Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રાજમાર્ગો ઉપરથી ગેરકાયદે દબાણો દુર કરવા તંત્ર તુટી પડશે

બજારોમાં ફોર વ્હીલ નો - એન્ટ્રી - રેકડી - ફેરીયાઓ માટે ટાઇમ ઝોન - નો પાર્કિંગમાં વાહનોને દંડ સહિતના કડક પગલાઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી રોડ - સેફટી મીટીંગમાં લેવાયેલા મહત્વના નિર્ણયો

રાજકોટ તા.૨૭: રાજકોટ શહેરમા ટ્રાફિક સમસ્યા હલ કરવાના ભાગરુપે મુખ્ય બાર રાજમાર્ગો પર ફેરિયાઓ તેમજ દબાણકર્તાઓને દૂર કરવા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાશે. નો ર્પાકિંગ વિસ્તારમાં અનઅધિકૃત રીતે પાર્ક થયેલા વાહનો પર દંડની કાર્યવાહી સઘન કરાશે તેમજ પે એન્ડ પાર્ક જગ્યાઓનો ઉપયોગ કરવા પ્રચાર પ્રસાર કરાશે. લોકોને ટ્રાફિક નિયમન સુવિધા માટે રોડ પર સાઇન બોર્ડ વાંચી શકાય તે મુજબ મોટી સાઈઝના સાઇનબોર્ડ મુકાશે.જૂના રાજકોટ શહેરમાં વિવિધ બજારમાં થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વિવિધ વેપારી સંગઠનો દ્વારા ટ્રાફિક પોલીસ અને મહાનગરપલિકાના અધિકારીઓ વચ્ચે થયેલ મિટિંગ મુજબ વિવિધ સૂચનો જારી કરવામાં આવ્યા છે. હાલમાં અહીં ફોર વ્હીલર્સને નો એન્ટ્રી, માત્ર ટુ-વ્હીલર્સ તેમજ અશકત અને મહિલાઓ માટે એન્ટ્રી આપવામાં આવશે. અનધિકૃત લારી ગલ્લાઓ દૂર કરાશે. વેપારીઓ માટે માલ-સામાન માટે ચોક્કસ સમયે જ એન્ટ્રી આપવામાં આવશે. વન-વે રસ્તાઓનુ ચુસ્તપણે પાલન કરાવાશે. આ ઉપરાંત અનેક સૂચનો પર ટૂંક સમયમાં અમલવારી હાથ ધરવામાં આવશે.

પોલીસ કમિશ્નરશ્રીએ ઓટો ડીલર દ્વારા ટુ વ્હીલર વેચાણ સાથે હેલ્મેટ ફરજિયાત આપવા કડક પાલન થાય તે માટે આદેશ આપ્યો હતો. પ્રદુષણ નિવારણના ભાગ રૂપે ડીઝલ રીક્ષાઓ શહેરમાંથી દૂર થાય તે માટે સઘન ઝૂંબેશ હાથ ધરાઈ હતી જેમાં ૯૧ કેસ કરાયા છે તેમજ ૧૩ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું આર.ટી.ઓ.ના અધિકારીએ જણાવ્યું હતું. ઓટો રિક્ષા ચલાવવા માટે થ્રી વીલર લાયસન્સ અથવા એલ.એમ.વી. લાયસન્સ હોવું જરૂરી હોવાનું પણ આર.ટી.ઓ અધિકારીએ જણાવ્યું હતું. રાજકોટની ૯ આઈ.ટી.આઈ.માં ર્લનિંગ લાયસન્સ મળી શકશે.આ  પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, ડીસીપી  મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક પોલીસશ્રી ભરત ચાવડા,  મહાનગરપાલિકા, આર.ટી.ઓ, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, મેડિકલ, એસ.ટી., માહિતી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:55 pm IST)