Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની આવકોથી છલોછલઃ અડધા લાખ ગુણીની આવકો

રાજકોટ ૧પ હજાર અને ગોંડલમાં ૩પ હજાર મગફળીની ગુણીની આવકો થઇ ખેડુતોને બેસ્ટ મગફળીના ભાવ ટેકાના ભાવ કરતા વધુ મળ્યા

તસ્વીરમાં રાજકોટ યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા દ્રશ્યમાન થાય છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૮ : નવા સપ્તાહના પ્રારંભે રાજકોટઅને ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની પુષ્કળ આવકોની છલોછલ થઇ ગયા હતા ખેડુતોને બેસ્ટ કવોલીટીના મગફળીના ભાવ રાજય સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુ મળ્યા હતા.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા એક જ ઝાટકે ૧પ હજાર ગુણી મગફળીની આવકો થઇ હતી. ખેડૂતોને બેસ્ટ કવોલિટી નવી મગફળી જાડી એક મણના ભાવ ૧૦પ૦ રૂ. મળ્યા હતા. જયારે ઝીણી મગફળી એક મણના ભાવ ૧૧૦૦ થી ૧૧૧૦ રૂ. મળ્યા હતા. રાજય સરકારે ચાલુ વર્ષ મગફળી એક મણ ૧૦પપ રૂ.ના ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ બેસ્ટ કવોલીટીની મગફળીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જો કે, નબળી કવોલીટીની મગફળી એક મણના ભાવ ૭પ૦થી ૯૦૦ રૂ. હતા. રાજકોટ યાર્ડમાં પાંચ દિ' પછી મગફળીની આવકો શરૂ કરાઇ હતી.

રાજકોટની સાથે ગોંડલ માર્કેટયાર્ડ પણ મગફળીની પુષ્કળ આવકોથઇ હતી. આજે એક જ દિ'માં ગોંડલ યાર્ડમાં ૩પ હજાર ગુણી મગફળીની આવકો થઇ હતી અને બેસ્ટ કવોલીટીની મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે. જોકે, સતત વરસાદના કારણે અમુક સ્થળે મગફળીના પાકને નુકશાન પણ થયું છે. આગામી દિવસોમાં મગફળીની પુષ્કળ આવકોની સંભાવના છે.

(11:47 am IST)