Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મોચી બજારમાં ડીપોઝીટના પૈસા બાબતે ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઇ શેખ પર હૂમલો

સમીર નાગોરી, મોહસીન સહિત પાંચ સામે ગુનોઃ ખોટા કેસમાં સંડોવી દેવાની પણ પોલીસ કમિશનરને વળતી રજૂઆત

રાજકોટ તા. ર૮ :.. મોચી બજાર સિધ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં રઝવી માનવ કલ્યાણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પાસે ડીપોઝીટના પૈસા બાબતે પાંચ શખ્સોએ માર મારી ધમકી આપતા ફરીયાદ થઇ છે. જયારે સામા પક્ષે ખોટા કેસમાં સંડોવી દેવાની પણ પોલીસ કમિશનરને વળતી રજૂઆત થઇ છે.

મળતી વિગત મુજબ મોચી બજાર મમરાવાલા ચેમ્બર બ્લોક નં. ર૦૧ માં રહેતા આસીફભાઇ મયુદીનભાઇ શેખ (ઉ.૪ર) એ એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રામનાથપરા શેરી નં. ૪ માં રહેતા સમીર રફીકભાઇ નાગોરી, મોહસીન તથા ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. આસીફભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે મોચી બજાર સિધ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં દુકાન નં. ર૧૬ માં  રઝવી માનવ કલ્યાણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ નામે સંસ્થા ચલાવે છે. આ ટ્રસ્ટ ર૦૧૯ માં શરૂ કરેલ તેમાં ગરીબ લોકોને રાહતદરે અનાજ વિતરણનું કામ કરે છે. આ ટ્રસ્ટમાં પોતે પ્રમુખ છે. અને તેમાં અલગ-અલગ ૧ર વ્યકિતઓને પોતાના ટ્રસ્ટમાંથી ફ્રેન્ચાઇસી આપી હતી. અને તમામ ૧ર જણાએ ડીપોઝીટ પેટે રૂ. ૧-૧ લાખના ચેક આપ્યા હતાં. અને લોકડાઉન દરમિયાન મંદીના હિસાબે ટ્રસ્ટનું કામ બંધ હોવાના કારણે તમામ ૧ર પોતાની ફ્રેન્ચાઇસી મુકી દીધી હતી તે પેટે પોતે ડીપોઝીટના એક - એક લાખના ચેક તમામને આપી દીધા હતાં. હાલમાં પોતાના ખાતામાં બેલેન્સ ન હોઇ આ લોકોને ચેક ખાતામાં ન નાખવા જણાવેલ અને ટ્રસ્ટના ફ્રેન્ચાઇસી ધારકોને પોતાની ઓફીસે બોલાવ્યા હતા તે દરમ્યાન ત્રણ દિવસ પહેલા ટ્રસ્ટના ફ્રેન્ચાઇસી ધારક સમીર રફીકભાઇ નાગોરી પોતાની ઓફીસે આવેલ અને કહેલું કે 'તું મારા રૂપિયા એક લાખ પાછા આપી દે જે નહીતર તારા આંતરડા બહાર કાઢી નાખીશ' અને તને મારી નાખીશ અને પોલીસ ફરીયાદ કરતો નહી કહી ગાળો બોલવા લાગેલ ત્યારે પોતાની પત્ની, સાળો અને મિત્ર સલીમ પણ ઓફીસમાં હતા સમીરએ ફોન કરતા તેના ચાર મિત્રો પણ આવી ગયા હતા. જેમાં એકનું નામ મોહસીન હતું. અને ત્રણ અજાણ્યા હતા. ચારેએ ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદ પોતાને લાગી આવતા પોતે જયુબેલી ગાર્ડન પાસે ફીનાઇલથી લીધુ હતુ઼. આ બનાવ અંગે પોતે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ  નોંધાવતા હેડ કોન્સ. આર. એલ. વાઘેલાએ તપાસ આદરી છે.

જયારે આ પ્રકરણમાં સામા પક્ષે ટ્રસ્ટના બાર ફ્રેન્ચાઇસી ધારકોએ પોલીસ કમિશનરને ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઇ શેખ વિરૂધ્ધ વળતી રજુઆત કરી છે. બાર ફ્રેન્ચાઇસી ધારકોમાં નગ્માબેન સમા, અંજુબેન મુંધવા, સાદીનાબેન બેલીમ, તોફીકભાઇ સુમરા, સમીરભાઇ નાગોરી, ઇશુબભાઇ ટીંબડીયા, અજીતભાઇ સુમરા, સલીમભાઇ મીરા, રમેશભાઇ, યુનુશભાઇ અને આબીદભાઇ પઠાણે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તમામ મહેનત મજુરી કરી પરિવારનું ગુજરાત ચલાવીએ છીએ. રઝવી માનવ કલ્યાણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઇ મયનુદ્દીનભાઇ શેખ તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ગરીબ, મધ્યમ વર્ગના લોકો માટે રાહત દરે અનાજની કીટ વિતરણની યોજના ચલાવવામાં આવતી હોઇ અને અમને આ ટ્રસ્ટમાં જોડાઇ પૈસા કમાવવાની લાલચ આપી એક-એક લાખ ડીપોઝીટ પેટે લઇ ટ્રસ્ટમાં ફ્રેન્ચાઇઝી આપી હતી. બાદ પ્રમુખ અને અન્ય ટ્રસ્ટીઓની દાનત બગડતા અમારી વચ્ચે થયેલ એગ્રીમેન્ટ મુજબ વ્યવહાર કરતા ન હોય જેથી એગ્રીમેન્ટ મુજબ ફેન્ચાઇસી પરત કરતા ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઇએ એક-એક લાખના ચેક આપ્યા હતા. ચેક વટાવતા પહેલા પ્રમુખ આસીફભાઇને મળતા તેના પત્ની રઝીયાબેન તમામને ગાળો આપી મારવા દોડેલ અને ખોટા પોલીસ કેસોમાં ફસાવી દેવાની અને બીજીવાર પૈસા માટે આવશો તો ટાંટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે. આથી આ ટ્રસ્ટના પ્રમુખ તેની પત્ની અને અન્ય ટ્રસ્ટીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવાયું છે.

(3:44 pm IST)