Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

અમેરિકાના પ્રવાસ દરમિયાન લાડકી ફાઉન્ડેશન બનાવીને કરોડો રૂપીયાનું ફંડ એકત્ર કરવા બદલ

લોકગાયક કીર્તિદાન ગઢવી સોમવારે રાજકોટમાં: સ્વાગત ફૂલડે વધાવાશે

માધાપર ચોકડી સ્વામીનારાયણ મંદીરે ભવ્ય સન્માનઃ અનેક સંસ્થાઓ જોડાશેઃ 'લાડકી' પ્રોજેકટ દ્વારા ગરીબ બાળાના જીવન ભવિષ્યની લેવાશે સંભાળ

રાજકોટ : સુવિખ્યાત લોકગાયક અને  સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય કિર્તીદાન ગઢવીએ પોતાના સ્વરના સથવારે અમેરિકાની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિના દર્શનની સાથેસાથે લોકહૈયે ધબકતા ગીતોના સથવારે લોકગીતો, દુહા-છંદ સહિતના કાર્યક્રમોની રમઝટ બોલાવી છે. અમેરિકામાં લાડકી ફાઉન્ડેશન સ્થાપનાની જાહેરાત કરી ગુજરાતની ગરીબ અને જરૂરતમંદ બાળાઓ માટે કરોડો રૂપિયાનું ફંડ એકત્ર કરવા ઉપરાંત 'યુએસ' વર્લ્ડ ટેલેન્ટ સંસ્થાએ પોતાના  બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિર્તીદાન ગઢવીની વરણી કરી છે એટલું જ નહીં યુ.એસ.વર્લ્ડ ટેલેન્ટના ફાઉન્ડર અને સીઇઓના હસ્તે વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટનો એવોર્ડ પણ અર્પણ કરાયો હતો. આ  ગૌરવવંતી ઘટનાના પ્રણેતા એવા કિર્તીદાન ગઢવી  તા.૨૯ને સોમવારે અમેરિકા થી રાજકોટ આવી રહ્યા છે ત્યારે શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા બપોરે ત્રણ વાગ્યે માધાપર ચોકડી ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં તેમનું ભવ્ય સ્વાગત સન્માન રાખવાનું નક્કી કરાયું છે.

રાજકોટના અગ્રણી લોકો દ્વારા કિર્તીદાન ગઢવીનું તેમની કલાને છાજે તેવું ભવ્યાતિભવ્ય સન્માન કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે કિર્તીદાન ગઢવી અભિવાદન સમિતિની રચના પણ કરવામાં આવી છે.

અભિવાદન સમિતિમાં મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નં.૨ના સિનિયર કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, જાણીતા એન્કર અને પત્રકાર તેજસભાઈ શિશાંગીયા,વી ટીવીના સૌરાષ્ટ્ર ઝોનના એડિટર ધર્મેશભાઈ વૈદ, જૈન વિઝન સંસ્થાના સંયોજક મિલનભાઈ કોઠારી  તેમ જ જાણીતા બિલ્ડર જે.એમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા વગેરેનો સમાવેશ થાય છે.

જાણીતા ગાયક અને સામાજિક નિસબતથી પોતાના વ્યવસાયમાં સક્રિય એવા કિર્તીદાન ગઢવીએ તાજેતરના પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન લોક સંગીત, ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિ - સંગીતનો પ્રચાર, પ્રસાર કર્યો હતો. તેઓ  ન્યુજર્સીમાં  વર્લ્ડ રેકોર્ડ માટે કામ કરતી સંસ્થાના  બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અમેરિકાની ધરતી પર ૩૩ થી વધુ સ્ટેજ શો કરનાર કીર્તિદાનનું આવું સન્માન મેળવનાર  પ્રથમ  ગુજરાતી કલાકાર છે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાં જ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે. ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના  સ્થાપક અને સીઈઓ  મિહિર  બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં  લોકગાયક કીર્તિદાન ગઢવીને અદકેરૂ સન્માન આપ્યું હતું. તેઓને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા  દ્વારા  બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

કીર્તીદાન ગઢવીએ આ પ્રોજેકટની જાહેરાત કર્યા બાદ તેનાથી પ્રભાવિત થઇને અમેરિકાના ડેલવારે  રાજ્ય  કે જે ગુજરાતનું સિસ્ટર સ્ટેટ છે ત્યાના ડેપ્યુટી ગવર્નર બેથની હોલે કીર્તીદાનભાઈનું સન્માન પણ કર્યું હતું. આમ કીર્તીદાનભાઈએ અમેરિકાની ધરતી ઉપર ગુજરાતની સંસ્કૃતિને ચાર ચાંદ લગાવી દીધા હતા.

લાડકી પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની કોઈ પણ ગરીબ ઘરની બાળા માટે  શિક્ષણ, ઘડતર વગેરે માટે આર્થિક ભંડોળ ઊભું થશે. એનું તમામ સંચાલન બહેનો કરશે. વિદેશથી લઈને ભારતના ગામડાની બહેનો એમાં હિસ્સો લેશે. જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી રહેશે. પહેલા જ દિવસે રૂ. દોઢ કરોડની માતબર રકમ આ યોજના માટે એકઠી થઈ ગઈ હતી. આ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં છથી સાત કરોડ રૂપિયાનું ફંડ એકત્ર થયું છે અને હજુ આવનારા દિવસોમાં વધુ ફંડ એકત્ર થશે અને તે ગુજરાતની બાળાઓના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે વપરાશે.

તા.૨૯મીને સોમવારે બપોરે ૩ કલાકે યોજનારા કિર્તીદાન ગઢવીના ભવ્ય સ્વાગત સન્માન સમારોહમાં વિવિધ સંસ્થાઓ સાથે રહી છે. કલાપ્રેમીઓને પણ આમંત્રણ અપાયું છે.

કીર્તીદાન ગઢવીના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહીને તેમનું સન્માન કરવા ઇચ્છનારા લોકોને જયમીનભાઈ ઠાકર (મો.૯૮૭૯૮ ૦૦૦૦૧ ), ગુણવંતભાઈ ડેલાવાળા ( મો.૯૮૨૪૦ ૪૦૮૮૯ ) મિલન કોઠારી (મો.૯૮૨૪૨ ૯૪૫૩૧ ) તેજસ શીશાંગીયા ( મો.૯૮૨૫૩ ૯૪૩૨૦), ધર્મેશભાઈ વૈદ (મો.૯૮૨૫૬ ૬૯૨૯૮ ) અથવા  મયુરધવજસીંહ જાડેજા (મો.૯૫૩૭૯ ૦૦૦૭૭)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:45 am IST)