Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વોર્ડ નં.૧, ૯ તથા ૧૦(પાર્ટ), ૨(પાર્ટ)માં પાણીના ધાંધીયા : લોકોમાં દેકારો

નર્મદાની એન. સી. ૩૪ પાઇપ લાઇનનો એર વાલ્વ લીકેજ થતા રૈયા ધાર ફિલ્ટર પ્લાનટ હેઠળનાં રૈયા ચોકડીથી માધાપર ચોકડી સુધીનાં ૧૫૦ ફુટ રીંગ રોડ આસપાસનાં સવારના ૫ વાગ્યાથી બપોરના ૧૨ સુધીના વિસ્તારો રહ્યા તરસ્યા

રાજકોટ,તા.૨૮: નર્મદાની એન.સી. ૩૪   પાઇપલાઇનનો એર વાલ્વ લીકેજના કારણે  રૈયાધાર ફીલ્ટર પ્લાન્ટ હેઠળના રૈયા ચોકડીથી માધાપર સુધીનાં ૧૫૦ ફુટ રીંગ રોડ આસપાસનાં વોર્ડ નં.૧,૯ તથા ૧૦(પાર્ટ),૨(પાર્ટ)નાં વિસ્તારમાં  એકા એક પાણી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં વિતરણ નહિ થતાં લોકોમાં દેકારો બોલી ગયો હતો. બપોરે ૧૨ વાગ્યા બાદના વિસ્તારોમાં ઉપરોકત વોર્ડમાં પાણી વિતરણ શરૂ કરાયું હતું.

શહેરનાં વોર્ડ નં.૧,૯ તથા ૧૦ અને ૨નાં અડધા વિસ્તારોમાં હડાળાથી પાઇપ લાઇન મારફત નર્મદાનું પાણી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જયારે કોઇ ટેકનીકલ ખામી સર્જાય તો પાણી વિતરણની સીધી અસર શહેરનાં ગાંધીગ્રામ, રૈયા રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતનાં વિસ્તારોમાં જોવા મળે છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા પ્રમાણે નર્મદા કેનાલ-૩૪ પરના એર વાલ્વના રિપેરીંગના કારણે વોર્ડ નં. ૧, ૯, ૧૦ (પાર્ટ) અને ૨(પાર્ટ)માં પાણી વિતરણમાં વિલંબ થયો હતો. રિપેરિંગ કાર્ય પૂર્ણ થઇ ચૂકયું છે અને હડાળાથી પાણી આવવાનું શરૂ થઇ જતા બપોરે ૧૨ વાગ્યા બાદ ઉપરોકત વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:35 pm IST)