Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના સ્વજનો ઓટોપ્સી માટે તુરત આગળ આવે, સોૈથી મોટી સેવા ગણાશે : ડો. કયાડા

સિવિલના ફોરેન્સિક વિભાગના વડા ડો. હેતલ કયાડા અને સાથી તબિબો સતત સેવા કાર્ય માટે તત્પર : માત્ર બે કલાકમાં મૃતદેહ સ્વજનોને અંતિમવિધી માટે પરત મળી જશેઃ ઓટોપ્સી પોસ્ટ મોર્ડમ કરી કોરોનાને કઇ રીતે નાથી શકાય તેનું સંશોધન થઇ રહ્યું છેઃ જાગૃત બનો અને બીજાને પણ આ કાર્ય માટે જાગૃત કરો :સિવિલ હોસ્પિટલમાં પાંચ ઓટોપ્સી થયાઃ ભારતમાં બીજી અને ગુજરાતની પ્રથમ ઘટના

રાજકોટ તા. ૨૮: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા તરીકે સેવા આપતા ડો.હેતલ કયાડાએ લોકકલ્યાણ માટે એક અનોખો યજ્ઞ આદર્યો છે. કોરોનાના કારણે અવસાન પામતા જુદી જુદી વયના અને જુદા જુદા લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરનું પોસ્ટમોર્ટમ કરી તેના અંગોનો અભ્યાસ કરવાનું કામ એમણે શરૂ કર્યું છે. આ કામ માટે જરૂરી તમામ મંજૂરીઓ મેળવીને અત્યાર સુધીમાં ૫ વ્યકિતના ઓટોપ્સી કર્યા છે. સમગ્ર ભારતની આ બીજી અને સમગ્ર ગુજરાતની આ પ્રથમ ઘટના છે.

કોરોનાના કારણે જેમનું અવસાન થાય છે એવા દર્દીના સગા ઓટોપ્સી માટે મંજૂરી આપે તો તે દર્દી પર ઓટોપ્સી કરવામાં આવે છે. ઓટોપ્સીમા અવસાન પામેલા દર્દીના શરીરના જુદા જુદા અંગોનો કેટલોક ભાગ લેવામાં આવે છે અને પછી તેનો અભ્યાસ કરવામાં આવે છે કે કોરોના વાઇરસને કારણે આ અંગો પર કેવી અસરો થઈ છે. આ અભ્યાસના આધારે મળતી માહિતી પરથી દર્દીઓની સારવાર કરવામાં અને દર્દીને ઝડપથી રોગમુકત કરવામાં ઘણી મદદ મળી શકવાની સંભાવના છે.

વધુમાં વધુ દર્દીઓને બહુ ઝડપથી રોગમુકત કરી શકાય તે માટે ડો.હેતલ કયાડા અને એની ટીમ પોતાની જાતનો વિચાર કર્યા વગર માનવકલ્યાણના કામે લાગ્યા છે. હાલમાં ડો. હેતલ કયાડાની સાથે અન્ય બે ડોકટર મિત્રો ડો. દિવ્યેશ વડગામ અને ડો. પ્રતીક વરૃં ઓટોપ્સી કાર્યમાં જોડાયા છે અને જો આ મિત્રોને કોરોના સંક્રમણ થાય તો બીજા મિત્રોની ટીમ પણ તૈયાર રાખી છે. જાણીને આશ્વર્ય થશે કે નાના માણસો પણ સંક્રમણનો ભોગ ન બને તે માટે પોસ્ટમોર્ટમ રૂમની સફાઈ કરવા માટે સફાઈ કામદારને બોલાવવાના બદલે આ ડોકટરો જાતે જ સફાઈ કામદાર બનીને રૂમ અને ટેબલની સફાઈ પણ કરે છે.

બધા ઘરમાં આરામથી બેઠા છીએ ત્યારે આ તબિબો કેવી નિષ્ઠાથી રાષ્ટ્રધર્મ અને માનવધર્મ નિભાવી રહ્યા છે એનો ખ્યાલ તમને એક નાની ઘટના પરથી આવશે. એકદિવસ ડો. હેતલ કયાડા રાતના લગભગ ૧.૩૦ આસપાસ હોસ્પિટલથી ઘરે ગયા. આખા દિવસના થાકયા પાકયા ઘરે આવીને હજુ તો સુતા જ હતા ત્યાં ૨ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી કોલ આવ્યો કે એક દર્દીનું અવસાન થયું છે અને દર્દીના સગા ઓટોપ્સી માટે તૈયાર છે. અવસાન પછી અમુક સમય પસાર થઈ જાય તો અંગો પરની અસરો જાણી શકાય નહીં એટલે તાત્કાલિક ઓટોપ્સી કરવું પડે. ડો. હેતલ રાતના ૩ વાગ્યે હોસ્પિટલ પહોંચી ગયા અને વહેલી સવાર સુધી ઓટોપ્સી કર્યુ હતું.

ડો. હેતલ કયાડા કહે છે- શુધ્ધ હૃદય અને શુદ્ઘ ભાવનાથી માનવજાત માટે કોઈ કામ કરો તો પરમ શકિત પણ તમને મદદ કરે છે. અમને કામ કરવા માટે ભગવાન જ બળ અને પ્રેરણા આપે છે. ભગવાનની કૃપાથી અમારા ત્રણે ડોકટરોની તબિયત સારી છે અને જૂસ્સાપૂર્વક કામ કરીએ છીએ.

આ તબિબો કોઈપણ જાતના સ્વાર્થ વગર કોરોનાની સારવારમાં મદદ મળે અને દર્દી જલ્દી સાજા થાય એવા ઉદેશથી આવુ સંશોધન કાર્ય કરી રહ્યા છે ત્યારે સોૈની એક પવિત્ર ફરજ છે કે સિવિલના આ તબિબોને સહયોગ આપીએ. દર્દીઓના સગાઓની મંજૂરી ન મળતી હોવાથી માત્ર ૫ ઓટોપ્સી થયા છે. ઇચ્છીએ કે કોઈનું કોરોનાના કારણે અવસાન ન થાય પણ જો અવસાન થાય તો આપણી નવી પેઢીની સુરક્ષા માટે એના શરીર પર ઓટોપ્સી કરવાની મંજૂરી અવશ્ય આપીએ. લોકોને પણ આ માટે જાગૃત કરીએ. ડો. હેતલ કયાડા અને એની ટીમને આવા સંશોધનકાર્ય માટે શુભેચ્છાઓ સાંપડી રહી છે. ઓટોપ્સી કરાવવા ઇચ્છુક મૃતક દર્દીના સ્વજનો સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક પર અથવા ડાયરેકટ ફોરેન્સિક વિભાગ મેડિકલ કોલેજમાં ડો. કયાડાનો સંપર્ક કરી શકે છે.

(3:15 pm IST)