Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

હું એકતામાં માનું છું, કોઈપણ ધર્મ અને સંપ્રદાયનું અપમાન કરવા માંગતો નહતો

પોતાના પ્રવચન અંગે ભાજપે વિવાદ સર્જતા ઈન્‍દ્રનિલ રાજયગુરૂની સ્‍પષ્‍ટતા

રાજકોટઃ અહીના કોંગ્રેસના ઉમેદવાર ઈન્‍દ્રનીલ રાજગુરૂએ કહ્યું કે સોમનાથમાં અલ્લાહ અને અજમેર શરીફમાં મહાદેવ વસે છે. જે બાદ ફરી એકવાર ગુજરાતની ચૂંટણીમાં હિંદુ-મુસ્‍લિમનો ખેલ સામે આવ્‍યો છે. કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે જ્‍યારે પણ તે બંને જગ્‍યા માટે બસમાં બેસે છે ત્‍યારે તેને સમાન ખુશી મળે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતાએ સ્‍ટેજ પરથી જ અલ્લાહ-હુ-અકબરના નારા પણ લગાવ્‍યા હતા.

જો કે શ્રી રાજ્‍યગુરૂએ પાછળથી રાજકોટમાં વિવાદસ્‍પદ ભાષણ બાદ  સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું હતું કે આ ભાષણનો એક કટકો જ ભાજપે વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે લોહી ચડાવીએ તો કયારેય પૂછતાં નથી કે આ લોહીના કોનું છે. હું એકતામાં માનું છું.  તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે હું સર્વધર્મ સમભાવની વાત કરતો હતો. કોઇ પણ ધર્મ અને સંપ્રદાયનું અપમાન નહોતો કરવા માંગતો. મોરારી બાપુ અલ્લાહનો નારો લગાવે ત્‍યારે કેમ કોઇને વાંધો નહીં.

ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ કહ્યું હતું કે લોહી કાઢો ત્‍યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્‍યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.

ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂના આ નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્‍યો છે.

રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. તો શ્રી ચૈતન્‍ય શંભુ મહારાજે ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂના નિવેદનને વખોડ્‍યું છે. ચૈતન્‍ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્‍લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.

રાજકોટની બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુના મહાદેવ અને અલ્લાહ સંદર્ભના  ઉચ્‍ચારણોએ ભારે વિવાદ સર્જ્‍યો છે. બીબીસી હિન્‍દી સહિત અનેક મિડીયામાં આ અહેવાલો મુખ્‍ય સ્‍વરૂપે ઉછળ્‍યા છે.

(4:48 pm IST)