Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભજન કિર્તનના સથવારે હોમ આઇસોલેશનમાં કોરોના મુકત થયેલા રમેશભાઇ કહે છે-દર્દીને નહિ, ડોકટરને સાથ આપો

રાજકોટ,તા. ૨૮: 'માણસ શરીરથી નબળો કે સબળો સાબિત નથી થતો, મનથી થાય છે. એટલે કોરોનાથી ખોટા ડરો નહીં, હું બધાને વિનંતી કરીશ કે દર્દ ને નહીં ડોકટરને સાથ આપો' આ સુંદર શબ્દો છે હોમ આઇસોલેશનમાં ભજન-કીર્તનના સથવારે કોરોનાને મ્હાત આપતા ૬૧ વર્ષીય રમેશભાઈ ગોહિલના...,

કોરોનાના સંક્ર્મણને ફેલાતું અટકાવવા માટે કાર્યરત ધન્વંતરિ રથ રમેશભાઈના વિસ્તારમાં આવ્યો, ત્યાં ટેસ્ટ કરાવતા રમેશનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો માટે તેમણે હોમ આઇસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું. પોતાના હોમ આઇસોલેશનમાં ભજન-કીર્તનની આધ્યાત્મિક પ્રવૃત્ત્િ।ઓ વિશે વાત કરતા રમેશભાઈ જણાવે છે કે, 'સામાન્ય માણસમાં અને મકકમ મનોબળવાળા માણસમાં ફરક માત્ર વિલપાવરનો જ હોય છે. એક તરત જ ગભરાઈ જાય છે, બીજો અડીખમ ઉભો રહે છે. હવે આઇસોલેશનના આ ૧૪ દીવસમાં ચિંતા કરવા કરતા મેં ચિંતન કરવાનું વિચાર્યું. આ વિચારની સાથે કોરોનાના પરીઘમાંથી બહાર આવીને હું ભજન-કીર્તનમાં પ્રવુત થયો, અને રામકથાનું વાંચન, ચિંતન અને મનન શરુ કર્યું. સવાર અને સાંજ હનુમાન ચાલીસા, શિવ ચાલીસા વગેરે નું હું પઠન કરતો રહેતો.

તુલસીદાસજીના શબ્દોને ખપમાં લઇ ને કહું તો સાહિત્ય અને શ્રદ્ઘા આ સમયના મારા સાચા સખા બની રહ્યા, અને તેમાં મને સહકાર મળ્યો ધન્વંતરિ રથ અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરનો....હું મારા આ સ્વાનુભવ પરથી હું બધાને એટલે જરૂર કહીશ કે ટેસ્ટથી ડરવાની જરૂર નથી અત્યારે આરોગ્યકર્મીઓ આપણા માટે રાત-દિવસ કાર્ય કરે છે તો આપણે તેમને સહકાર આપવો જોઈએ.'

(12:50 pm IST)