Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શિક્ષણ સમિતિની શાળાઓ સીસીટીવીથી સજ્જ થશે : બોર્ડ મીટીંગ યોજાઇ

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજરોજ તા. ર૭ ની બોર્ડ બેઠકમાં સૌપ્રથમ ગત સભાની કાર્યવાહી વંચાણ લઇ જરૂરી ચર્ચા કરવામાં આવેલ અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને  વાઇસ ચેરેમન ભારતીબેન રાવલે કોરોના મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા ફિલ્ડ વર્કમાં જોડાયેલ કર્મચારીઓ માટે આકસ્મિક ખર્ચમાં સેનિટાઇઝર ખરીદ કરેલ જે ખર્ચને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. આજરોજ રજુ કરાયેલ એજન્ડામાં બજેટની જોગવાઇઓ મુજબ વિવિધ ખર્ચની બહાલી માટે વાર્ષિક રમોત્સવ, તિરંગા યાત્રા રેલી, અંગ્રેજી માધ્યમ શાળાઓને ગ્રાન્ટ ફાળવણી, તમામ શાળાઓને થર્મલ ગન ફાળવણી તેમજ શાળાઓને સીસીટીવી કેમેરાથી સુસજ્જ બનાવવી જેવા ખર્ચને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. તેમજ વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટની કચેરી માટે અને સમિતિ હસ્તકની શાળાઓ માટે જરૂરી સ્ટેશનરી છાપકામ-ખરીદી માટેના કામને ટેન્ડર પ્રક્રિયાથી કરવા મંજુરી આપવામાં આવેલ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજની બેઠકમાં અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઠાકુર અને ઉપાધ્યક્ષ ભારતીબેન રાવલના સંવેદનશીલ સ્વભાવથી શાળાઓમાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષકો માટે અતિ મહત્વપૂર્ણ ઠરાવને સર્વાનુમતે બહાલી મળેલ જેમાં દિવ્યાંગ શિક્ષકોને શાળાના સિનયોરીટી મુજબના આચાર્યના ચાર્જમાંથી મુકતી આપવામાં આવશે. આજરોજ શિક્ષણ સમિતિની બોર્ડ મીટીંગમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્યશ્રી કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, જગદિશભાઇ ભોજાણી, ભાવેશ દેથરીયા, કિરણબેન માંકડીયા, ગૌરવીબેન ધ્રુવ, અલ્કાબેન કામદાર, વિરજભાઇ મુંગરા, રહિમભાઇ સોરા, રાજેશભાઇ ત્રિવેદી, મુકેશભાઇ ચાવડા, શરદભાઇ તલસાણીયા અને શાસનાધિકારી કિરીટસિંહ પરમાર ઉપસ્થિત રહેલ.

(3:13 pm IST)