Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સાંજે રાજકોટમાં વડાપ્રધાનની જંગી જાહેરસભા

લોકલાડિલા વડાપ્રધાનને સાંભળવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટઃ સભામાં લોકો ઉમટી પડશે : એક મહિનામાં વડાપ્રધાનની રેસકોર્સમાં બીજી સભાઃ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા કરશે હાકલઃ રાજકોટથી સમગ્ર સૌરાષ્‍ટ્રને આપશે મહત્‍વનો સંદેશ

સાંજે રેસકોર્ષ મેદાનમાં જનમેદની ઉમટી પડશે : તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજરોજ રાજકોટ આવી રહ્યા હોય અહિંના રેસકોર્ષ ખાતેના મેદાનમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મોદીજીને સાંભળવા હજારોની સંખ્‍યામાં જનમેદની ઉમટી પડશે. તસ્‍વીરમાં સભા સ્‍થળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટઃ પ્રથમ તબકકાની ચૂંટણીના આડે હવે બે દિવસ બાકી છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજે સાંજે રાજકોટ આવી રહ્યા છે. જંગી જાહેરસભાને સંબોધનાર છે. મોદીજીના આગમનને પગલે તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. ભાજપના નેતાઓ, આગેવાનો, કાર્યકરોમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટના ચારેય ઉમેદવારો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા અને ડો.દર્શીતાબેન શાહના સમર્થનમાં નરેન્‍દ્રભાઈ જંગી જાહેરસભાને સંબોધશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાંજે રાજકોટ આવી રહ્યા હોય એરપોર્ટથી રેસકોર્ષ સુધીનો રસ્‍તો બંધ કરી દેવામાં આવશે. જયારે સિવિલ  હોસ્‍પિટલ બે વોર્ડ ખાસ ઉભા કરવામાં આવ્‍યા છે. તેઓના આગમનના પગલે સર્કીટ હાઉસમાં પણ ત્રણ રૂમ બૂક કરવામાં આવ્‍યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે સાંજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેરસભાને સંબોધનાર હોય વડાપ્રધાનની જાહેરસભામાં જનમેદની એકઠી કરવા ભાજપે કાર્યકર્તાઓની ટીમ કામે લગાડી છે અને સભામાં શકિત પ્રદર્શન કરવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. વડાપ્રધાનની જાહેરસભા યોજાવાની છે તે સ્‍થળ રેસકોર્સ મેદાન ફરતે પોલીસનો અગાઉથી બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે,  ડોગ સ્‍કવોડ સહિતની સુરક્ષા એજન્‍સીએ સભા સ્‍થળનું નિરીક્ષણ કરી ખૂણા ખૂણાની તપાસ કરી હતી. પોલીસ જવાનોનો કાફલો ખડેપગે રહેશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આજે સૌપ્રથમ બપોરે બે વાગ્‍યે પાલીતાણા, ૩:૧૫ વાગે અંજાર (કચ્‍છ) બાદ જામનગર અને ત્‍યાંથી રાજકોટ આવી પહોંચશે. રેસકોર્સ ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરી તેઓ રાજકોટ એરપોર્ટથી સીધા જ દિલ્‍હી જવા રવાના થશે.

(11:49 am IST)