Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ડો. આંબેડકરનગરમાં છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણી વિતરણ થતા મહિલાઓ વિફરીઃ માટલા ફોડયા

કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ વોર્ડ ઓફીસે ઉમટયાઃ પાણી ચોખ્ખું આપવાની માંગ

શહેરનાં વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં આંબેડકર નગર વિસ્તારનાં મહિલાઓ દ્વારા ચોખ્ખું પાણી આપવાની માંગ સાથે માટલા ફોડવામાં આવ્યા હતા. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૨૮: શહેરનાં વોર્ડ નં.૧૩માં આવેલ પછાત વિસ્તાર આંબેડકર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી દુષિત પાણીનુંં વિતરણ થતું  હોય વિસ્તારવાસીઓને પાણીની ભયંકર મુશકેલી સર્જાય રહી છે અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા યથાવત રહેતા આજે સવારે વિસ્તારની મહિલાઓએ એકત્રીત થઇ તંત્ર સામે રોષ ઠાલવી માટલા ફોડવાનો કાર્યક્રમ કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં યોજાયેલ. આ અંગે વિસ્તારવાસીઓનાં બહેનોનાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ડો.આંબેડકર નગરની બે થી ત્રણ શેરીમાં ગટરનું દુર્ગંધ મારતુ દુષિત પાણી પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભળી ગયું હોય ઉપયોગમાં લેવાય નહિ તેવુ પાણી વિતરણ થઇ રહ્યુ છે. આ બાબતે તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતા હજુ દુષિત પાણી વિતરણ થાય છે પરિણામે અહિનાં લોકોને પાણીની ભયંકર મૂશકેલી વેઠવી પડે છે. તેમજ રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. આથી આજે કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરની આગેવાનીમાં વોર્ડ ઓફીેસે જઇ અને ઉગ્ર રજૂઆતો કરી શુધ્ધ અને પીવા લાયક પાણી વિતરણ કરવાની માંગ ઉઠાવી તંત્રની આંખ ઉઘાડવા માટલા ફોડવામાં આવ્યા હતા.

(3:50 pm IST)