Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

નકલી PSI ધાર્મિક પાબારીએ ૬ રાજયો તથા USA/UKના નાગરીકો સાથે પણ ઠગાઇ કરી'તી

ક્રાઇમ બ્રાંચ ઉપરાંત સાયબર સેલના પીએસઆઇ તરીકે ઓળખ આપી છેતરપીંડી કરતો'તોઃ ધાર્મિક ૩ દિવસના રીમાન્ડ પર

રાજકોટ, તા., ૨૮: રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ જયદીપસિંંહ પરમાર તરીકેની ઓળખ આપી જેતપુર સહીત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે છેતરપીંડી કરનાર નકલી પીએસઆઇ ધાર્મિક રસીકભાઇ પાબારી રહે. શ્રીજી કૃપા, ૯, પટેલ કોલોની, અપુર્વ રેસીડેન્સીની સામે જામનગરને રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા ૩ દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ થયો છે.

રિમાન્ડ પર રહેલ નકલી પીએસઆઇ ધાર્મિક પાબારીએ ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરીયાણા તથા અન્ય રાજયના નાગરીકો સાથે પણ છેતરપીંડી કરી હોય તે અંગે તેની સઘન પુછતાછ હાથ ધરાઇ છે. તેમજ નકલી પીએસઆઇ ધાર્મિકે અમેરીકન નાગરીકો સાથે પણ છેતરપીંડી કર્યાનું ખુલ્યું છે. જેમાં તેના પિતરાઇ મયંક બદીયાણી (રહે. દિલ્હી)ના રાજકોટ સ્થિત કોલ સેન્ટર પરથીં અમેરીકાના નાગરીકોના મોબાઇલ નંંબરો પર એક મોબાઇલ ફોન પરથી ૧૦ થી ૧પ હજાર લોકોને વોઇસ મેઇલથી રેકોર્ડીંગ મોકલતો અને તેમાં સામેથી આ વોઇસ મેઇલ સાંભળી જણાવેલ અંકો ડાયલ કરવાથી કોલ  ટ્રાન્સફર થઇ કોલ સેન્ટરમાં ફોન આવતો  તેની સાથે આઇઆરએસના અધિકારી તરીકે વાત કરી ટેક્ષ ભરવાનો બાકી છે. ટેક્ષ નહિ ભરો તો એરેસ્ટ વોરન્ટ નિકળશે. તેમ ડરાવી  તેની પાસેથી બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ટ્રાન્સફર કરાવવામાં આવતા. તેમજ અમેરીકામાં તેમનો કોઇ માણસ હતો જે ત્યાંના બેંક એકાઉન્ટમાં રૂપીયા મેળવી તેના ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી લેતો હતો.

તેવી જ રીતે દિલ્હી સ્થિત પિતરાઇ ભાઇ મયંકના કોલ સેન્ટરમાંથી યુનાઇટેડ કિંગડમ (લંડન)ના નાગરીકોને વોઇસ મેઇલથી રેકોર્ડીગ મોકલ્યા બાદ સામેથી ફોન આવતા તમારા નેશનલ ઇન્સ્યુરન્સ નંબર ઉપર ટેક્ષચોરી, મની લોન્ડરીંગ અને ડ્રગ ટ્રાફીકીંગના ફ્રોડ થયેલ છે તેમ જણાવી ઓનલાઇન બેન્ક ટ્રાન્ઝેકશન કરાવતો અને તે રૂપીયા યુકેના બેંક એકાઉન્ટમાં જમા થતા. તે એકાઉન્ટ મયંકનો એક માણસ યુકેમાં રહીને ત્યાંના બેંક એકાઉન્ટ નંબર આપતો. તેમાં રૂપીયા જમા થતા તે રૂપીયાનું રોકડમાં રૂપાંતર કરી લઇ લેતો હતો.

નકલી પીએસઆઇ ધાર્મિક પાબારી સામે મોરબી એ ડીવીઝન અને અમદાવાદ સાયબર પોલીસ મથકમાં પણ બે ગુન્હા નોંધાયેલ છે. તેમજ તીનપતી ગેઇમની કરોડોની ચીપ્સ મેળવી જેતપુર અને સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળે છેતરપીંડી કરી છે. વધુ તપાસ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અજયસિંહ ગોહીલ ચલાવી રહયા છે.

(12:01 pm IST)