Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સિવિલ-સમરસમાં એક મહિનાની સારવારને અંતે કોરોના સામે જીત્યા ધર્મેન્દ્રભાઇ શાહ

કોલેસ્ટ્રોલની બિમારી છતાં ડોકટર અને નર્સિંગ સ્ટાફના સહકારથી જિંદગી બચી :શ્વાસની તકલીફ ધરાવતાં અન્ય બે ગંભીર દર્દી પણ બન્યા કોરોના મુકત

રાજકોટ : 'મને બે દિવસથી તાવ ઉધરસની તકલીફ હતી. ધીમે ધીમે ઉધરસની સમસ્યા વધતાં સિવિલ ખાતે તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે મને કોરોના છે. મને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં ૬ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ સમરસ હોસ્ટેલ ખાતે શિફટ કરવામાં આવ્યો. અહીંના ડોકટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ સહિતના તમામ લોકોની મહેનતના પરિણામે આજે એક મહિના બાદ હું સંપૂર્ણ સ્વસ્થ છું અને ઘરે જઈ રહ્યો છું.' આ લાગણીસભર સંવાદ છે હેમલભાઈ ગિરધરલાલ આડેસરાનો.

હેમલભાઈના મોટાભાઈ સંજયભાઈ આડેસરા કહે છે કે, 'અહીંના સ્ટાફગણની શ્રેષ્ઠ સારવાર થકી આજે મારો ભાઈ સાજો થયો છે. આ લોકોનો આભાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.'

સમરસ સંકુલ ખાતે ફરજ બજાવતાં ડો. ઊર્મિબેન દવેએ જણાવ્યું હતું કે, '૪૦ વર્ષીય હેમલભાઈને શ્વાસની તકલીફ હોવાથી સૌપ્રથમ સિવિલ ખાતે તેમને વેન્ટિલેટર પર અને ત્યારબાદ સમરસ સંકુલ ખાતે મળીને એકાદ મહિનાની સઘન સારવાર અપાઈ. અને હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે.'

૫૩ વર્ષીય ધર્મેન્દ્રભાઈ શાહ પણ સમરસ હોસ્ટેલ ખાતેથી તંદુરસ્ત બની આજે પોતાના ઘરે પરત ફર્યા છે. તેઓએ કહ્યું હતું કે, 'મને ૫ દિવસ સુધી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યાં બાદ સમરસ ખાતે દાખલ કર્યો અને રજા આપી ઘરે પહોંચ્યો પરંતુ સાજા થયાના દોઢ દિવસે ફરી શ્વાસની તકલીફ થતાં ૪ દિવસ સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો અને ત્યારબાદ ૨ દિવસ સમરસ સંકુલ ખાતે સારવાર બાદ હવે હું એકદમ તંદુરસ્ત છું અને મને રજા મળી છે. અહીંના ડોકટર્સ તેમજ નર્સિંગ સ્ટાફના સાથ સહકાર અને પ્રયત્નોને લીધે મારી જિંદગી બચી ગઈ.'

અહીં ફરજપરસ્ત ડો. કેતનભાઈ પટેલે કહ્યું હતું કે, 'ધર્મેન્દ્રભાઈ હાઇપર કોલેસ્ટ્રોલેમિયાની બીમારી ધરાવે છે. ઘરે ગયા પછી ફરી તેમને શ્વાસની તકલીફ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે અને પછી સમરસ સંકુલ ખાતે સારવાર અપાઈ હતી.'

કોરોના સામેની જંગમાં દર્દીઓને સહકાર પૂરો પાડનારા કોરોના વોરીયર્સ માને છે કે, 'જયારે કોરોનાના ગંભીર દર્દીઓ સાજા થયાં બાદ અશ્રુભીની આંખે પોતાનાં ઘરે પરત ફરે છે એ જ અમારી સાચી જીત છે.'

(3:13 pm IST)