઓ મૃત્યુ પામવાની વાત માત્ર અફવા હોવાનું કોર્પોરેશનનાં અધિકારીઓએ જાહેર કર્યુ હતું.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં અધિકારીઓની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ, આજે રાજકોટનાં લાલપરી અને રાંદરડા તળાવમાં હજારોની સંખ્યામાં માછલાઓના મોત થયા હોવાના અહેવાલો બહાર આવતાં જ રાજકોટ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે બંને તળાવમાં તપાસ કરાવતા આ અહેવાલ નરી અફવા હોવાનું પુરવાર થયું હતું.

માછલાના મોત અંગેના અહેવાલો પ્રાપ્ત થતા જ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા મારફત લાલપરી અને રાંદરડા તળવમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ બહાર આવેલા અહેવાલો જેવી કોઇ જ સ્થિતિ ત્યાં સ્થળ પર જોવા મળી ન્હોતી. અલબત્ત ૮ થી ૧૦ મૃત માછલા જોવા મળતા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સાથોસાથ તળાવમાં અન્યત્ર કયાંય મૃત માછલીઓ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. (૫.-ર૪)

(3:19 pm IST)