Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

છાતીમાં દુઃખાવો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર હતું છતાં કોરોના સામે જીત્યા પ્રવિણભાઇ કવા

સિવિલ અને સમરસ કેર સેન્ટરની સારવારને કારણે સ્વસ્થ થયાનો હરખ વ્યકત કર્યો

રાજકોટ : સિવિલ હોસ્પિટલ અને સમરસ કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવ્યા બાદ કોરોનાને પરાસ્ત કરી સ્વગૃહે પરત ફરનારા ૬૩ વર્ષીય પ્રવીણભાઈએ પોતાનાં અનુભવોનું વર્ણાવતા જણાવ્યું હતું કે, 'મને ૮ વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસ છે. ૧૫ દિવસ પૂર્વે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તાવના લક્ષણો દેખાયા એટલે અન્ય દવાઓ લઈને સમય વ્યર્થ કરવા કરતા તુરંત જ કોરોનાનો રિપોર્ટ કરાવતા મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.'

પ્રવિણભાઈને મળેલી સારવાર વિશે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, 'સૌપ્રથમ ચાર દિવસ સુધી મને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને પછી સમરસ ખાતે દાખલ થયો.

પરંતુ પછી છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી એટલે ફરી સિવિલ ખાતે દાખલ થયો.

સિવિલ હોસ્પિટલ અને સમરસ કેર સેન્ટર ખાતે કાર્યરત આરોગ્યકર્મીઓની કર્તવ્યનિષ્ઠ કામગીરી અને લાગણીસભર વ્યવહારને કારણે મારા જેવાં દર્દીઓને હૂંફ અને સકારાત્મક ઊર્જા મળી રહે છે જે અમને સ્વસ્થતા બક્ષવામાં મદદરૂપ થાય છે.'

આજે કોરોના સામે જંગ જીતી પોતાનાં ઘરે પરત ફરનારા પ્રવીણભાઈ જેવાં અનેક વડીલો આ મહામારીમાં સકારાત્મકતા, સજાગતા અને સંવેદનશીલતા જેવાં ગુણોના સથવારે સતત સેવારત કોરોના વોરિયર્સનો હૃદયપૂર્વક આભાર માની તેમને લાખ લાખ આશીર્વાદ આપી રહ્યાં છે.

(12:51 pm IST)