Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો જન્મદિવસ

કોરોના મહામારીના સંક્રમણથી શહેરીજનોને બચાવવા સતત સક્રિય ટેકનોસેવી ઓફિસર તરીકે જાણીતા શ્રી અગ્રવાલને ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી

રાજકોટ તા. ૨૮: શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. ૧૯૯૧ની બેચના સિનિયર આઇપીએસ શ્રી અગ્રવાલ ટેકનોસેવી ઓફિસર તરીકે જાણીતા છે. ૨૮-૦૯-૧૯૬૫ના રોજ ઉત્તરપ્રદેશમાં તેમનો જન્મ થયો છે. તેમણે બી.ટેક., એમ.ટેક., જેવી ટેકનિકલ ડિગ્રી સાથે સાયબર સોસાયટીમાં ડિપ્લોમા પણ કર્યુ છે. દાહોદ ખાતે એસપી, ગોધરા કચ્છ સહિતના સ્થળોએ ફરજ બજાવી ચુકેલા શ્રી અગ્રવાલે રિટાયર્ડ ડીજી અને પાવરફુલ આઇપીએસ કે.આર. કોૈશિક તથા સીબીઆઇના એડીશનલ ડિરેકટર શ્રી પ્રવિણ સિન્હા પાસે વિશેષ તાલીમ મેળવી છે.

તેઓ સાયબર ક્રાઇમને નાથવામાં માસ્ટરી ધરાવતાં હોવાથી હોમ સેક્રેટરી હતાં ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઇઝરાયલ ગયા હતાં. શંકાસ્પદ ટેરરીસ્ટને ઓળખી કાઢવા માટેની ટેકનોલોજી તેઓ ગુજરાત અને રાજકોટમાં લાવવા સતત સક્રિય રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ખાસ એપ્લિકેશનની નોંધ દિલ્હી સુધી લેવાઇ ચુકી છે. એવોર્ડ પણ મળ્યો હતો. એફએસએલ જે. એમ. વ્યાસ દ્વારા વર્લ્ડ લેવલનો જે સેમિનાર યોજાય છે તેમાં પણ તેઓની ભુમિકા મહત્વની હોય છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને આજે તેમના જન્મદિવસ નિમીતે અલગ-અલગ સોશિયલ મિડીયા ગ્રુપમાં સતત શુભકામનાઓ મળી રહી છે. તેમજ રૂબરૂ પણ અધિકારીઓ, કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ગયા વર્ષે શ્રી અગ્રવાલ અમેરિકા પ્રવાસે ગયા હતાં. ત્યાંથી પરત આવી તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતાં.

હાલની કોરોના મહામારીમાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા તેઓ સતત હિમાયતી રહ્યા છે. લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તે માટે તઓ સમયાંતરે અપિલ-અનુરોધ કરતાં રહે છે અને સાથોસાથ જે લોકો કાયદાને માન નથી આપતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાવી રહ્યા છે.

(2:58 pm IST)