Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરે ૨૪ મા પાટોત્‍સવની ઉજવણી : ભાજપના ઉમેદવારોએ આશીર્વાદ મેળવ્‍યા

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને ૨૪ વર્ષ પૂર્વે ઈ.સ.૧૯૯૮માં  પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજે શહેરની શાન એવા ભવ્‍ય અને દિવ્‍ય મંદિરની ભેટ આપી હતી. આ મંદિરના ૨૪મા પાટોત્‍સવે પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના દિવ્‍ય આશીર્વાદથી મહાપૂજા તેમજ પાટોત્‍સવ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પાટોત્‍સવની ઉજવણી અંતર્ગત નિજ મંદિરમાં સવારે સંતોની હાજરીમાં ઠાકોરજીને પંચામૃત જળથી અભિષેકવિધી અને પૂજનવિધી સંપન્ન થઈ હતી. ત્‍યારબાદ ભગવાનને નૂતન આભૂષણો અને અલંકારયુકત વાઘા પહેરાવી અન્નકૂટ ધરવામાં આવ્‍યો હતો અને ઠાકોરજીની શણગાર આરતી સંપન્ન થઈ હતી. આરતી બાદ વેદોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે પાટોત્‍સવ વિધિને અનુસરીને ભાવનગર મંદિરના મહંત પૂ. સોમપ્રકાશ સ્‍વામી અને રાજકોટ મંદિરના કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્‍વામી દ્વારા મહાપૂજા વિધિ સંપન્ન થઈ હતી. જેમાં સંતો તથા ઉપસ્‍થિત તમામ હરિભક્‍તોએ ભગવાન સમક્ષ ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં સુશાંતિ સ્‍થપાય અને ભારત દેશ અને વિશ્વના તમામ ભક્‍તો-ભાવિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. રાજકોટ મંદિરના પ્રમુખસ્‍વામી સભાગૃહ ખાતે સાંજે પાટોત્‍સવની વિશિષ્ટ રવિસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંગીતજ્ઞ યુવાવૃંદના ધૂન કીર્તન બાદ પ્રસંગને અનુરૂપ પ્રવચનનો પૂ. સોમપ્રકાશ સ્‍વામીએ લાભ આપ્‍યો હતો. પાટોત્‍સવની રવિસભામાં રાજકોટનાં ભાજપના ઉમેદવાર એવા ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાએ ખાસ ઉપસ્‍થિત રહી આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં સૌ માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

 

 

(3:49 pm IST)