Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

સ્વચ્છ ભારત અભિયાન : મહાક્રાંતિ તરફનું એક અદ્દભૂત કદમ

આપણે સહુ સ્વચ્છાગ્રહીના શપથ લઈ સ્વચ્છતા અભિયાનને સાર્થક કરીએ

ચાલવાના રસ્તે મેલું નાખવું, થુકવું, નાક સાફ કરવું એ ઈશ્વર પ્રત્યે તેમજ મનુષ્ય પ્રત્યે પાપ છે.તેમાં દયાનો અભાવ છે.જે માણસ જંગલમાં રહે તો યે પોતાનું મેલું દાટે નહીં તે દંડને પાત્ર છે.

-મહાત્મા ગાંધીજી

પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતી પર તેમને સાચી શ્રદ્ઘાંજલિ આપવા અને તેમના વિચારોને મૂર્તિમંત કરવા સમગ્ર દેશવાસીઓ માટે સોનેરી અવસર આવી રહ્યો છે.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અનેક સ્વપ્નો પૈકીનું એક ક્રાંતિકારી અને સોનેરી સ્વપ્ન એટલે સ્વચ્છ ભારત અભિયાન.

વર્ષ ૨૦૧૩માં શરૂ કરેલ આ અભિયાનને તેમણે પૂ.બાપુની તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ ૨ ઓકટો.૨૦૧૪ના રોજ સમગ્ર દેશ સામે ખુલ્લું મૂકેલું.

જેમ આપણાં લોકલાડીલા સ્વ.વડાપ્રધાન શાસ્ત્રીજીએ 'જય જવાન,જય કિસાન'નો નારો આપ્યો અને ધરતીપુત્રને અનાજના ગોદામો છલકાવી દેવાનું આહવાન કર્યું અને ગોદામો છલકાઈ ગયાં તેમ એક એક દેશવાસીને સ્વચ્છાગ્રહી બનવાનું આહવાન આપતાં ૨૦૧૪માં પ્રધાનમંત્રીશ્રીએ 'હું ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં' નું સૂત્ર આપ્યું.

આજે આ મિશનને જયારે પાંચ વર્ષ પૂરાં થવાં જઇ રહ્યાં છે ત્યારે તેનું વિહંગાવલોકન કરવું ખૂબ જરૂરી બને છે.

મહાત્માજી પોતાના ચશ્મામાંથી સ્વચ્છ ભારતના મિશનને જોતાં હોય તેવા એકદમ અર્થસભર લોગો આપવા બદલ મહારાષ્ટ્રના અનંત ખસબરદાર અને ટેગલાઈન(એક કદમ સ્વચ્છતા કી ઔર) આપવા બદલ રાજકોટના શ્રીભાગ્યશ્રી શેઠને વડાપ્રધાનશ્રી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયેલ.

સ્વચ્છતા એ માત્ર સામાજિક બાબત નથી તે જેટલી સમાજ સાથે જોડાયેલી છે તેનાથી પણ વધુ આરોગ્ય સાથે જોડાયેલી છે .. શું તમે જાણો છો કે whoના એક રિપોર્ટ મુજબ ભારતના લોકો માથાદીઠ વાર્ષિક રૂ.૬૫૦૦ બીમારી પાછળ ખર્ચે છે જેમાં ગંદકીને કારણે થતાં ઘણાં રોગો જવાબદાર છે તો વિચારો કે માત્ર ગંદકી દૂર કરવા થી આટલો મોટો આરોગ્ય તેમજ આર્થિક લાભ થતો હોય તો એ નાણાં આપણે દેશના વિકાસમાં ઉપયોગ કરી શકીએ .

અરે દુનિયાના તમામ ધર્મમાં સ્વચ્છતા, સફાઈ, ચોખ્ખાઈનું સ્થાન ટોચ પર છે તો પછી ગંદકી દૂર કરી અને સ્વછતા શા માટે ના અપનાવીએ ?

આપણે જયારે વિદેશ પ્રવાસે જઈએ છીએ ત્યારે અનેક બાબતોની સાથે ઉડીને આંખે વળગે તેવી બાબત છે ત્યાંની સ્વચ્છતા. જયારે પ્રવાસમાંથી પરત ફરીએ ત્યારે ત્યાંની ચોખ્ખાઈ અને ડીસીપ્લીનની વાતો કરતાં ધરાતાં નથી.ખરેખર સ્વચ્છતા એ કોઈ એક વ્યકિત, એક સંસ્થા કે સરકાર ન રાખી શકે તેના માટે તો સમગ્ર દેશના એકસો ત્રીસ કરોડ લોકોએ સ્વચ્છતાની તરફ એક પ્રમાણિકતાપૂર્વક ડગલું માંડવું પડે... આપોઆપ દેશ સ્વચ્છ થઈ જાય.

ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા અટકાવવા ઘરે ઘરે શૌચાલય અને શહેરી વિસ્તારમાં સફાઈ....આ તો થઇ સરકારની કામગીરી.

સરકારે આ સ્વચ્છતા અભિયાન માટે શું કર્યું તેના આંકડાઓ કે કામના લેખાજોખા કરવાં કરતાં દરેક નાગરિકે પોતાના આત્માને પૂછવું જોઈએ કે મારા દેશના આ મિશન માટે મેં શું કર્યું?

કેટલીક બાબતો જે કોઈ પણ વર્ગની,કોઈ પણ ઉંમરની,કોઈ પણ જાતિની વ્યકિત સ્વચ્છતા માટે કરી શકે..

સ્વચ્છતા સહુને ગમે છે પણ, બીજા રાખે તો!! ખરેખર તો આ અભિયાનની શરૂઆત સ્વયંથી થવી જોઈએ અને પરિવાર, શેરી, પોતાનું કાર્યસ્થળ, ગામ અને સમગ્ર દેશ સુધી વિસ્તરવી જોઈએ.

ભારત દેશના એક પ્રામાણિક નાગરિક તરીકે દરેક લોકોએ સ્વચ્છતાના આત્મશપથ લેવાં જોઈએ.

આ અભિયાન અંતર્ગત દરેક નાગરિકને આખા વર્ષના માત્ર સો કલાક સ્વચ્છતા માટે આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એટલે કે અઠવાડિયાના માત્ર બે કલાક. શું આપણે આખા અઠવાડિયામાં માત્ર બે કલાક ન આપી શકીએ! જે માત્ર દેશ માટે નહીં પરંતુ એક નાગરિક તરીકેની આપણી ફરજ અને આત્મસંતોષ માટે તો હોઇ શકે ને !

એવું નથી કે લોકોને આ અભિયાનની કોઈ અસર જ નથી થઈ. આજે પહેલાના સમય કરતાં જાગૃતિ તો આવી જ છે પરંતુ તેનું પ્રમાણ નહિવત છે. તેની પાછળનું કારણ છે આપણી માનસિકતા.પોતાના ઘર સિવાય અન્ય કોઈપણ જગ્યાએ સ્વેચ્છાએ સ્વચ્છતા રાખવા આપણે સદીઓથી ટેવાયેલાં નથી.

કયારેક આપણા ગામ કે શહેરની લેન્ડ ફીલ સાઇટ(કચરો નાખવાની નિયત કરેલી જગ્યા) ની મુલાકાત લેવામાં આવે તો અંદાજ આવે કે આપણે કરેલા કચરાને કારણે જે તે વિસ્તારની આસપાસના ગામોની, લોકોની પરિસ્થિતિ કેટલી ભયંકર અને દયનીય હોય છે. આ વિષય પર આખો લેખ લખી શકાય જેથી મૂળ વાત પર આવીએ તો, સરકાર અને સરકારી અધિકારીથી શરૂ કરી અને સફાઈ કર્મચારી પોતાની ફરજ પોતાની સમજ, લાગણી કે દબાણથી જે રીતે નિભાવે છે તેમાં ધારો કે સરકાર નેવું મિલિયન શૌચાલય બનાવવાનો ટાર્ગેટ રાખે પણ તે શૌચાલયનો લોકો ઉપયોગ જ ન કરે તો તેનો શું અર્થ? સરકાર ભીનો અને સૂકો કચરો અલગ રાખવા આપણને ફરજ પાડે પણ આપણને કોઈ ફરક જ ન પડે તેનો શું અર્થ?

૨૦૦૧માં ટોટલ સેનિટેશન અને ૨૦૧૨માં નિર્મલ ભારત અભિયાન તરીકે ચાલતી આ મહાઝુંબેશ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશન તરીકે એક ડગલું આગળ વધે પરંતુ જયાં સુધી એક એક નાગરિક સ્વયં શિસ્તથી હૃદયપૂર્વક તેમાં નહીં જોડાય ત્યાં સુધી આ ક્રાંતિની મશાલમાં પ્રાણ નહીં ફૂંકાય.

દરેક સમસ્યાની સાથે તેના ઉકેલ પણ હોય જ છે. કેટલાંક એવાં ઉપાયો જે કોઈ પણ વ્યકિત ખૂબ સરળતાથી કરી શકે તે જોઈએ તો,

(૧) જાહેર રસ્તા પર કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે કચરાંટોપલીમાં જ નાખીએ અને કચરા ટોપલી ન મળે તો કચરો એક બેગમાં એકત્ર કરી અને જયાં ડસ્ટબીન હોય ત્યાં જ નાખીએ.

(૨) જાહેરમાં રસ્તા પર અને જાહેર સ્થળોએ થુકવું, પાનની પિચકારીઓ મારવી, નાક સાફ કરવું જેવી ગંદકી સ્વયં શિસ્તથી ન જ કરીએ.

(૩) ખુલ્લામાં શૌચક્રિયા ન જ કરીએ.

(૪) પોતાના ઘરના કચરા માટે આખા કુટુંબ સાથે એક બેઠક કરી અને નક્કી કરવામાં આવે કે જે વસ્તુને આપણે કચરો ગણી અને કચરા ટોપલીમાં પધરાવીએ છીએ તેના વિશે થોડો વિચાર કરવામાં આવે અને તેમાંથી ફરીથી વાપરી શકાય તેવી (રિયુઝેબલ) અથવા જેની પ્રોસેસ કરી અને ફરીથી વાપરી શકાય (રિસાયકલેબલ) તેવી વસ્તુઓને અલગ પાડવી. જેમકે, બને ત્યાં સુધી ખરીદી કરવા માટે કાપડની થેલી જ વાપરવી (આપણા જ દેશનું રાજય છે સિક્કિમ જયાં પ્લાસ્ટિક વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તે આખું રાજય ઓર્ગેનિક ખેતી જ કરે છે) આપણાં જ દેશમાં જયારે ઉદાહરણ મોજુદ હોય ત્યારે બીજા દેશો તરફ જોવાની જરૂર જ નથી.

(૫) કાગળના ડૂચાં કે ટુકડા કરીને ફેંકવાને બદલે તેમાંથી શકય તેટલા પસ્તીમાં આપી શકાય.

(૬) પ્લાસ્ટિકની થેલીને ફરી વાપરી શકાય અને ન વાપરી શકાય તેવાં પ્લાસ્ટિકને ભંગારમાં આપી શકાય ભલેને કાઈ પૈસા ન મળે પણ તેનું રિપ્રોસેસિંગ તો થઈ શકેને!

(૭) બહેનો પોતાની સગવડતા માટે એંઠવાડ કે અન્ય વસ્તુઓ પ્લાસ્ટિકની બેગમાં વીંટીને કચરા ટોપલીમાં પધરાવે છે ત્યારે તેમને કેમ યાદ નથી આવતું કે એંઠવાડ ખાવા માટે જાનવરો કોથળી પણ ખાઈ જતાં હોય છે અને મૃત્યુ પામે છે.

(૮)  ભીના કચરામાંથી બહુ સામાન્ય પ્રક્રિયાથી કોઈપણ પ્રકારની ગંદકી વગર ખાતર બનાવી શકાય છે.જે ઘરમાં એક પણ કુંડું ન હોય તો પણ આ મિશનના ભાગરૂપે દરેક નાગરિકે આપનાવવું જ જોઈએ.

(૯) જાહેર બગીચામાં ઊજાણી કરી અને પ્લાસ્ટિકના વાસણો અને બોટલ્સના ઢગલા કરતાં લોકોને બીજે દિવસે સવારે એ જ ગાર્ડનમાં ચાલવા આવનાર માટે કેવાં શાપરૂપ બને છે તેનો અંદાજ જ કયાંથી હોય?

વાસણ સાફ ન કરવાની અને સગવડતા વધારવાની વૃત્તિ આપણને આવનારા અંધકારમય ભવિષ્યના ભણકારા સાંભળવા દેતી નથી.

(૧૦) પ્લાસ્ટિકની બોટલ્સમાં અને તૈયાર વોટરજગના પાણી પીવાને ફેશન માનનારા લોકો કયારેક બોટલ પ્લાન્ટની અચાનક મુલાકાત લે તો જ તેને ભયાનકતાનો અહેસાસ થાય.

(૧૧)  જાહેર સમારંભમાં દેખાદેખીને કારણે લાખોનો ધુમાડો કરનારને વેડફાતા અનાજ અને ગંદકીની ચિંતા કેમ નહીં થતી હોય?

(૧૨)  આપણા ઘરના કચરાને એક પ્લાનિંગ અને સમજ સાથે જો યોગ્ય નિકાલ કરીશું તો પચાસ ટકા કચરો ઘટાડી શકીશું.

ઉપાયો એવાં છે જેની દરેક વ્યકિતને જાણકારી છે પણ જરૂર છે સ્વયં જાગૃત થવાની જરૂર છે એક પહેલની, જરૂર છે અમલવારીની.

ઘરમાંથી માતાપિતા અને શાળામાંથી શિક્ષકો બાળકોને સ્વચ્છતાના પાઠ સાથે આ ઉપાયો શીખવી શકે.

દરેક કાર્યસ્થળ પર માલિક અને કામ કરનાર આ તમામ વાતો યાદ રાખે તો કદાચ દેશ આખો સ્વચ્છાગ્રહી બની શકે.

રજી ઓકટોબર ૨૦૧૪ના રોજ વિવિધ ક્ષેત્રના ૯ લોકોને મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અને સમગ્ર દેશને એવી અપીલ કરવામાં આવેલી કે ,આ નવની ચેઇન આગળ વધતી જાય અને આખો દેશ તેમાં જોડાય.જેમ પૂ.બાપુના સત્યાગ્રહમાં જોડાનાર સત્યાગ્રહી કહેવાયા સ્વચ્છતા મિશનમાં જોડાનાર સ્વચ્છાગ્રહી કહેવાયાં.

સ્વચ્છ ભારત મિશન એ માત્ર મત મેળવવા ના રાજકારણની યોજના નથી. આ એક ક્રાંતિનું વિચારબીજ છે જે મોદીજી એ વાવ્યું છે એક દિવસ એ વટ વૃક્ષ બનશે અને જેમ સ્વચ્છતાને ગાંધીજીના નામની સાથે જોડવામાં આવે છે એમ ભવિષ્યમાં સ્વચ્છ ભારતના પ્રણેતા તરીકે આવનારી પેઢી આપણા વડાપ્રધાન મોદીજીને યાદ રાખશે.

દેશના અનેક લોકો, સંસ્થાઓ, એન.જી.ઓ વગેરે આ મિશનમાં જોડાયા તેમાં એક કિસ્સો બહુ પ્રેરણાદાયી બન્યો છે.

છત્ત્।ીસગઢ રાજયના ધામતારી જિલ્લાના કુંવરબાઈ યાદવ (ઉ.વ.૧૦૬) ૨૦૧૬માં પોતાની ૭ બકરીઓને વેચીને પોતાના ઘરમાં શૌચાલય બનાવવા પૈસા આપ્યા હતાં.

જેમને 'માસ્કોટ ઓફ કેમ્પેઇન' નું બિરૂદ આપી અને ખુદ પ્રધાનમંત્રીશ્રીએ તેમની મુલાકાત લીધી હતી. ચેન્નાઈની મેકર કોમ્યુનિટીએ સફાઈ માટે રોબોટ બનાવી અને તેને સ્વચ્છબોટ નામ આપ્યું.

લાખો લોકો પ્રેરાયા છે, આ અભિયાનમાં જોડાયા છે પરંતુ કરોડો એવાં છે જેમને આ મિશન પોતાનું હજુ લાગતું નથી.

પ્રદુષણની સમસ્યા એટલી વિકરાળ અને ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકી છે જે આપણે અનુભવી રહ્યા છીએ અને પરિણામ ભોગવી રહ્યા છીએ. તેમ છતાં અફસોસ કે આપણે હજુ પણ આપણે એ સમસ્યા ને ઉકેલવામાં સહયોગ આપવા ને બદલે સ્વચ્છ ભારત મિશનની ટીકા ટીપ્પણીમાંથી બહાર નથી આવતા પણ જે આપણે નથી વિચારી શકયા એવો ભારતના ભવિષ્ય માટેનો એક ક્રાંતિકારી વિચાર આપણા વડાપ્રધાનશ્રીને આવ્યો અને અને એક મિશન આપી શ્રી મોદીજી તો પોતાની રાષ્ટ્ર પરમોધર્મની ફરજ બજાવી . હવે આ મિશનને સંપૂર્ણ સફળ બનાવવાની જવાબદારી આપણી બને છે . આપણે ઘણા મહાનુભાવોના નામે 'એક શામ ... કે નામ' તો માનવીય છીએ . તો શું એક શામ સ્વચ્છતા કે નામ ન મનાવી શકીએ ! એક સાંજે શેરી, ગલી , સોસાયટી ના તમામ લોકો પોતાના વિસ્તારમાં સ્વેચ્છાએ સ્વચ્છતા માટે નીકળીએ અને તમામ કચરો સાફ કરીયે તો?

ચાલો આજ થી એક સંકલ્પ લઈએ કે હું પણ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે અને આપણી આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે આ ક્રાંતિકારી અભિયાનનો ભાગ બનીશ.

આપણને ૨૦૦ વર્ષની ગુલામીમાંથી મુકિત અપાવનારા પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે.

ચાલો ,આપણે પણ આજે જ શપથ લઈએ , સ્વચ્છાગ્રહી બનીએ અને ભારત દેશને વધુ એક ઊંચાઈ પર લઈ જતાં સ્વપ્નને સાકાર કરીએ..

એક ડગલું સ્વચ્છતા તરફ....

:: આલેખન ::

અમી દલાલ દોશી

મો. ૯૮૨૫૯ ૭૧૩૬૩

ઈમેઈલ : adoshi480@gmail.com

(1:32 pm IST)