Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજકોટ નાગરીક બેંકના ચેરમેન પદે શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેનપદે જીમ્મીભાઇ દક્ષિણીની વરણી

બેંકની એ.જી.એમ પછી ડાયરેકટરોની બેઠકમાં બંને આગેવાનો બિનહરીફ

રાજકોટઃ  તા.૨૮, રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના ચેરમેન પદે શૈલેષભાઇ ઠાકર (મો.૯૮૨૪૨ ૯૨૨૪૧) અને વાઇસ ચેરમેન પદે જીમ્મીભાઇ દક્ષિણી (મો.૯૮૨૪૨ ૧૦૪૫૧) બિનહરીફ વરાયા છે.

તાજેતરમાં બેંકની હેડ ઓફીસ, અરવિંદભાઇ મણીયાર નાગરીક સેવાલય ખાતે યોજાયેલી વાર્ષીક સાધારણ સભા બાદ તુરત બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની સભા પણ યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે જીમ્મીભાઇ દક્ષિણીના નામની દરખાસ્ત આવી હતી. જેની સામે અન્ય કોઇએ ઉમેદવારી નહિ નોંધાવતા આ બંને ડિરેકટરો સન ૨૦૨૧-૨૦૨૨ના વર્ષ માટે બિનહરીફ ચુંટાયેલા થયેલા જાહેર કરાયા હતા.

યુવા અને અગ્રણી ઉદ્યોગપતિ શૈલેષભાઇ સન ૨૦૧૧થી ડિરેકટર પદે સેવાઓ આપી રહયા છે. ગત વર્ષ દરમિયાન વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવી છે. રાજકોટ નાગરીક બેંક લી. ઉપરાંત તેઓ લઘુ બંધુ ઉદ્યોગભારતી અને અન્ય  સંસ્થાઓમાં સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે.

 જીમ્મીભાઇ દક્ષીણી પારિવારિક વ્યવસાય પી. પ્રભુદાસ એન્ડ કપનીમાં પૂર્ણપણે કાર્યરત છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં સન ૨૦૧૧થી ડિરેકટર પદે સેવાઓ આપી રહ્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ઉપરાંત તેઓ લોહાણા યુવક મંડળ અને વિવિધ સંસ્થાઓમાં સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે. બંનેને શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:03 pm IST)