Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કોઠારીયા નજીક પાટા ઓળંગતી વેળાએ ટ્રેનની ઠોકરે ચડતાં પોરબંદરના વિપુલ ડાભીનું મોત

ખવાસ યુવાને મુસ્લિમ યુવતિ સાથે લવમેરેજ કર્યા'તાઃ 'એકાદ કલાકમાં આવું છું'...તેમ પત્નિને કહીને રાત્રે નીકળ્યો અને ટ્રેન રૂપી કાળ ભેટી ગયોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રેલ્વે સ્ટેશનથી રીબડા રેલ્વે સ્ટેશન તરફ મોડીરાત્રેે એક યુવાનનું ટ્રેન હેઠળ કપાઇ જતાં મોત નિપજ્યું હતું. આ યુવાન મુળ પોરબંદરનો વિપુલ રવજીભાઇ ડાભી (ખવાસ) (ઉ.૩૨) હોવાનું તથા હાલ કોઠારીયા સોલવન્ટમાં રહેતો હોવાનું તેમજ પાટા ઓળંગતી વખતે ઠોકરે ચડી ગયાનું બહાર આવ્યું છે. 

એક યુવાન કોઠારીયાથી રીબડા તરફ આશરે સો મીટર દૂર રાજકોટથી વેરાવળ જઇ રહેલી ટ્રેનની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગુભા રાણાએ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસને મૃતક પાસેથી મળેલા આઇકાર્ડમાં વિપુલ રવજીભાઇ ડાભી (ઉ.૩૨-રહે. પોરબંદર ભાવના ડેરી પાસે સુથારવાડો)નું એડ્રેસ તથા ફોન નંબર મળ્યા હતાં. તેના આધારે તપાસ થતાં આ યુવાન મુળ પોરબંદરનો વિપુલ જ હોવાનું અને હાલ કોઠારીયા સોલવન્ટમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. તેણે મુસ્લિમ યુવતિ સાથે લવમેરેજ કર્યા હતાં. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. રાત્રે તે ઘરેથી પત્નિને 'હું એક કામ પતાવી એકાદ કલાકમાં આવું છું' તેમ કહીને નીકળ્યો હતો અને પાટા ઓળંગતો હતો ત્યારે ટ્રેનની મોટા અવાજે વ્હીસલ વાગતાં ગભરાઇને ભાગવા જતાં પડી ગયો હતો અને ઠોકરે ચડી ગયો હતો. આ માહિતી પોલીસને ટ્રેનના ડ્રાઇવર પાસેથી મળી હતી. (૧૪.૫)

(11:49 am IST)