Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

શનિવારે ખેલૈયા રાસોત્‍સવઃ એક દિવસીય આયોજન

સુરના સંગાથે ખેલૈયાઓ ઝુમી ઉઠશે, ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવનાર બહેનોને ફ્રી એન્‍ટ્રી

રાજકોટઃ ઓકટોબરમાં આવી રહેલા નવલા નોરતાની તૈયારી જોરશોરથી થઈ રહી છે. એક તફર નવ દિવસની નવરાત્રીની ઉજવણીની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ વેલકમ નવરાત્રીનાં આયોજન પણ થઈ રહ્યા છે. આ વખતે વેલકમ નવરાત્રીમાં સૌથી શ્રેષ્‍ઠ આયોજન ખેલૈયા રાસોત્‍સવ બની રહેશે તેવું લાગી રહ્યું છે.

ખેલૈયા રાસોત્‍સવનાં આયોજક અમિતભાઈના જણાવ્‍યા અનુસાર, આ વખતે તા.૩૦મી સપ્‍ટેમ્‍બરની રઢિયાળી રાત્રે કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર પાસે સાગર ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં આવેલ ડાયમંડ પાર્ટી લોન ખાતે વેલકમ નવરાત્રી ‘ખેલૈયા રાસોત્‍સવ'નું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ વખતે સંપૂર્ણપણે પરંપરાગત એટલે કે ચણીયા ચોળી પહેરીને જે બહેનો રાસે રમવા આવે તેને વિનામૂલ્‍યે એન્‍ટ્રી આપવામાં આવશે. ભાઈઓ માટે ફી રૂા.૧૫૦ રાખેલ છે.

આ ખેલૈયા રાસોત્‍સવમાં દાંડિયા કિંગ રાહુલ મહેતા અને દાંડિયા કવીન ચાર્મી રાઠોડ જમાવટ કરશે તો એન્‍કર તરીકે તેજસ શીશાંગીયા માહોલ બનાવશે.

આ ખેલૈયા રાસોત્‍સવના આયોજનમાં અમિતભાઈ (મો.૯૭૨૩૯ ૯૯૯૯૫) ઉપરાંત રવિભાઈ, સંદીપભાઈ, મોનીલભાઈ, વિશાલભાઈ અને નીલેશભાઈ વગેરે જોડાયેલા છે. વેન્‍યુ પાર્ટનર તરીકે નીલેશભાઈ મકવાણા અને અશ્વિનભાઈ મકવાણા છે. જયારે મીડિયા પાર્ટનર તરીકે વોઈસ ઓફ ડે અને ગુજરાત મિરર જોડાયેલા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)