Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

જંગલેશ્વર કવાર્ટરમાંથી બુટલેગર લાલા અને અમઝદનો ૪૮ હજારનો દારૂ કબ્જે

ભકિતનગરના કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દરોડોઃ સરફરાઝ ઉર્ફ લાલો અગાઉ પાસામાં પણ જઇ આવ્યો છે

રાજકોટ તા. ૨૮: ભકિતનગર પોલીસે જંગલેશ્વર આરએમસી કવાર્ટર બી-૮/૮૫માં  રહેતાં બુટલેગર સરફરાજ ઉર્ફ લાલો ગફારભાઇ ચોૈહાણના ઘરમાં દરોડો પાડી રૂ. ૪૮ હજારનો ૯૬ બોટલ દારૂ કબ્જે લીધો છે. સરફરાજ અને સાથેનો અમઝદ ઉર્ફ રાણો ભાગી ગયા હોઇ બંનેની શોધખોળ થઇ રહી છે.

ભકિતનગર ડી. સ્ટાફના કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી ચોક્કસ બાતમી પરથી  દરોડો પાડવામાં આવ્યો હતો. કવાર્ટરમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. પણ સરફરાજ કે અમઝદ હાથ લાગ્યા નહોતાં. સરફરાજ ઉર્ફ લાલો અગાઉ પણ અનેક વખત દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે અને પાસામાં પણ જઇ આવ્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજાએ દારૂના ધંધાર્થીઓ સામે આકરી કાર્યવાહી કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં  હેડકોન્સ. પ્રતાપસિંહ રાણા, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કવાર્ટર પાસે પહોંચી ત્યારે સરફરાજ અને અમઝદ તાળુ મારતાં હોઇ પોલીસને જોઇ બંને ભાગી ગયા હતાં. બાદમાં કવાર્ટરમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળ્યો હતો.

(3:19 pm IST)