Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

રૂ.૬ હજારની લોન લ્યો... ૭ દિવસમાં રૂ.૮,૧૨૦ ભરવાના

અજાણી ઓનલાઈન ફાઈનાન્સ કંપનીઓએ ગજબનાકના કારનામા શરૂ કર્યા : એપ્લીકેશનમાં તમારૂ આધારકાર્ડ આપવાનું, એટલે તમારા ખાતામાં ૬ હજાર જમા થઈ જાય, સાત દિવસ બાદ રૂ.૮,૧૨૦ ઓનલાઈન જ ભરી દેવાના, ન ભરો તો રોજના રૂ.૧૯૪ પેનલ્ટી લાગેઃ આવી લોન લેતા હજાર વાર વિચારજો

રાજકોટ,તા.૨૭: હાલ્લો, હુ ફલાણા- ફલાણા કંપનીમાંથી બોલું છું. તમને ૨૫ લાખની લોન મળી છે. બસ તમારે તમારા ખાતા નંબર સાથે ૧૫ હજાર અને ભરી દેવાના જે પ્રોસેસીંગ ફી ના હોય છે. બાકીની બધી ડિટેલ્સ અમે ભરી દેશું તમને ઓટીપી નંબર આવે એ અમને કહો એટલે તમારા ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ માત્ર બે દિવસમાં તમારી લોન મંજુર થઈ તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આવા રોજબરોજ અસંખ્ય લોકોને મોબાઈલ ઉપર ફોન આવતા હોય છે. બિચારા નાના માણસો જરૂરીયાતને લીધે લોભાય જતા હોય છે અને પાછળથી ભારે પસ્તાવો કરતાં હોય છે. વિવિધ રાજયોમાંથી આવા ફોન આવતા હોય છે. પરંતુ હવે કેટલીક બેઠેલી ફાઈનાન્સ કંપનીઓ દ્વારા નવા નવા ગોરખધંધા શરૂ કરાયાનું પણ ચર્ચાય રહ્યું છે.

લોકોમાં એવી ચર્ચા છે કે રાજકોટમાં બિનસત્તાવર રીતે ૬ થી ૮ ફાઈનાન્સ કંપનીઓ શરૂ થઈ છે. જેમાં તમને ઓનલાઈન એપ્લીકેશન મળે આ એપ્લીકેશમાં તમારે તમારૂ આધારકાર્ડ આપી દેવાનું જે રજૂ કરે એટલે તમારા ખાતામાં રૂ.૬ હજાર જમા થઈ જાય.

સાત દિવસ બાદ તમારે ઓનલાઈન રૂ.૮,૧૨૦ ભરવાના ૬ હજારની લોનમાં પ્રોસેસીંગ ચાર્જ રૂ.૧૭૯, જીએસબી રૂ.૩૨૩ અને વ્યાજ રૂ.૪૪ રહેશે. તેમ જણાવાય છે અને જો તમે સાત દિવસમાં પુરતું પેમેન્ટ ન  ભરો તો દરરોજની રૂ.૧૯૪ વધારાની વ્યાજ રોજનું ભરવું પડશે આથી આવી લોન લેતા પહેલા તમામ શરતો વાંચી જવી અને તમારી પોતાની બેંકમાંથી માર્ગદર્શન મેળવવું ખૂબ જ હિતાવહ છે.

આ એપ્લીકેશનમાં આર.બી.આઈ.ના નિયમોનો કોઈ ઉલ્લેખ જ નથી. સામાન્ય સંજોગોમાં આર.બી.આઈ.ના તમામ નિયમોનો નામ સહિત ઉલ્લેખ કરવો જરૂરી હોય છે.

લોકોએ આવા ફ્રોડ કેસોથી સાવચેત  રહેવું જરૂરી છે. જરૂરીયાતવાળા લોકો આવા કેસોમાં લલચાઈ જતા હોય છે તો આવા કિસ્સાઓમાં લોકોએ સાવચેત રહે અને કાનુની તથા જાણકારો પાસેથી સલાહ લઈ આગળ વધવુ ખૂબ જ હિતાવહ છે.

 

(3:58 pm IST)